Thursday, October 21, 2021
Homeશિવાનંદ ઝા CBIના નવા વડા બનવાની રેસમાં આગળ, YC મોદી પણ ફેવરિટ
Array

શિવાનંદ ઝા CBIના નવા વડા બનવાની રેસમાં આગળ, YC મોદી પણ ફેવરિટ

અમદાવાદઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના નવા ફુલ-ટાઈમ ડિરેક્ટરનું નામ આજે સાંજ સુધીમાં જાહેર થવાનું છે અને તે માટેની રેસમાં ગુજરાતના વર્તમાન ડીજીપી શિવાનંદ ઝા અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) મહાનિર્દેશક વાય સી મોદી અગ્રેસર હોવાનું મનાય છે. છેલ્લા ત્રણ મહિનાથી ‘કાદવાસ્થળી’માં સપડાયેલી દેશની કેન્દ્રીય તપાસ સંસ્થામાં આલોક વર્માના અનુગામીની પસંદગી કરવા આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને ઉચ્ચ-સ્તરીય પસંદગી સમિતિની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં સમિતિના વડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ભાગ લેશે.

સીબીઆઈ વડા માટે 12 નામ શોર્ટલિસ્ટ કરાયાની ચર્ચા

પીએમ ઓફિસના સૂત્રોના જણાવ્યા મુજબ 1982થી 1985 વચ્ચેની બેચના આઈપીએસ ઓફિસર્સના નામ શોર્ટલિસ્ટ કરાયા છે જેમાં 12 જણા સામેલ છે. આમેય આલોક વર્મા પ્રકરણમાં સરકાર બરાબરની દાઝી છે અને આ કારણથી જ ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકે’ કહેવતના ન્યાયે મોદી સરકાર કોઈ ચાન્સ લેવા માગતી નથી અને પોતાને અનુકૂળ એવા જ અધિકારીની વરણી કરવા માગે છે. જે 12 નામ શોર્ટલિસ્ટ કરાયાનું મનાય છે તેમાં ઝા અને મોદી ઉપરાંત મુંબઈના પોલીસ કમિશનર સુબોધકુમાર જયસ્વાલ, ઉત્તરપ્રદેશના ડીજીપી ઓ પી સિંઘ, બીએસએફ ડીજીપી રજનીકાંત મિશ્રા તથા સીઆઈએસએફ મહાનિર્દેશક રાજેશ રંજનનો પણ સમાવેશ થાય છે.

સિનિયોરિટીમાં ઝા આગળ, મોદી સાથે નિકટતાથી કામનો પણ અનુભવ

એક વરિષ્ઠ અમલદારે ત્યાં સુધી કહ્યું હતું કે, વાત જો સિનિયોરિટીની આવશે તો શિવાનંદ ઝાનું પલ્લું ભારે રહેશે. આમેય ઝાને પીએમ મોદી સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે અને 2002ના રમખાણોની તપાસ કરનારી સીટમાં પણ તેઓ સામેલ હતા. આ તમામ સંજોગોમાં શિવાનંદ ઝા સીબીઆઈના નવા વડા બને તેવી પ્રબળ શક્યતા છે.

ઝા દિલ્હી જાય તો અસ્થાના ગુજરાતના નવા ડીજીપી બની શકે

શિવાનંદ ઝા આશરે 11 વર્ષ બાદ ગુજરાતના કાયમી ડીજીપી તરીકે નિમણૂંક પામ્યા હતા. હવે તેમને સીબીઆઈ વડા તરીકે દિલ્હી ખસેડાય તો ગુજરાતમાં ડીજીપીનો હોદ્દો ફરી ખાલી પડે. આ સંજોગોમાં સૂત્રોના કહેવા મુજબ સીબીઆઈમાં નં. 2 અને વિવાદમાં સપડાયેલા રાકેશ અસ્થાનાને ગુજરાત પાછા મોકલી ડીજીપીના હોદ્દે તેમની નિમણૂંક કરી શકાય તેમ છે.

વાય સી મોદીનું આરએસએસ કનેક્શન લાભ કરાવશે?

વાય સી મોદી પણ સામે છેડે મજબૂત ઉમેદવારી ધરાવે છે. મોદી ઘણા લાંબા સમય સુધી સીબીઆઈમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. બીજીતરફ તેમનું આરએસએસ સાથેનું પણ ઘણું જૂનું કનેક્શન છે. તદુપરાંત ગુજરાતના રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટીના હત્યાકેસની તપાસ માટે રચાયેલી સમિતિમાં પણ મોદી સામેલ હતા જેણે નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments