ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીનો ટ્રેન્ડ યથાવત છે. વૈશ્વિક બજારમાં જોવા મળેલી વૃદ્ધિની અસર આજે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહી છે અને ભારતીય શેરબજારમાં શાનદાર તેજી સાથે શરૂઆત થઈ છે. ગઈકાલે જ સેન્સેક્સ 63 હજારના ઐતિહાસિક સ્તરને પાર કરી ચૂક્યો છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 367 પોઈન્ટના ઉછાળા સાથે 63,467ની સર્વોચ્ચ સપાટીએ ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 113 પોઈન્ટના ઉછાળા સાથે 18,871 પર ખુલ્યો હતો.
પ્રી ઓપનિંગમાં આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 63099.65ની સામે 258.34 પોઈન્ટ વધીને 63357.99 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18758.35ની સામે 113.60 પોઈન્ટ વધીને 18871.95 પર ખુલ્યો હતો. આજના કારોબારમાં સારી ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પર આઇટી ઇન્ડેક્સ 1.5 ટકાથી વધુ મજબૂત થયો છે. બેન્ક અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સમાં અડધા ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. જોકે ઓટો અને એફએમસીજી ઈન્ડેક્સ પર દબાણ છે. જ્યારે મેટલ, ફાર્મા અને રિયલ્ટી સહિતના અન્ય મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં છે.
આજના કારોબારમાં હેવીવેઇટ શેરોમાં ખરીદારી છે. સેન્સેક્સ 30ના 24 શેરો લીલા નિશાનમાં છે. આજે ટોપ ગેનર્સમાં TECHM, INFY, WIPRO, HCLTECH, TCS, TATASTEEL, LTનો સમાવેશ થાય છે, જ્યારે HUL, MARUTI, M&M, ITCમાં મંદીની ચાલ જોવા મળી રહી છે. સેન્સેક્સ પાછલા ટ્રેડિંગ સેશનમાં 418 પોઈન્ટ વધીને 63,100 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 140 પોઈન્ટના ઉછાળા સાથે 18,758 પર બંધ થયો હતો.