સની દેઓલનો અમૃતસરમાં કાર અકસ્માત, ચાર ગાડીઓ એકબીજા સાથે અથડાઈ

0
49

ગુરદાસપુરઃ બોલિવૂડ એક્ટર સની દેઓલ ભાજપની ટિકિટ પરથી પંજાબના ગુરદાસપુરમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યો છે. પંજાબમાં સાતમા તથા અંતિમ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે અને તેથી જ સની દેઓલ હાલમાં અહીંયા પ્રચાર કરી રહ્યો છે. સોમવાર (13 મે)ના રોજ રોડ દુર્ઘટનામાં સની દેઓલનો આબાદ બચાવ થયો હતો. સની દેઓલ એસયુવી કારમાં અમૃતસર-ગુરદાસપુર નેશનલ હાઈવે પરથી પસાર થતો હતો ત્યારે કારનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટતા સની દેઓલના કાફલામાં ચાલતી ચાર ગાડીઓ એકબીજા સાથે ભટકાઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સની દેઓલ રોડ શો માટે જતો હતો
સની દેઓલ રોડ શો માટે જતો હતો. અકસ્માત થયા બાદ તે બીજા વાહનમાં બેસીને રવાના થઈ ગયો હતો. 62 વર્ષીય સની દેઓલ ગુરદાસપુરથી ભારતીય જનતા પાર્ટી તથા અકાલી દળ ગઠબંધનનો ઉમેદવાર છે. આ સીટ પર સ્વ. બોલિવૂડ એક્ટર વિનોદ ખન્ના ચારવાર સાંસદ રહી ચૂક્યા હતાં. એપ્રિલ, 2017માં કેન્સરને કારણે વિનોદ ખન્નાનું નિધન થયું હતું.

ધર્મેન્દ્રે દીકરાને લઈ કહી આ વાત
ધર્મેન્દ્રે તાજેતરમાં જ કહ્યું હતું કે જો તેમને ખ્યાલ હોત કે ગુરદાસપુરમાં તેમના મિત્ર બલરામ ઝાખડનો દીકરો સુનિલ ચૂંટણી લડી રહ્યો છે તો તે સનીને આ બેઠક પરથી ચૂંટણી લડવાનું કહેત નહીં. તેમણે બલરામ ઝાખડ માટે ચૂંટણી પ્રચાર કર્યો છે. ધર્મેન્દ્રે વધુમાં કહ્યું હતું કે સુનિલ ઝાખડ તેમના દીકરા જેવો છે. તેના પિતા બલરામ સાથે તેમના ગાઢ સંબંધો છે. તેઓ એક અનુભવી રાજકારણી છે. જોકે, તેમનો દીકરો નેતા બનીને નહીં પરંતુ સેવક બનીને લોકોની સેવા કરવા આવ્યો છે. તેઓ અહીંયા ભાષણ આપવા નહીં પરંતુ લોકોના દુઃખ સમજવા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 1991માં બલરામ ઝાખડે સીકર (રાજસ્થાન)થી ચૂંટણી લડી હતી. તે સમયે તેમના ચૂંટણી કેમ્પેઈનમાં ધર્મેન્દ્ર સીકર આવ્યા હતાં.

સની દેઓલનો ગાલ ચુમતી મહિલાનો વીડિયો વાયરલ થયો
આ પહેલાં સની દેઓલ પંજાબના બટાલા વિસ્તારમાં રોડ શો કરતો હતો ત્યારે એક મહિલા સની દેઓલની કાર પર ચઢી ગઈ હતી. આ મહિલા સનીને મળવા માંગતી હતી અને તેથી જ કોઈએ તેને રોકી નહોતી. જોકે, આ મહિલાએ અચાનક જ સની દેઓલનો ગાલ ચુમી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here