ગાંધીનગર-અમદાવાદ: PM નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019નું ઉદઘાટન કરી બે દિવસના રોકાણ બાદ વાઇબ્રન્ટ ગુજરાત મુખ્યમંત્રી રૂપાણીને સોંપીને રવાના થતાં જ વાઇબ્રન્ટ ગુજરાતમાં કાગડા ઊડવા લાગ્યા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે ઉદ્યોગકારો કે મૂડીરોકાણકારોના બદલે મહાત્મા મંદિર માં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ નજરે પડતા હતા.
છેલ્લા 17 વર્ષથી નરેન્દ્ર મોદી ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટનો વિઝન શરૂ કર્યું હતું જે વિઝન અંતર્ગત દર બે વર્ષે દેશ-વિદેશના મૂડીરોકાણકારોને ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે આમંત્રણ આપવામાં આવતું હતું. આ વર્ષે નવમી વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસથી ગુજરાતમાં હતા વાઇબ્રન્ટ સમિટના એક ભાગ એવા ટ્રેડ શોના ઉદઘાટન બાદ મોદીએ વાઇબ્રન્ટ સમિતિ ઉદ્ઘાટન કરીને દેશ-વિદેશના મૂડી રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડ્યા બાદ મહાત્મા મંદિરની વાઇબ્રન્ટ સમિટમાં પાંખી હાજરી જોવા મળી હતી.
સમિટનો ઉદ્દઘાટન સમારંભ અઢી કલાકથી વધુ સમય ચાલ્યો હતો અને મોટાભાગનું સંબોધન અંગ્રેજીમાં હોવાથી શ્રોતાઓ પણ કંટાળી ગયા હતા. અધૂરામાં પૂરૂં જેણે આ વાઇબ્રન્ટ સમિટનો પાયો નાંખ્યો તે પીએમ મોદીની સ્પીચ પણ નિરસ અને તાળીઓનો ગડગડાટ પણ સંભળાયો નહોતો. વડાપ્રધાન હોલમાં પ્રવેશ્યા અને મંચ પર બેઠા ત્યાં સુધીમાં તેમના ટેકેદાર શ્રોતાઓ દ્વારા કોઇ તાળીઓથી વધામણાં પણ થયાં નહોતા. મોદી સંબોધન માટે ઉભા થયા ત્યારે કેટલાક ટેકેદારોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ ના સૂત્રોચ્ચાર થયા હતા.