સાધિકા પર દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને કોર્ટે દોષી ઠેરવ્યો, 30મીએ સજા સંભળાવશે

0
49

સુરતઃ વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આમ કેસની ટ્રાયલ 6 વર્ષ સુધી ચાલી છે. પરંતુ આજે ચુકાદો આવ્યો છે. જેમાં નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે તમામને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે.

પીડિતાને ન્યાય મળ્યો

સાધિકા બહેનો દ્વારા 10 વર્ષ જૂના કેસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સાધિકા બહેનોનું કોર્ટમાં 164 મુજબનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ નિવેદનના આધારે જ આખરે કેસ નોંધાયો હતો. અને નારાયણ સાંઈ પકડાયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં આજે કોર્ટે નારાયણ સાંઈને દોષિત જાહેર કરતાં પીડિતા બહેનોને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

જામીન પર રહેલા આરોપીઓની કસ્ટડી લેવાઈ

નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગંગા, જમના, હનુમાન અને રમેશના નામ છે. અને ચારેયના આજે સમન્સ પાઠવી કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હતું. આ કેસ દરમિયાન આ ચારેય આરોપીઓને જામીન મળી ગયા હતા. જેથી આજે ફરી ચારેયની કસ્ટડી લેવામાં આવી છે.

53 સાક્ષીઓની મહત્વની ભૂમિકા

નારાયણ સાંઈ વિરુધ્ધ સાધિકા બહેનોએ દાખલ કરેલી ફરિયાદ એક દાયકા જૂની હતી. પીડિતાની નાની બહેનના કારણે નારાયણ સાંઈ વિરુધ્ધ પુરતા પુરાવા અને દરેક લોકેશનની ઓળખ થઈ હતી. જ્યારે મોટી બહેને આસારામ વિરુધ્ધ કેસ નોંધાવ્યો હતો. નારાયણ સાંઈ વિરુધ્ધ 53 સાક્ષીઓઓએ જુબાની નોંધાઈ ચુકી છે.જેમાંથી અમુક મહત્વના સાક્ષીઓ પણ છે જેમણે નારાણય સાંઈ દ્વારા હવસના શિકાર બનાવાયાનું નજરે જોયું છે અથવા તો આરોપીઓને મદદ કરી હતી પરંતુ બાદમાં તેઓ સાક્ષી બની ગયા હતાં.

નારાયણ સાંઈના ચહેરા પર ગમગીની

સતત હસતા ચહેરા સાથે દુષ્કર્મની ફરિયાદ બાદ જોવા મળતાં નારાયણ સાંઈને કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ કોર્ટ પરિસરમાંથી લાજપોર જેલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ હતી. કોર્ટે દુષ્કર્મ કેસમાં સાધિકાઓની ફરિયાદ પર ચુકાદો આપતા નારાયણ સાઈને દોષિત જાહેર કરતાં તેના ચહેરો પડી ગયો હતો. અત્યાર સુધી સાંઈને પોતે નિર્દોષ છૂટી જશે તેવો ભ્રમ હતો પરંતુ તે આજે ભાંગીને ભુક્કો થઈ જતા તેનું દુઃખ નારાયણ સાંઈના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતું હતું.

સાંઈના સમર્થકોમાં નિરાશા

નારાયણ સાંઈને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવતાં તેમના સમર્થકો-સાધકોમાં ભારે નિરાશા જોવા મળી રહી હતી. આજે ચુકાદો સંભળાવાની હોવાથી મોટી સંખ્યામાં સાધકો કોર્ટ પરિસર ખાતે પહોંચી ગયા હતાં. પરંતુ સાંઈને દોષિત જાહેર કરવામાં આવતાં જ તેમના સાધકોના ચહેરા પડી ગયાં હતાં. મહત્વપૂર્ણ છે કે, અગાઉ પણ નારાયણ સાંઈના જન્મદિવસ દરમિયાન લાજપોર જેલ બહાર મોટી સંખ્યામાં સાધકો એકઠા થઈ જતાં હતાં અને ઉજવણી કરતાં હતા ત્યારે આજે ચુકાદાથી તે તમામ સમર્થકો તૂટી પડ્યાં હતાં. અને ધીમે ધીમે કોર્ટ પરિસરમાંથી બહાર નીકળવા લાગ્યાં હતાં.

દુષ્કર્મ, લાંચ સહિતના ગુના નોંધાયા છે

વર્ષ 2002થી 2004 દરમિયાન સાધિકા બહેનો સાથે નારાયણ સાંઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે નાસતા ફરતાં નારાયણ સાંઈને પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો હતો. બાદમાં 13 કરોડની લાંચનો કેસ સહિત સાક્ષીઓ પર હુમલાના કેસ નોંધાયા હતાં.

કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ

નારાયણ સાંઈ પર દુષ્કર્મ કેસનો આજે ચુકાદો આવ્યો છે. જેથી નારાયણ સાંઈને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. નારાયણ સાંઈને કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. અને કોર્ટ પરિસરમાં ડોગ સ્ક્વોડ સાથે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. જ્યારે નારાયણ સાંઈ સહિત 10 દોષિત જાહેર થતા કોર્ટમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

સમગ્ર કેસનો ઘટનાક્રમ

6/10/2013 ના રોજ સુરત જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
4/12/2013ના રોજ પોલીસે પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો
4/12/2013 ની સાંજે ફલાઇટ મારફતે સુરત લાવામાં આવ્યો
4/12/2013ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરત કેસમાં ધરપકડ કરી
5/12/2013ના રોજ નારાયણ સાંઈને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો
5/12/2013ના રોજ સુરત પોલીસને અલગ અલગ મુદ્દાઓ પર 14 દિવસના રિમાન્ડ મળ્યા
રિમાન્ડ પૂર્ણ થયા બાદ નારાયણ સાંઈ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે
છ વર્ષ સુધી ટ્રાયલ ચાલી

બિમારીઓનું ઘર બન્યો

નારાયણ સાંઈ હાલ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે. ત્યારે મહેલ જેવા આશ્રમોમાં લક્ઝુરિયસ લાઈફ જીવતા અને ગમે ત્યારે ફૂલ ફેંકીને સાધિકાઓ સાથે સહશયન કરવા માટે જાણીતા બનેલા નારાયણ સાંઈને લાજપોર જેલમાં બિમારીઓનો ભોગ બન્યો છે. નારાયણ સાંઈને કમર, હાડકાંનો રોગ થયો છે. સાથે જ દાંતના અને જડબાને લગતાં રોગો થયા હોવાની અવારનવાર ફરિયાદ કરતો રહે છે. જેથી તેને અવારનવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હોય છે.

7-10 વર્ષની સજાની શક્યતા

સુરતની સેશન્સ કોર્ટ નારાયણ સાંઈ સામેના કેસમાં આજે ચુકાદો આપ્યો છે. છ વર્ષ સુધી લાંબી ટ્રાયલ બાદ આજે ચુકાદો આવ્યો છે. જેમાં નારાયણ સાંઈને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. જેની સજા 30 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવનાર છે. નારાયણ સાંઈને 7-10 વર્ષની સજા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પોલીસે આ કેસમાં દુષ્કર્મ, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, લાંચ અને રાયોટિંગ સહિતના ગુના નોંધ્યા હતા.

જામીન અરજીઓ કરી

નારાયણ સાંઈને લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે. છેલ્લા છ વર્ષથી વધુ સમયમાં તેણે ઘણી જામીન અરજીઓ કરી હતી. નારાયણ સાંઈને અગાઉ ગુજરાત હાઇકોર્ટે બિમાર માતાને મળવા માટે 3 અઠવાડિયાના જામીન આપ્યા હતા. ત્યારબાદ નારાયણ સાંઈએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા માટે પણ જામીન માંગ્યા હતા.

પિતા આસારામ સજા ભોગવી રહ્યા છે

25 એપ્રિલ 2018ના રોજ નારાયણ સાંઈના પિતા આસારામે જોધપુર કોર્ટે યૌનશોષણ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ સાથે શિલ્પી અને શરદચંદ્રને પણ 20-20 વર્ષની સજા ફટકારી હતી. હાલ આસારામ આજીવન કેદની સજામાં જેલમાં બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here