Tuesday, January 18, 2022
Homeસીટ એક પણ દાવેદારો અનેક, રાહુલ ગાંધી માટે ચિંતાનો વિષય બની છે...
Array

સીટ એક પણ દાવેદારો અનેક, રાહુલ ગાંધી માટે ચિંતાનો વિષય બની છે આ એક સીટ

લોકસભાની ચૂંટણી માથે આવી ગઈ છે. જેની કોંગ્રેસના નેતાઓ છેલ્લા પાંચ વર્ષથી રાહ જોતા હતા તે ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. પરંતુ કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા સીટ બની છે. કોંગ્રેસ હાઈકમાન્ડ કોને સીટ સોંપે તેની આટીઘૂંટીઓમાં હવે એક સીટ એવી સામે આવી છે જેના પર લડવા માટે એક કરતા વધારે કદાવર નેતાઓ તરસી રહ્યા છે.

પંજાબમાં કોંગ્રેસના નેતાઓ માટે ચંદીગઢ લોકસભા સીટ હોટ બની ગઈ છે. જેને મેળવવા માટે એક બે નહીં ત્રણ ત્રણ નેતાઓ તલપાપડ બન્યા છે. તમામ નેતાઓ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. સૌથી પહેલા પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબ કેબિનેટના મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુ ચંડીગઢ લોકસભા સીટથી ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવી રહ્યા છે. જેનાથી પંજાબ અને ચંદીગઢની રાજનીતિમાં હલચલ પેદા થઈ ગઈ છે.

નવજોત કૌરે શુક્રવારે રાત્રે ચંડીગઢ કોંગ્રેસ ભવન પહોંચીને લોકસભા ચૂંટણી લડવાની હોવાનું ચંડીગઢ કોંગ્રેસના અધ્યક્ષ પ્રદીપ છાબડાને લેખિતમાં અરજી કરી જણાવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે નવજોત સિંહ સિદ્ધુનો વિસ્તાર અમૃતસર છે. જ્યાંથી સિદ્ધુ 2004થી લઈને 2014 સુધી લોકસભાના સાંસદ રહ્યા છે. ત્યાં તેમની પત્ની નવજોત કૌર લાંબા સમય સુધી અમૃતસર પૂર્વ વિધાનસભાની સીટથી ધારાસભ્ય રહી છે. પરંતુ હાલ તો અમૃતસર વિધાનસભાની સીટ કોંગ્રેસના ગુરદીત સિંહ ઔઝલાની પાસે છે.

આ વિશે નવજોત કૌરનું કહેવું છે કે, મેં મહિલા ક્વોટાથી ચંદીગઢ માટે આવેદન આપ્યું છે. પંજાબની ગ્રુપ પોલિટિક્સને કારણે હું ચંદીગઢ આવી છું. પંજાબમાં કેપ્ટન અમરિંદર, જાખડ અને બાજવા ગ્રુપ છે. જો કે મને તેનાથી કોઈ પ્રકારની સમસ્યા નથી. સિદ્ધુ પંજાબથી કામ કરી રહ્યા છે એટલે મેં ચંદીગઢથી દાવેદારી નોઁધાવી છે.

ચંદીગઢ માટે દાવો ઠોકનારા નેતાઓમાં આગામી નામ મંત્રી મનીષ તિવારીનું છે. મનીષ તિવારી 2009માં લુધિયાના લોકસભા સીટથી સંસદ સુધી પહોંચ્યા હતા. 2014માં તેમણે લોકસભા ચૂંટણી નહોતી લડી. જેની જગ્યાએ કોંગ્રેસના રવનીત સિંહ બિટ્ટુએ ચૂંટણી લડી હતી અને તે લુધિયાણાથી સાંસદ બન્યા હતા. રવિવારે સવારે મનીષ તિવારી ચંદીગઢ કોંગ્રેસના અધ્યક્ષ પ્રદીપ છાબડાને મળ્યા હતા અને ચંદીગઢ લોકસભા સીટ માટે દાવેદારી નોંધવી હતી.

સૌથી મોટી વાત એ છે કે ચંદીગઢ જેવી મસમોટી સીટ પર અત્યાર સુધી પવન કુમાર બંસલ જીતતા આવ્યા છે. જોકે ગત્ત ચૂંટણીમાં તેમને પછડાટ ખાવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી તેમણે પોતાની પરંપરાગત સીટ પર દાવો ઠોક્યો છે. પવન કુમાર બંસલનું આ અંગે કહેવું છે કે, ચૂંટણી લડવા માટે કોઈ પણ એપ્લાઈ કરી શકે છે. અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો હશે. મેં ચાલીસ વર્ષ સુધી કામ કર્યું છે. વિરોધ પ્રદર્શનમાં પાણીની બૌછાર ખાધી છે. પાર્ટી જોશે કે લોકો સાથે સંપર્ક કોનો વધારે છે.

જણાવી દઈએ કે ચંદીગઢ પંજાબ અને હરિયાણા આમ બે રાજ્યોની રાજધાની છે. કેન્દ્રશાસિત પ્રદેશ છે. જો આ સીટમાં જીત મળી જાય તો એક મોટી સીટ હાથમાં આવી જાય. ઉપરથી નેતાનું કદ પણ મોટું થઈ જાય. આ કારણે જ ચંદીગઢ લોકસભા સીટ પર ચૂંટણી લડવા માટે મોટા મોટા કોંગ્રેસી નેતાઓ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. હાલ તો આ સીટ ભાજપની સાંસદ કિરણ ખેર પાસે છે. પરંતુ કોંગ્રેસના નેતાઓને લાગે છે કે અત્યારે માહોલ તેમના તરફ હોવાથી આ સીટ જીતવાના ચાન્સિસ વધી જાય છે. જેથી એક સામટા અગણિત નેતાઓ સીટ મેળવવા માટે ઝપાઝપી કરી રહ્યા છે. જેના કારણે આ સીટ હોટ બની ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular