અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના અંતિમ દિવસે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રૂ. 1 લાખ કરોડથી વધુના રોકાણ માટેના કરારો કરવામાં આવ્યા હતા. સૌથી મોટું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) અદાણી ગ્રૂપે રૂ. 30,000 કરોડનું કર્યું હતું જેમાં કંપની ગુજરાતના હાયબ્રિડ વિન્ડ-સોલાર એનેર્જી પાર્કમાં રોકાણ કરશે. આ સિવાય ભારતના સૌથી મોટી વિન્ડ ટર્બાઇન ઉત્પાદક સુઝલોને હાયબ્રિડ પાર્કમાં રૂ. 25,000 કરોડનું રોકાણ કરવાના એમઓયુ કાર્ય હતા. ગુજરાતની જ ટોરેન્ટ પાવરે રૂ. 9,000 કરોડના રિન્યુએબલ એનર્જી અને પાવર ડિસ્ટ્રિબ્યુશન માટેના કરાર કાર્ય હતા. આ તકે ઉર્જા મંત્રી સૌરભ પટેલે માહિતી આપી હતી કે રાજ્ય સરકાર નાના સોલાર પાવર ઉત્પાદકો માટે એક ઇન્ટિગ્રેટેડ પોલિસી તૈયાર કરી રહી છે જે ટૂંક સમયમાં જાહેર થશે. આ ઉપરાંત કેન્દ્રના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી આનંદ કુમારે જાણકારી આપી હતી કે ભારતના પહેલા ઓફશોર વિન્ડ પાર્ક માટે એક મહિનામાં ટેન્ડર બહાર પડશે.
બીજા રાજ્યોને વીજળી આપવા કચ્છમાં હાયબ્રિડ પાર્ક બનશે
ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઘણું કામ થઇ રહ્યું છે. આવતા 2-3 વર્ષોમાં અમે સોલાર અને પવન ઉર્જા મારફત 15,000 મેગાવૉટ્સ થી વધારે રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધારવા માંગીએ છીએ. આ ઉપરાંત બીજા રાજ્યોની વીજ જરૂરિયાત પુરી થાય તે માટે કચ્છમાં રાજ્ય સરકાર એક હાયબ્રિડ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે. આના માટે જગ્યાની પસંદગી થઇ ગઈ છે અને ટૂંક સમયમાં તેના માટે કામગીરી શરૂ કરવામાં આવશે.
ભારતના પહેલા ઓફશોર વિન્ડ પાર્ક માટે ટેન્ડર ટૂંક સમયમાં આવશે
ભારતનો પહેલો 1 ગિગાવોટનાં ઓફશોર વિન્ડ એનર્જી પાર્ક ગુજરાતમાં બનાવ જય રહ્યો છે. કચ્છ વિસ્તારમાં બનનારા આ પાર્કની જાહેરાત ગત વર્ષે થઇ હતી. કેન્દ્ર સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી આનંદ કુમારે આજે વાઇબ્રન્ટ ગુજરાતમાં કહ્યું હતું કે, આ ઓફશોર વિન્ડ પાર્ક માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થઇ ગયો છે અને તેની તમામ વિગતો અમારા ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પાર મુકવામાં આવી છે. અમે એક મહિનામાં આના માટે ટેન્ડર બહાર પાડીશું.
વિન્ડ અને સોલાર પ્રોજેક્ટ માટે વ્યાજબી દરે જમીન અપાશે
સૌરભ પટેલે આજે જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જીના પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર ડેવેલોપર્સને વિન્ડ અને સોલારને લગતા પ્રોજેક્ટસ માટે વ્યાજબી દરે જમીન આપશે. અમે રાજ્યના રેવેન્યુ ડિપાર્ટમેન્ટ સાથે આ બાબતે ચર્ચા કરી છે અને તેઓ સરકાર પાસે ઉપલબ્ધ જમીનમાંથી જરૂર પડ્યે જમીન આપવા તૈયાર છે.