સુરતઃ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળ્યોઃ હત્યાની આશંકા

0
79

મહુધા તાલુકાના મહીસા ગામ પાસેના જીવાના મુવાડા ખાતે ગુમ થયેલા એક યુવકની લાશ શુક્રવારે બપોરે મળી આવતાં ચકચાર મચી હતી. ભોગ બનનારના ગળા તથા શરીરના અન્ય ભાગોએ મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પ્રાથમિક દૃ‌િષ્ટએ જણાય છે તેમજ આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું મનાય છે.

જીવાના મુવાડા ખાતે આશરે ૩ર વર્ષીય જવાનભાઇ રઇજીભાઇ પરમાર રહેતા હતા. લોકમુખે ચર્ચા મુજબ જવાનભાઇને કોઇ સ્થાનિક પ‌િરણીત સ્ત્રીના પ્રેમમાં હતો. આ પ્રેમ પ્રકરણને લઇ ત્રણેક માસ અગાઉ બન્ને પક્ષના માણસો વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. આ ઘટના બાદ જવાનભાઇ સુરત ખાતે પેટ્રોલ પંપ પર નોકરી કરવા માટે જતા રહ્યા હતા.

દરમિયાન રાસનોલ ખાતે તેમના ભાણિયાની બાધાનો પ્રસંગ પતાવીને ચારેક દિવસથી તે પોતાના ગામ લગ્ન પ્રસંગ અર્થે આવ્યા હતા. ઘટનાના આગલા દિવસ ગુરુવારે સવારના ૮ વાગ્યાના સુમારે તે કોઇ સ્થાનિક યુવકના બાઇક પાછળ બેસીને કોઇ જગ્યાએ જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આ યુવક ઘેર પરત ફર્યો નહોતો. આથી તેના મોટાભાઇ અને સગાવહાલાંઓએ તેની શોધખોળ કરી હતી.

દરમિયાન શુક્રવારે સ્થાનિક મહિલાઓ જીવાના મુવાડાની બીડની ક્યારી વિસ્તારના ખેતરોમાં તમાકુના બોર વીણવા નીકળી હતી ત્યારે પીપળાના ઝાડ નીચે એક સ્થાનિક યુવકની લાશ બિનવારસી હાલતમાં પડેલી જોવા મળતાં મહિલાઓ ગભરાઇ ગઇ હતી. તપાસ કરતાં આ લાશ જવાનભાઇ પરમારની હોવાનું માલૂૂમ પડ્યું હતું.

ભોગ બનનારને ગળાના ભાગે તથા શરીરના અન્ય ભાગોએ ઘા ઝીંકી કાસળ કાઢીને લાશને બિનવારસી હાલતમાં મૂકી હત્યારાઓ ભાગી ગયા હતા. તેથી કોઇ હથિયાર વડે અથવા ગળે ટૂંપો દઇ લાકડીના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું અનુમાન થઇ રહ્યું છે. આ ઘટના અંગે મહુધા પોલીસે લાશના પોસ્ટમોર્ટમની તજવીજ કરી તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસે શકમંદની પૂછપરછ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here