Sunday, October 24, 2021
Homeસુરતના મોટા વરાછામાં લગ્ન પહેલા શહીદોના પરિવાર માટે દાન કરાયા બાદ કન્યાદાન...
Array

સુરતના મોટા વરાછામાં લગ્ન પહેલા શહીદોના પરિવાર માટે દાન કરાયા બાદ કન્યાદાન થયું

સુરતઃમોટા વરાછામાં અબ્રામા રોડ પર રહેતાં સોજીત્રા પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે  કન્યાદાન કરતાં પહેલા શહીદો માટે દાન કરવાનો નિર્ણય કર્યો હતો. મૂળ અમરેલી જીલ્લાના નાના લિલિયા ગામના વતની અને હાલ મોટાવરાછામાં ગોકુલધામ સામે હરીવિલામાં રહેતાં જશુમતીબેન અને લાલજીભાઇ સોજીત્રાની દીકરી અંકીતાના લગ્ન પ્રસંગે અન્ય રીત રિવાજો સામાજીક વ્યવહારો અને લગ્ન વિધિ બધી જ બાબતોમાં રાષ્ટ્રીય ભાવનાને પહેલું પ્રાધાન્ય આપવામાં આવ્યું. રાષ્ટ્રીય ધર્મ માટે દીકરીનું કન્યાદાન કરતાં પહેલા દેશના શહીદ જવાનોના પરિવારો માટે 1 લાખ રૂપિયાનુ ફંડ આપીને લગ્નોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

શહીદો માટે નિર્ણય લેવાયો
કન્યાના પિતા લાલજીભાઇ સોજીત્રાએ જણાવ્યું હતું કે લગ્ન જેવા પ્રસંગ માટે લગભગ દરેક પરિવારમાં સામાન્ય રીતે એક વર્ષથી તૈયારીઓ થતી હોય છે. અમે પણ અમારા ઘરના પ્રસંગ માટે પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી, જેમાં આપણી ભારતીય પરંપરા મુજબ વૈદિક વિધિની સાથે શાસ્ત્રોક્ત રીતે દીકરીને આપવામાં આવતી તમામ વસ્તુઓમાં સુવર્ણદાન, ભૂમિદાન, ગૌદાન વગેરે વાસ્તવિક રીતે આપવાનુ આયોજન કરાયું હતું પરંતુ, તાજેતરમાં થોડા દિવસો પૂર્વે કાશ્મીરના પુલવામા ખાતે બનેલી આતંકવાદી હુમલાની ઘટનાને લઇને અમારા આયોજનમાં થોડો ફેરફાર કરીને પહેલા શહીદ જવાનો માટે ફંડ અને પછી કન્યાદાન કરવું તેવો નિર્ણય અમરા પરિવારે લીધો હતો.
લગ્ન રાષ્ટ્રગીતથી શરૂ થયા
વર્તમાન સમયમાં જગ્યાના અભાવે દીકરીને દાનમાં ચાંદીની અથવા સોનાની ગાય આપવામાં આવતી હોય છે. અહીં સામા પક્ષે વેવાઇને ત્યાં ગાયો રાખવા માટે ફાર્મ હાઉસની સુવિધા હોવાથી દેશી બે ગાયોનું  દાન આપવામાં આવ્યું હતું. જુના સમયમાં જે રીતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગાયોને દાનમાં અપાતી  તેવી રીતે સંપૂર્ણ રીતે શણગારીને આપવામાં આવી હતી. લગ્ન સમારોહ શરૂ થતા પહેલા જયજવાન નાગરીક સમિતિને શહીદોના પરિવારો માટે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. વર કન્યા સહિત લગ્ન સમારંભમાં હાજર રહેલા તમામ મહેમાનોએ સામૂહિક રીતે રાષ્ટ્રગીતનું ગાન પણ કર્યું હતું.
પરિવારનો નિર્ણય પ્રેરણારૂપ બનશે
દરેક પ્રસંગોમાં શહિદ જવાનોના પરિવારોને યાદ કરીને યથાશક્તિ કંઇક આપવાનું વિચારે તે માત્ર સુરતમાં જ શક્ય છે. કાશ્મીરમાં પુલવામા ખાતેની ઘટના બાદ ખુબજ સારી જનજાગૃતિ જોવા મળે છે. સોજીત્રા પરિવારે કરેલો નિર્ણય બીજા અનેક પરિવારો માટે પ્રેરણારૂપ બની રહેશે.- કાનજીભાઇ ભાલા‌ળા,કન્વીનર, જય જવાન નાગરીક સમિતિ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments