સુરતના હજીરા રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લીધી, સાસુ-જમાઈનું મોત

0
41

સુરતઃ  શહેરના હજીરા વિસ્તારમાં એક ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈક સવાર સાસુ-જમાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે લોકોમાં રોષ ફેલાયો હતો.

ઓલપાડના કુવાડ ગામના વતની રમણ ડાયાભાઈ પટેલ કવાસ ખાતે આવેલી ક્રિભકો કંપનીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરતા હતા. રમણના સાસુ શારદાબેન ચંદુભાઈ પટેલ થોડા દિવસો પહેલાં દીકરીને મળવા આવ્યા હતા. અને આજે રમણ કુવાડથી સાસુને કવાસ ગામ ખાતે મૂકવા જઈ રહ્યો હતો. દરમિયાન હજીરા ઓએનજીસી ઈન્છાપોર ચોકડી નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે અડફેટે લીધા હતા. જેથી બાઈક ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. અને 100 મીટર જેટલા રોડ પર ઘસડ્યા હતા. જેથી બાઈક સવાર રમણ પટેલ અને શારદાબેન પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે આસપાસથી દોડી આવેલા લોકોને જોઈને ડ્રાઈવર ટ્રક મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રાફિક અને અકસ્માતને લઈને બે દિવસ પહેલાં જ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકે, વારંવાર રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા આજે બે લોકોએ જીવ ગુમાવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here