સુરત: ડિંડોલી શ્રમ વિસ્તારમાં આવેલી રામનગર સોસાયટીમાં 13 વર્ષના રાજનું તેના જ પડોશમાં રહેતા 17 વર્ષના સગીરે તેના 16 વર્ષના સગીર મિત્ર સાથે ટેમ્પામાં અપહરણ કરી ગયા હતા. આ ઘટનામાં મોડીરાત્રે ભેસ્તાન સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી નજીકથી રાજની હત્યા કરાયેલી લાશ મળી હતી.
પોલીસ બન્ને સગીરોને હત્યા સ્થળે લઈ ગઈ
ડિંડોલી પોલીસે નવાગામ ડિંડોલી રામનગર સોસાયટીમાં સાડીની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં અપહરણ મામલે તપાસ કરી જેમાં ટેમ્પામાં બે સગીરો સાથે રાજ જતો હોવાના ફુટેજ આવ્યા હતા. જેને લઈને પોલીસે બન્ને સગીરો ઉંચકી લાવી પૂછપરછ કરી જેમાં શરૂઆતમાં બન્ને સગીરો પોલીસને ગોળ-ગોળ વાતો કરવા લાગ્યા પરંતુ પોલીસે બન્ને કડકહાથે પૂછપરછ કરતા આખરે ભાંડો ફુટી ગયો અને હત્યા કરી હોવાની વાત કરી હતી. જેથી પોલીસે જે જગ્યાએ હત્યા કરી તે જગ્યાએ બન્ને સાથે લઈને જતા આખો મામલો સામે આવી ગયો હતો.
છેલ્લા બે દિવસથી ઝઘડો ચાલતો હતો
મરનાર રાજ પર બન્ને સગીરોએ કબુતર ચોરીની શંકા રાખી હતી. રાજ સાથે બે દિવસથી ઝઘડો ચાલતો હતો. જેને લઈને બન્ને હત્યા કરી નાખી હતી. હત્યામાં સામેલ એક 17 વર્ષનો તરૂણ તેના પિતાનો ટેમ્પો હંકારીને તેમાં તેના સાગરિત અને રાજને ફરવાના બહાને રવિવારે સવારે 10.30 વાગ્યે લઈ ગયો હતો. જયારે પરિવારજનોએ એવુ જણાવ્યું કે, રાજએ કબુતર ચોરી કરતા હત્યારાએ જોયો હતો. જેના કારણે ટેરેસ પરથી તેને બે જણા રાજને કોલર પકડીને નીચે લાવી ટેમ્પામાં લઈ ગયા હતા.
રાજ ધો-7માં ભણતો હતો
સવારે 10.30 વાગ્યે પડોશમાં રહેતા સગીર રાજ મોરેનું અપહરણ કરી ગયો તે વખતે રાજના ઘરે કોઈ ન હતું, રાજની માતા ઘોડદોડ રોડ પર કામ કરવા જાય છે અને તેના પિતા ટ્રક ડ્રાઈવર છે. રાજ ધો-7માં નવાગામની મરાઠી સ્કુલમાં ભણતો હતો. બપોરે 2 વાગ્યા માતા ઘરે આવીને રાજને આજુબાજુ શોધખોળ કરી છતાં તેનો કોઈ વાવડ મળ્યો ન હતો. બાદમાં સાંજે પિતા આવ્યા તે પણ શોધવા ગયા પરંતુ સાંજ સુધી કોઈ પત્તો ન મળતા આખરે રવિવારે સાંજે 6 વાગ્યે ડિંડોલી પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનાને ગંભીરતાથી લઈને સોસાયટીના સીસીટીવી કેમેરાની તપાસ કરી હત્યારાઓની હકીકતો જાણવા મળી છે.