સુરતઃ અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આસપાસના લોકોને જાણ થતા ત્રણેયને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવારાર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પતિ-પુત્રીનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સ્મીમેર હોસ્પિટલ સ્થિત પરિવારજનોએ જણાવ્યું હતું કે, આપઘાત કરનાર નરેન્દ્ર શિવપુરી કોળી (ઉ.વ.30 રહે. અમરોલી કોસાડ આવાસ) એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતા હતા. ગુરૂવારના રોજ સવારે નરેન્દ્રભાઈ પત્ની પ્રિયંકા અને માસૂમ દીકરી મૈત્રી સાથે કતારગામ ગુરુકુળ ફરવા ગયા હતા. જ્યાંથી સાંજે પરત ફરી રાત્રીના ભોજન બાદ આખું પરિવાર સૂઈ ગયું હતું. જોકે, આજે (શુક્રવાર) વહેલી સવારે લગભગ 4:30 વાગ્યાના અરસામાં પરિવાર ઝેરી દવા પીધેલી હાલતમાં ઘરમાંથી મળી આવતા તાત્કાલિક ઓટો રિક્ષામાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં નરેન્દ્રભાઈને મૃત જાહેર કરાયા હતા. બાદમાં ટૂંકી સારવારના અંતે દીકરી મૈત્રીને પણ મૃત જાહેર કરાઈ હતી. જ્યારે પત્ની પ્રિંયકાની હાલત ગંભીર હોવાનું તબીબો કહીં રહ્યા છે. હાલ અમરોલી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકની પત્ની પ્રિયંકાએ ફરજ પર ના તબીબોને જણાવ્યું હતું કે, અમોએ રાત્રીના ભોજનમાં અનાજમાં નાખવાની દવા નાખી રસોઈ બનાવી હતી. ત્યારબાદ આખા પરિવારે આ ભોજન ખાઈ સુઈ ગયા હતા. દીકરીએ પણ તબીબને કહ્યું હતું કે, માતા એ ભોજન કરાવ્યું હતું.
મૂળ યુપીના કોળી સમાજનો પરિવાર કોસાડમાં આવેલા આવાસમાં ઘણા સમયથી રહેતો હતો. દરમિયાન આજે ઝેરી દવા ગટગટાવી આકરું પગલું ભરી લીધું હતું. હાલ તો આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. જોકે, સામુહિક આપઘાત અંગેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.