સુરતઃ અઠવાગેટ નજીકની ફેમિલી કોર્ટમાં આજે બે પક્ષકારો વચ્ચે જાહેરમાં મારા મારી થતા લોકો ભેગા થઈ ગયા હતા. લગ્ન બાદ પારિવારિક ઝઘડો આજે(સોમવાર) ફેમિલી કોર્ટમાં આવ્યો હતો. જેમાં લગ્નના ખર્ચની રકમ ને લઈ બન્ને પક્ષકારો ઝઘડા પર ઉતરી પડ્યા બાદ એકબીજા પર તૂટી પડ્યા હોવાનું બહાર આવ્યું છે.
સાસરીયા પર મારઝૂડનો આરોપ
રેશ્મા કિશોરભાઈએ જણાવ્યું હતું કે, 30-4-2018ના રોજ તેમના લગ્ન ડીંડોલીમાં રહેતા સંજય પોહણીકર સાથે થયા હતા. જોકે, લગ્નના 4 મહિનામાં જ સાસરિયાઓ દ્વારા તેમની સાથે મારઝૂડ કરાતી હોવાના કારણે તેમણે પિયરમાં આશરો લીધો હતો. ત્યારબાદ ન્યાય માટે ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં આજે કોર્ટ દ્વારા બન્ને પક્ષકારોને સમાધાન કરી લેવા માર્ગ દર્શન અપાયું હતું.
છોકરીવાળાના પરિવાર પર છોકરાવાળાના પરિવારે હુમલો કર્યો
વધુમાં ઉમેરાયું હતું કે, કોર્ટમાંથી બહાર આવતા જ સામવાળા તેમના જેઠ રાજેશભાઈ, મિતુલભાઈ તેમની પત્ની ભારતી માતા (સાસુ) સાવિત્રીબેન સહિત કેટલાકે તેમની અને તેમની માતા – ભાઈ ઉપર હુમલો કરી જાહેરમાં માર માર્યો હતો. જેથી તમામે તાત્કાલિક સારવાર માટે સિવિલ દોડવું પડ્યું હતું.
છોકરીવાળાના પરિવારે ઝઘડો શરૂ કર્યોઃ સાસરીયા
સાવિત્રીબેન (સામાવાળા)એ જણાવ્યું હતું કે, ઝઘડો છોકરીવાળા તરફથી શરૂ કરાયો હતો. દીકરા-વહુને જાહેરમાં કપડાં ફાડી માર મરાયો હતો. લોકો જોતા જ રહ્યા ને હુમલો કરી પકડાય એ પહેલાં તમામ ભાગી ગયા હતા. હાલ તેઓ તમામ સારવાર માટે સિવિલ આવ્યા છે.