સુરતમાં ભાઈએ જ ભાઈના દીકરાનું અપહરણ કરી રૂપિયા 50 હજારની ખંડણી માંગી

0
34

સુરત: વરાછામાં રહેતા 6 વર્ષિય બાળકનું તેના મોટા બાપુજીએ અપહરણ કરીને 50 હજાર રૂપિયાની ખંડણી માંગી છે. પોલીસની ભીંસ વધતાં આરોપી અમદાવાદના નિકોલ વિસ્તારમાં બાળકને બીનવારસી છોડીને મુકી ગયો હતો. ત્યાં પોલીસને બાળક મળતાં વરાછા પોલીસ અમદાવાદ જઈને બાળકનો કબ્જો મેળવ્યો હતો.

વરાછા વિસ્તારમાં બજરંગનગરમાં રાજુ મુજાણી પત્ની હેતલબેન અને જોડિયા દિકરાઓ જય અને જેનીલ છે. રાજુ આરી ભરતનું કામ કરે છે. તેના ઘરના બાજુમાં તેનો મોટા ભાઈ ભરત(38 વર્ષ) ભાડેથી રહે છે. ભરત કોઈ અપરિણિત છે. તે કોઈ કામ ધંધો કરતો નથી. ભરતને દારૂ પીવાની ટેવ છે અને બોરીવલીમાં ચોરીના કેસમાં સાડા સાત વર્ષ જેલમાં રહી ચુક્યો છે. 11મી તારીખે ભરત જયને પીપુડી લેવા માટે સાથે લઈ ગયા બાદ પરત આવ્યા ન હતા. તેથી બંનેના ગુમ થવા બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

13 મી તારીખે ભરતે તેના બનેવી સંજય પ્રેમજી મકવાણાને ફોન કરીને કહ્યું કે જય તેની પાસે છે જો તેને 50 હજાર રૂપિયા નહીં અપાય તો જયનું ગળું દબાવી દેશે. ત્યાર બાદ સંજયે વરાછા પોલીસ સ્ટેશનમાં સાળા ભરત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને શોધવા માટે પ્રયાસો તેજ કર્યા એટલે આરોપી ભરત જયને અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં છોડીને નાસી ગયો હતો. બાળક બીનવારસી મળતાં નિકોલ પોલીસે બાળકનો કબ્જો લીધો હતો. બાળકે જ સુરત વિશે વાત કરતાં નિકોલ પોલીસે સુરત પોલીસને તેની જાણ કરી હતી. વરાછા પોલીસ અમદાવાદ જઈને તેને લઈ આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here