સુરતમાં શિખાવ કાર ચાલકે 3ને અડફેટે લીધા, એકના બંને પગ કપાયા

0
31

સુરત: મોટા વરાછામાં ડી માર્ટની બહાર એક શિખાવ કાર ચાલકે બેદરકારીથી કાર હંકારતા ત્રણ જણાને અડફેટે લીધા હતા. તેના કારણે એક બાળક સહિત ત્રણને ઇજા થઈ હતી. એક યુવકના બંને પગ કપાઈ ગયા હતા અને બીજા યુવકને પગમાં ફ્રેક્ચર થયું હતું. બાળકને દાઢીના ભાગે ઇજા થઇ  હતી. પોલીસે આરોપી કારચાલક અર્પીત તારપરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક પગ સારવારમાં કાપવો પડ્યો
અમરોલીના કોસાડ રોડ પર સ્ટાર પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ ચુનીભાઈ ગાઝરિયા (32 વર્ષ. રહે. વાસી તળાવ,મહુવા) હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે.તેઓ રવિવારે મોડી સાંજે તેમના ભાઈ દિલીપ ચુની ગાઝરિયા, દિકરો વિહાન (6 વર્ષ) અને ઓળખીતા રાહુલ ધીરુભાઈ ઉદેશી સાથે મોટા વરાછામાં ડી માર્ટમાં ખરીદી માટે ગયા હતા. ખરીદી કરીને આઠેક વાગે માટેની બહાર ઉભા હતા. તે સમયે સામે પાર્ક  જીજે-05-જેએ-7480 નંબરની સ્કોડા કારના ડ્રાઈવરે ઝડપથી કાર તેમના તરફ હંકારી હતી. આ ઘટનામાં મનોજ ગાઝરિયાનો એક પગ ઘટના સ્થળે જ કપાઈ ગયો હતો. સારવાર દરમિયાન બીજો પગ પણ કાપવો પડ્યો હતો. રાહુલને જમણા પગે ફેક્ચર થયું હતું. વિહાનને પણ માથામાં અને દાઢીના ભાગે ઇજા થઈ હતી. 108ને જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ડ્રાઈવરની ધરપકડ કરાઈ
સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.મનોજે કાર ડ્રાઈવર વિરૂદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં કાર અર્પીત રમેશ તારપરા( 24 વર્ષ) રહે. શિવશંકર પાર્વતી સોસાયટી, ભાતની વાડી, ખોડિયારનગર,વરાછા) ચલાવતો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે. તેના ઓળખીતાએ તેને કાર પાર્ક કરવા આપી હતી, પરંતુ તેણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. અર્પીત પાસે કાર ચલાવવા માટેનું લાઈસન્સ નથી. તેથી તેના વિરૂદ્ધ પોલીસ આઈપીસી 308 પણ દાખલ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here