સુરતઃસરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે 22 મૃતકોના અસ્થિની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અસ્થિયાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન કરવામાં આવ્યું હતું.
વરાછાના વિવિધ વિસ્તારમાં યાત્રા ફરશે
મૃતકના વાલીઓએ જણાવ્યું હતું કે, અસ્થિ યાત્રા શાંતિપૂર્ણ રીતે તક્ષશિલાથી શરૂ થઈને યોગીચોક, સ્પીનિંગ મીલ અને મીનીબજાર થઈને ખોડિયાર નગર રોડથી નીકળી વલ્લાભાચાર્ય રોડ થઈને હીરાબાગ થઈ તક્ષશિલાએ ફરી સમાપન થશે. અસ્થિના લોકો દર્શન કરી શકે અને તમામ લોકો આ દુર્ઘટનાથી જાગૃત થાય ફરી આ રીતની દુર્ઘટના ન બને તે હેતુથી અસ્થિયાત્રા યોજવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાયા નથી
વાલીઓએ માંગ કરી હતી કે, હજુ જવાબદાર વાલીઓ સામે કોઈ જ પગલાં લેવાયા નથી. તેમની અટકાયત નથી કરાઈ તથા તેમને જેલના સળીયા પાછળ ધકેલવાની કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.જેથી લોકોને અપીલ કરાશે કે આ જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે. એસએમસી,ડીજીવીસીએલ અને ફાયરબ્રિગેડના ઉચ્ચઅધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી