સુરત કસ્ટોડિયલ ડેથ : મૃતકના મોટા ભાઈ અને સસરાએ મૃતદેહ સ્વિકાર્યો, પોલીસ પર આક્ષેપ કર્યા

0
45

સુરતઃ 1-6-19ના રોજ ખટોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓના મારને કારણે ઓમપ્રકાશ પાંડેની તબિયત લથડી હતી. તેને નવી સિવિલ ખસેડાયો હતો. જ્યાંથી યુનિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં રાત્રિના સમયે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ ઓમપ્રકાશનો મૃતદેહ નવી સિવિલમાં હોય આજે પરિવારમાંથી ઓમપ્રકાશનો મોટો ભાઈ અને સસરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને પોલીસ દ્વારા ઓમપ્રકાશને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. અને ન્યાય અપાવવા અપિલ કરી હતી.

મૃતકનો મૃતદેહ પરિવારે સ્વિકાર્યો

પાંડેસરા અપેક્ષા નગરમાં રહેતા રામગોપાલ પાંડે અને તેના ભાઇ ઓમપ્રકાશ પાંડે તેમજ કાકાના છોકરાને થોડા દિવસ પહેલા ખટોદરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા હતા. ત્રણેયને પોલીસ મથકે લઇ આવી માર મારવામાં આવતાં ઓમપ્રકાશ પાંડેનું મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ઓમપ્રકાશના મોતના કેસમાં ખટોદરાના પીઆઈ મોહનલાલ ખિલેરી, પીએસઆઈ ચિરાગ ચૌધરી, કોન્સ્ટેબલ કલ્પેશ ગરંભા, આશિષ દિહોરા, હરેશ ચૌધરી, પરેશ ભુકણ, કનકસિંહ દિયોલ સામે હત્યાનો ગુનો દાખલ કરી તમામની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અને મૃતકનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. હાલ ઓમપ્રકાશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં છે. પરિવારને જાણ થતા મૃતકના મોટાભાઈ વિસાલ પાંડે અને સસરા જગદિશ મિશ્રા આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.અને ઓમપ્રકાશના મૃતદેહનો સ્વિકાર કર્યો હતો.

પોલીસે ઓમપ્રકાશને માર મારી હત્યા કરી

સિવિલ હોસ્પિટલ પહોંચેલા મૃતકના ભાઈ અને સસરાએ જણાવ્યું હતું કે, રાત્રે 11 વાગ્યે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાંથી હોટલમાં રોકાયા હતા. અને સતત પોલીસના સંપર્કમાં હતા. અને હાલ ઓમપ્રકાશનો મૃતદેહ સ્વિકારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છીએ. મૃતકના ભાઈ વિસાલ પાંડે અને સસરા જગદીશ મિશ્રાએ ગંભીર આરોપ મૂકતા જણાવ્યું હતું કે, ખટોદરા પોલીસે ઓમપ્રકાશને માર મારી હત્યા કરી છે. દોષિતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને દોષિત તમામ પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવે.

મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ખટોદરા પોલીસ સ્ટેશનમાં યુવકના મોત પગલે મૃતકના સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઠવાયો છે. આજે પરિવાર મૃતદેહ સ્વિકારવા આવ્યા હોવાથી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક બની છે.

સમાધાનના પ્રયાસથી હોબાળો

કસ્ટોડિયલ ડેથ કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા મૃતક ઓમપ્રકાશના ભાઈ અને સસરા સાથે એક યુવકે વાત કરી હતી. જેમાં સમાધાન અંગે કહ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. જેથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં હોબાળો મચી ગયો હતો. સમાધાન કરાવવાનું કહેનાર યુવકને સમાજના લોકોએ જતા રહેવા કહ્યું હતું. મૃતકના વકીલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, સમાધાનની કોઈ વાત નથી. ન્યાય માટે લડવામાં આવશે.

જેલમાં બંધ ભાઈને પોલીસ જાપ્તામાં લવાયો

પરિવારે ઓમપ્રકાશના મૃતદેહને સ્વિકાર્યા બાદ સિવિલ હોસ્પિટલ પર એક કલાક જેટલો રાખી મૂકાયો હતો. દરમિયાન પોલીસ જાપ્તામાં જેલમાં બંધ ઓમપ્રકાશના ભાઈ રામગોપાલ પાંડે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ તેને ઉમરા સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યો હતો. અને શબવાહિનીને પણ ઉમરા સ્મશાન પહોંચાડવામાં આવી હતી. અને ઓમપ્રકાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here