સુરત : પાલિકા કમિશનર અને ફાયર ઓફિસર સાથે સીધી વાત, મોતના જવાબદાર કોણ?

0
106

સુરત: 19 જેટલા નિર્દોષ લોકો જ્યાં બળીને ભડથું થઈ ગયા તે ઘટના પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે છે સુરત મહાનગરપાલિકા કમિશનર, વરાછા ઝોનના ઝોનલ ચીફ, ચીફ ફાયર ઓફિસર, આગના આ ઘટનાસ્થળે અડધો કલાક પહોંચનાર કાપોદ્રા ફાયર સ્ટેશન ઓફિસર, બિલ્ડરો અને ડીજીવીસીએલના અધિકારી. જોકે, અહીં એ એક યક્ષ પ્રશ્ન છે કે આમ છતાં આ જવાબદારો સામે કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે?

સરથાણા નેચરપાર્કની બાજુમાં આવેલા તક્ષશિલા બિલ્ડિંગનો ત્રીજો માળ આખેઆખો ગેરકાયદે તાણી દેવાયો છે. જ્યાં ટ્યૂશન ક્લાસિસ, ગરબા ક્લાસિસ, મેજિક જિમ અને માઇન્ડ ગેમ હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા અહીં મોટા પ્રમાણમાં હતી. કુલ મળી આશરે 100 જેટલા લોકો આ બિલ્ડિંગમાં ફસાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એક અંદાજ મુજબ, શહેરમાં આશરે 5000થી વધુ ગેરકાયદે ક્લાસિસો ધમધમી રહ્યા છે. આગ લાગવાની ઘટનામાં સુરત પાલિકાની કચેરીના કેટલાક સંબંધિત અધિકારીઓનો ભ્રષ્ટાચાર પણ સપાટી પર આવ્યો છે. આખેઆખો માળ ગેરકાયદે બાંધી દેવા છતાં કોઈનું ધ્યાન કેમ ન ગયું?

બિલ્ડરે પણ આ રીતે ગેરકાયદે બાંધકામ કરવાની હિંમત કેમ કરી? કોણે ભ્રષ્ટાચાર કર્યો? એ મુદ્દે પણ તપાસ થવી જરૂરી છે. આ ઉપરાંત પાવર ઓવર લોડના કારણે મીટરપેટીઓમાં આગ લાગી તો ડીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ જાણતા હોવા છતાં ઓવર લોડ અંગે પગલાં કેમ ન લીધાં? શું ડીજીવીસીએલના અધિકારીઓએ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે કેમ તે અંગે પણ તટસ્થ તપાસ થાય તો સત્ય બહાર આવી શકે. ફાયર બ્રિગેડ પાસે જાળીની સુવિધા જ ન હતી.

દુર્ઘટના ન સર્જાય એ વાતને ધ્યાને લઈ સિટી બસ અને બીઆરટીએસની સેવા આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી. ઉપરાંત બ્લડ ડોનેટ કરવા ધસારો નહીં કરવા નવી સિવિલની અપીલ કરાઇ છે.

સીધી વાત ; એન.વી. ઉપાધ્યાય, પાલિકા ડે. કમિશનર
પ્રશ્ન: આગ કેવી રીતે લાગી હતી?
જવાબ: ગ્રાઉન્ડ ફલોરમાં સ્લેબમાં સ્પાર્ક થયો જેના કારણે એસીના કમ્પ્રેસરમાં આગ લાગતા ડસ્ટમાંથી પ્રસરી હતી.
પ્રશ્ન:બિલ્ડિંગમાં બાંધકામ ગેરકાયદે છે?
જવાબ:ત્રીજા માળે બાંધકામ ગેરકાયદે છે પરંતુ ઈમ્પેકટ ફી કરીને મંજૂર કરેલી.
પ્રશ્ન:ફાયર સેફટી સુવિધા હતી.
જવાબ:ન હતી.
પ્રશ્ન:ફાયર સેફટીની ચકાસણી કરી હતી ?
જવાબ: અમે શહેરમાં 252 કલાસીસ ચેક કર્યો હતા. આ યાદીમાં ન હતું
પ્રશ્ન:મોતના જવાબદાર કોણ મનપાના ઓફિસરો અને અધિકારીઓની ?
જવાબ:આ બાબતે હું જવાબ નહિ આપું, અગ્ર સચિવ તપાસ કરે છે.

સીધી વાત: બસંત પરીખ, ચીફ ફાયર ઓફિસર
પ્રશ્ન:આગ કેવી રીતે લાગી હતી?
જવાબ: શોર્ટસર્કીટને કારણે મીટર પેટીમાં આગ લાગી, આગને કારણે લાકડાનો દાદર બળી ગયો હતો.
પ્રશ્ન:ફાયર મોડી પહોંચી હતી?
જવાબ: ફાયર સમયસર પહોંચી ગઈ હતી જો કે હાઈડ્રોલીક પ્લેટફોર્મ શહેરમાં માત્ર એક કતારગામ ખાતે હતી જયાથી આવતા મોડું થયું
પ્રશ્ન:હાઈડ્રોલીક પ્લેટફોર્મ આવવામાં કેમ મોડું થયું , ફાયરના સાધનો પણ કામ ન કરતા હતા.
જવાબ: ફોન કાપી નાખ્યો.
પ્રશ્ન:નિર્દોષના મોતના જવાબદાર કોણ?
જવાબ: ફોન કાપી નાખ્યો

સીધી વાત: આર.કે પુરોહિત, DGVCL ચીફ ઇજનેર
પ્રશ્ન:આગ કેવી રીતે લાગી હતી?
જવાબ: અત્યારે કંઈ ખ્યાલ આવતો નથી
પ્રશ્ન:ઓવરલોડને કારણે આગ લાગી છે?
જવાબ: ઓવરલોડ હોય તો ટ્રાન્સફોર્મરને અસર થઈ હોત બહારથી દેખાતું નથી.
પ્રશ્ન:બિલ્ડિંગમાં ઓવરલોડ પાવર હોય તો તમે શું પગલાં ભરો છો?
જવાબ: દુકાનદારોને નોટીસ આપી છીએ
પ્રશ્ન:આગની ઘટનામાં કોણ જવાબદાર?
જવાબ: જે તે ચલાવતો હોય તે જવાબદાર.
પ્રશ્ન: ઓવરલોડ બાબતે ચેક કરો છો?
જવાબ: અમે ટ્રાન્સફોર્મરમાં એમપીઆર માપીએ છીએ
પ્રશ્ન:ઓવરલોડની નોટીસ આપી છે ખરી?
જવાબ: અમે કોઈને નોટીસ નથી આપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here