સુરત : પોલીસ સ્ટેશનમાં માર મરાતા આરોપીને બ્રેઈનહેમરેજ,પીઆઈ સહિતના સાત ફરાર

0
20

સુરતઃ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો આરોપી પૂછપરછ દરમિયાન બેભાન થઇ જવાના પ્રકરણમાં પીઆઇ, પીએસઆઇ સહિત 7 સામે ગુનો નોંધાયો છે. ત્રણ દિવસ પહેલા આરોપીને પૂછપરછ માટે લવાયા બાદ બેભાન થઇ જતાં તેને સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. હાલત ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે વેન્ટિલેટર પર હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ એ જ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે, જે પોલીસ સ્ટેનમાં આ ઘટના બની હતી.

સિવિલમાં વેન્ટિલેટર ન હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

સુરતના ખટોદરા પોલીસ મથકે ઓમ પ્રકાશ પાંડે નામના શખ્સને ચોરીના કેસમાં પકડીને લાવવામાં આવ્યો હતો. પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન આરોપી ઓમપ્રકાશ અચાનક બેભાન થઇ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે તેની સ્થિતિ વધુ ગંભીર બનતા આઇસીયુમાં ખસેડવો પડે તેમ હતો, પરંતુ સિવિલમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાના કારણે આરોપીની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. પોલીસ જ્યારે આ આરોપીની સિવિલમાં લાવી હતી ત્યારે પોલીસે જણાવ્યું હતુંકે આરોપીને પૂછપરછ દરમિયાન ખેંચ આવી હતી.

આરોપીઓની તપાસ કરવા ગયેલા પોલીસકર્મીઓ ઘવાયા

પોલીસ કસ્ટડીમાં આરોપી બેભાન થઇ ગયા બાદ આ સમગ્ર ઘટનાની તપાસ એ જ પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી, જ્યાં આ ઘટના બની હતી. પીએસઆઇ, એએસઆઇ સહિત અન્ય એક પોલીસ કર્મી તપાસ અર્થે ખટોદરા પોલીસ સ્ટેશને આવ્યા હતા. જે દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઉક્ત ત્રણેય પોલીસ કર્મીને ઇજા પહોંચી હતી. જ્યારે આરોપીઓ હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત ત્રણેય પોલીસ કર્મીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા

ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપી બેભાન થઇ ગયા બાદ તેની હાલત ગંભીર હોવાની ઘટના અને પોલીસ કર્મીઓ પર હુમલો કરીને આરોપીઓ ફરાર થઇ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા છે અને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જવાબદારો સામે પગલા લેવાની વાત પણ કરવામાં આવી હોવાનું જણાવા મળ્યું છે. પોલીસ PRO ચૌધરી એ જણાવ્યું હતું કે, કસ્ટડીમાં આરોપી સાથે મારઝૂડ કરવાના કેસમાં PI, PSI અને ડી – સ્ટાફ ના 5 પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો છે પણ એ તમામની કસ્ટડી હજી સુધી કરવામાં આવી નથી. તેમજ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર માટે સિવિલમાં લવાયા એ કયા કેસમાં ઘવાયા છે તે અંગેની મારી પાસે કોઇપણ પ્રકારની માહિતી નથી.

પોલીસ બેડાંમાં ગણગણાટ, આરોપી પોલીસ કર્મીને સાથીઓએ ભગાડ્યા

ખટોદરા પોલીસ સ્ટેશનમા બનેલી ઘટનાને લઇને પોલીસ સૂત્રોનું કહેવું છેકે, ખટોદરા પોલીસ ચાર આરોપીને ઘરફોડ ચોરીના કેસમા પકડીને લાવી હતી અને પૂછપરછ કરી રહી હતી. ગઇકાલે છ જેટલા પોલીસ કર્મીઓએ આ ચારેય આરોપીઓને માર માર્યો હતો. જેમાં સૌથી વધારે ઇજા ઓમપ્રકાશને પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગઇકાલે સાંજો હોબાળો થતાં આ કેસની તપાસ ડીસીપી વીધી ચૌધરીને સોંપવામાં આવી હતી. તપાસ અર્થે તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં સ્ટેશનની હાલત જોઇને તેમણે અન્ય ત્રણ આરોપીઓની પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ જણાવ્યું હતું કે અમને ખૂબ માર મારવામાં આવ્યો હતો, પરંતુ અમે એ પોલીસ કર્મીઓને ઓળખતા નથી. તેથી ઓળખ પરેડ કરાવવામાં આવી હતી. જેમાં પીઆઇ, પીએસઆઇ સહિત છ કર્મીઓને આરોપીઓએ ઓળખી પાડ્યાં હતા. જેથી વીધી ચૌધરીએ સીપીને રજૂઆત કરી હતી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ છ કર્મીઓ ગાયબ છે. જોકે પોલીસે પોતાનો બચાવ કરવા માટે એવું જણાવ્યું કે ઘરફોડના અન્ય ત્રણ આરોપીઓ પોલીસ સાથે ઝપાઝપી કરીને ભાગી ગયા છે. તેમાં એક પીએસઆઇ, એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને સારવાર અર્થે સિવિલ ખસેડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here