સુરતઃ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર મેળવવા લાંબી લાઈનમાંથી મુક્તી નથી મળી રહી. કેસ પેપર બારીઓ પર દર્દીઓની લાંબી લાઈનોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જોકે હવે આ ટોકન લેવા દર્દીને કેસ પેપર બારી પર અગાઉ કરતા લાંબી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. જેને કારણે સવારે સિવિલ પહોંચેલા ઘણા દર્દીઓ સાંજ સુધી સારવાર માટે વલખા મારતા નજરે પડ્યા હતાં. મંગળવારે સવારે 11:30 ક્લાકે સારવાર માટે પહોંચેલા યુવકને તબીબ પાસે ચેકઅપ કરાવી દવા મેળવતા સાંજ પડી ગઈ હતી. સાંજે 6 ક્લાકે યુવક દવા મેળવી ઘરે જવા માટે રવાના થયો હતો. એક આધેડતો સવારથી લાઈનમાં ઉભા રહ્યા બાદ ઓપીડીના દરવાજા પાસે પહોંચ્યા બાદ ઓપીડી બંધ થઈ જતા કેસ પેપર ફાડી સારવાર વિના જ જતાં રહ્યાં હતાં.
ઓપીડીના દરવાજા પાસે પહોંચ્યા બાદ ઓપીડી બંધ થઈ જતા કેસ પેપર ફાડી નાખ્યા
12:03 | ઉધનાનો મુકેશ ટોકન લઇ OPDની લાઈનમાં ઉભો રહ્યો
ઉધનામાં રહેતો કોલેજનો વિદ્યાર્થી મુકેશ પાટીલ 11:30 ક્લાકે ટોકનની લાઈનમાં ઉભો રહ્યો હતો તેને 11:56 ક્લાકે ટોકન મળી હતી.ત્યાર બાદ તેને 11:58 વાગ્યે કેસ પેપર કાઢી આપવામાં આવ્યો હતો.
01:00 | ઓપીડીનો લંચ ટાઇમ, 4 વાગે આવવા કહ્યું
મુકેશ ઓપીડી માટે ઉભો રહ્યો હતો. ઓપીડીનો દરવાજો 12:45 બંધ કરી દેવાયો જેથી 12:55 દર્દીઓ દરવાજો ખોલી અંદર જતાં મુકેશ પણ અંદર ગયો. ઓપીડી બંધ થઈ ગઈ હોવાનું જણાવી 4:00 વાગ્યે આવવા કહી દેવાયું.
05:45 | 4 વાગે ફરી લાઇનમાં, પોણા છ વાગે મળી સારવાર
મુકેશ તેમજ બાકી રહી ગયેલા અન્ય દર્દીઓ ફરીથી 4:00 વાગ્યે ઓપીડી લાઈનમાં ઉભા રહ્યાં. 5:30 વાગ્યે તેનો નંબર આવ્યો. 6 કલાક બાદ તબીબ સુધી પહોંચેલા મુકેશને 5 મિનિટમાં તપાસીને દવા લખી આપી.
06:00 | સાડા છ કલાક બાદ દવા લઇ ઘરે જવા નીકળ્યો
ઓપીડીમાંથી તબીબે દવા લખી આપ્યા બાદ મુકેશ દવાની બારી પર દવા લેવા માટે પહોંચ્યો હતો. ત્યાં પણ તે લાઈનમાં ઉભો રહ્યો અને આખરે 6 વાગ્યે દવા લઈ ઘરે જવા માટે નિકળ્યો હતો.
2 કલાક ઊભા રહ્યા બાદ ખબર પડી હજી 3 કલાક બાદ નંબર આવશે, કેસ પેપર ફાડી ઘરે જતા રહ્યા
ગોડાદરા ગોપાલ નગર ખાતે રહેતા રાજકુમાર તિવારી 11:30 વાગ્યે ટોકનની લાઈનમાં ઉભા રહ્યા ત્યાર બાદ કેસ કઢાવવા લાઈનમાં ઉભા રહ્યાં, બે કલાક બાદ ઓપીડીના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે ખબર પડી હવે ઓપીડી બંધ થઈ ગઈ .ત્રણ કલાક બાદ ઓપીડી ખુલશે ત્યારે નંબર આવશે તો સિક્યુરીટી સમક્ષ રોષ વ્યક્ત કર્યો અને કેસ પેપર ફાડી ઘરે જવા માટે રવાના થઈ ગયા.
મેન પાવરનો ઈશ્યુ છે. ટોકનની બારી વધારવા માટે માણસો જોઈએ . ટોકન સિસ્ટમ બંધ કરી પહેલાની જેમ સીધા કેસ બારી પરથી કેસ કઢાવવાની સિસ્ટમ લાગુ કરી શકીએ. જોઉ છુ આ સમસ્યાનો નિવેડો લાવવાનો પ્રયાસ કરીશું. – ડો.ગણેશ ગોવેકર, ઈનચાર્જ સુપ્રિટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ
હું જોવડાવી લઉ છું .જરૂર જણાશે તો ટોકનના કાઉન્ટરમાં વધારો કરીશું જેથી દર્દીઓને હાલાકી ન પડે. – કુમાર કાનાણી, રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી