- Advertisement -
સુરતઃ સરકાર દ્વારા બાળ મૃત્યુ અને માતા મૃત્યુદર ઘટાડવા માટે જનની શિશુ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે(રવિવાર)સુરત સિવિલ હોસ્પિટલ ખાતે હ્યુમન મિલ્ક બેંકનું ઉદ્ઘાટન રાજ્યના આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ગતરોજ એક જ દિવસમાં સિવિલના એનઆઇસીયુમાં 4 બાળકો મોતને ભેટ્યા હતા.
ચાર વર્ષમાં 2530 બાળકોના મોત
સરકાર દ્વારા બાળ અને માતા મૃત્યુદર ઘટાડવા માટે જનની શિશુ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે હ્યુમન મિલ્ક બેંકનું ઉદ્ઘાટન રાજ્યના આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ કર્યું હતું. ગઈકાલે સિવિલના એનઆઈસીયુ વારાફરતી 4 બાળકો મોતને ભેટ્યા હતા. તે જોઈને અન્ય બાળકોના માતા-પિતા સહિતના સંબંધીઓ ગભરાઈ ગયા હતા. જોકે, છેલ્લા ચાર વર્ષમાં એનઆઈસીયુમાં 2530 બાળકો મોતને ભેટ્યા હોવાનું જાણવા મળે છે.
શા માટે બાળકોના મોત થયા
સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, ગતરોજ મોતને ભેટેલા 4 બાળકોના વજન ખૂબ જ ઓછું હતું એટલે કે આઠ સો ગ્રામથી દોઢ કિલો સુધીનું માત્ર વજન હતું. જેને કારણે તેમની હાલત પણ નાજુક હતી જેથી મોતને ભેટ્યા હતા. તબીબોએ જણાવ્યું હતું કે, બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે જો બાળકને કોઈ તકલીફ હોય તેવા બાળકોને ફીટલ મેડીસીન આપવામાં આવે છે. તાજા જન્મેલા બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. જેમાં અધૂરા મહિને કે ઓછા વજનવાળા બાળકો હોય તો પણ રોગનો સામનો કરવાની શક્તિ ઘટી જાય છે. જેથી મૃત્યુ થાય કે જન્મજાત ખોડખાપણવાળા બાળકો જન્મે છે. કેટલાક બાળકોનો શ્વસન તંત્રનો વિકાસ થતો ન હોય તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આવા સંજોગોમાં બાળકો મોતને ભેટતા હોય છે. પહેલાં કરતા હાલમાં બાળકોના મોતના પ્રમાણમાં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે.