Sunday, November 28, 2021
Homeસુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા માફિયાગીરી દ્વારા સૌથી મોટું કૌભાંડ
Array

સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા માફિયાગીરી દ્વારા સૌથી મોટું કૌભાંડ

સ્પેશ્યિલ રિપોર્ટ  :  PAWAN MAKAN, CN24NEWS

થાન, મુળી અને ચોટીલા 300 ખાણ છે. રોજની 1,000 ટ્રકો નીકળે છે. રોજના 18થી 20,000 ટન કોલસો ગેરકાયદે કાઢવામાં આવે છે. રોજનો 2 કરોડ અને વર્ષે રૂ.600 કરોડ આસપાસનો કોલસો કાઢવામાં આવે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નિયમિત હપ્તા પહોંચે છે. જે કાયદેસર લીઝ આપી છે તેની આવક સરકારને થાય છે પણ ગેરકાયદે પ્રજાની સંપત્તિ લૂંટાઈ રહી છે. તે અંગે કોઈ કંઈ કરવા તૈયાર નથી. 2005મા કચ્છની ખાણમાં કોલસો કાઢવા પર પ્રતિબંધ મૂકી દેવાયો ત્યારથી સુરેન્દ્રનગરમાં કોલસા મફિયાઓ લૂંટ ચલાવી રહ્યા છે.

થાન તાલુકામાં કોલસાની ચોરીનો વીડિયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માફિયાઓ દ્વારા કોલસાની ખાણોમાંથી ગેરકાયદેસર કોલસો કાઢી લેવામાં આવે છે. 24 નવેમ્બર 2018મા થાન તાલુકામાં કોલસા ચોરીનો વીડિયો વાયરલ થયા બાદ તંત્રએ બે મહિના બાદ દરોડો પાડ્યો ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હવે હથિયારના લાઈસન્સ માંગી રહ્યા છે. સુરેન્દ્રનગર બીજું બિહાર બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, થાન, ચોટીલા, સાયલા સહિતના તાલુકાઓમાં વિપુલ માત્રામાં કોલસો છે. જે છેલ્લાં 18 વર્ષથી ગેરકાયદે ખોદી કાઢવામાં આવી રહ્યો છે. રોજની 300થી 350 ટ્રક કોલસાની ચોરી થાય છે.

તાજેતરમાં થાન તાલુકાના વીડ, ઝામવાડી, ગુગલીયાળા, વેલાળા અને ખાખરાથળ સહિતના ગામોમાં કોલસા માફિયા દ્વારા દરરોજ 3થી 4 ટન કોલસો ખોદી કાઢવામાં આવી રહ્યો છે. જેનો વિડિયો સ્થાનિક લોકોએ ઊતારીને જાહેર કરી દેતા ખાણ ખનિજ વિભાગે દરોડા પાડવા પડ્યા હતા. રાજનેતાઓ, ખાણ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને માફિયા ટોળીઓ કોલસાનો કાળો કારોબાર કરીને અબજો રૂપિયાની સંપત્તિ 18 વર્ષમાં લૂંટી લીધી છે.

લીઝ બંધ કરીને ચોરી વધી

ગુજરાત સરકારે 2008મા કોલસાની લીઝ એકાએક બંધ કરી દીધી ત્યારથી અહીં બેફામ રીતે ગેરકાયદે કોલસો કાઢી લેવામાં આવે છે. ગુજરાત બહાર પણ ટ્રકો મોકલી દેવામાં આવે છે. સુરેન્દ્રનગરના થાન વિસ્તારની ખાણમાંથી 2008મા ગેરકાયદે કોલસાની રોજની 100થી 125 ટ્કલો અમદાવાદ, મહેસાણા, સુરત, મોરબી, રાજકોટ અને બંદરો પર મોકલી દેવામાં આવતી હતી. જે 10 વર્ષ પછી આજે 300થી 350 જેટલી ટ્રકો થવા જાય છે.

ત્રણ વર્ષમાં રૂ.400 કરોડનો કોલસો થાનમાંથી ગુમ

થાનના પૂર્વ ઉપસરપંચ દિલીપ ભગતે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદે કોલસો ખોદી કાઢવામાં આવતો હોવાની ફરિયાદ કલેક્ટર કચેરીને કરી હતી. થાનમાંથી જ રોજનો રૂ.87 કરોડનો કોલસો 2008-09મા ખોદી કાઢીને બારોબાર વેંચી મારવામાં આવતો હતો. ત્રણ વર્ષમાં જ રૂ.400 કરોડનો કોલસો વેચી મારવામાં આવ્યો હતો. રોજ રૂ.24 લાખનો ખોદવામાં આવતો હતો. જેનો ભાવ રૂ.1600થી 2000 સુધી હતો. જે 10 વર્ષ પછી રોજનો રૂ.250 કરોડનો કોલસો માત્ર થાનમાંથી જ ખોદકામ કરી કાઢવામાં આવી રહ્યો છે. 10 વર્ષમાં જે રૂ.1200 થી 1500 કરોડનો કોલસો પગ કરી ગયો છે.

પાળિયાદમાં 14 ટન કોલસો પકડાયો

17 નવેમ્બર 2008મા વહન પરમીટ વિનાનો 14 ટન કોલસો પકડાયો હતો. જે મોટા ભાગે ચોટીલા-થાન રોડ પરથી જઈ જવામાં આવે છે. ચોટીલા તાલુકાના થાન તથા મૂળી ગામના વિસ્તારોમાં ચારેબાજુ પથરાયેલી કોલસાની ખાણોમાં 2001થી ભાજપ સરકાર આવી ત્યારથી ગેરકાયદેસર રીતે બેફામ કોલસાનું ખોદકામ થાય છે.

ખાણ વિભાગ નહીં પણ સરપંચ જવાબદાર!

રાજ્યના ખાણ વિભાગ કરોડોના હપ્તા લઈને ચોરી અટકાવા માંગતા ન હોય તેમ એપ્રિલ 2012માં એવો આદેશ કર્યો હતો કે, જો કોલસાની ખાણો પકડાશે તો સરપંચ અને તલાટી-મંત્રી જવાબદાર રહેશે. હપ્તા તો કલેક્ટર કચેરીએ ખાણ ખનિજ વિભાગ લે છે અને જવાબદાર સરપંચોને ગણવામાં આવે છે. આવી નીતિ તો ચોરી કરનારા અધિકારીઓ જ નક્કી કરી રહ્યા છે. જો કોલસાની ખાણ પકડાય તો સરપંચ સામે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કરાયો હતો. ચોરને કહે તું ચોરી કર અને સરપંચને કહે કે તમે જાગતા રહો.

લીઝ ધારકો સામે પાસાનું શસ્ત્ર પણ ઉગામાશે

આ અંગે ખાણ ખનીજ અધિકારી સુભાષ જોશીએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી ખનીજ ચોરી ડામવા જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લાની ખાણ ખનીજ ટીમ ઉપરાંત ગાંધીનગરની ટીમ પણ અનેક વાર દરોડા કરી રહી છે. ત્યારે આગામી સમયમાં જો લીઝ ધારકો ગેરકાયદેસર ખનન અને વહન બંધ નહી કરે તો તેમની સામે પાસાનું શસ્ત્ર પણ ઉગામવામાં આવશે. પણ કંઈ થયું નહીં અને સુભાષ જોશી પોતે ચોરી કરતા પકડાયા હતા.

11 મશીનો પકડાયા

સુરેન્દ્રનગરના વેલાડા ગામની સીમમાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં 11 જેટલા મશીનો પકડી પાડવામાં આવ્યા હતા. રૂ.8 લાખનો 35 ટન કોલસો અને વસ્તું પકડાઈ હતી. છેલ્લાં 18 વર્ષમાં આવા 200 જેટલી ચકરડી મશીનો પકડાઈ હોવાનું બિનસત્તાવાર રીતે જણાવવામાં આવે છે.

સુરેન્દ્રનગરમાં ભાજપનો કાળો કારોબાર

નાના લોકો ખોદકામ માટે રૂ.1.50 લાખથી રૂ.5ની લાંચ ખાણ ખનિજ વિભાગને આપે તો તેને ખોદકામ કરવા દેવાની પરવાનગી આપવામાં આવે છે. 24 નવેમ્બર 2016માં આવો 100 ટન લીગ્નાઈટ થાનના ખાખરાળી ગામની સરકારી જમીન પરથી પકડાયો હતો. જિલ્લાના કેટલાક ભાજપના રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની મીલી ભગતથી કાળો કારોબાર ચાલી રહ્યો છે. પોલીસ સંડોવાયેલી હોવાથી તે દરાડા દરમિયાન રક્ષણ આપતી નથી. ખાખરાળી ગામમાં કોલસાની ગેરકાયદે ખાણમાં મધ્યપ્રદેશનો એક મજૂર દટાયો હતો. ખાખરાળી ગામમાં કરોડો રૂપિયાનો લીગ્નાઈટ કોલસો ખોદી કાઢવા માટે દરોડો પાડવા ગયેલા અધિકારીને ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાને હવેથી દરોડો ન પાડવા માટે સૂચના આપી હતી.

થાઈલેન્ડના સારા કોલસામાં થાનનો હલકો કોલસો ભેળવી દેવાય છે

સુરેન્દ્રનગરનો લીગ્નાઈટ કોલસો રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ઉદ્યોગોમાં હલકી ગુણવત્તાનો કોલસો ઘુસેડવાનું રાજકીય ઓથ તળે મસમોટુ કૌભાંડ રાજકીય ઓથ હેઠળ 2001થી ચાલે છે. 2015માં જાફરાબાદ તાલુકાના શેલણા ગામેથી ચાર ટ્રક ભરાઇ તેટલો કોલસો મળી આવ્યો હતો. જેનો કારોબાર રાજકોટથી ચાલતો હતો. પીપાવાવમાં થાઇલેન્ડથી આવતા સારી ગુણવત્તાના કોલસામાં થાનથી આવતો નબળી ગુણવત્તાનો કોલસો ભેળવી દેવામાં આવે છે. જે ગુજરાતના ઉદ્યોગોમાં ઊંચા ભાવે વેંચી મોટો નફો માફિયા મેળવે છે. જેનું એક નેટવર્ક સૌરાષ્ટ્રમાં પીપાવાવ ઉપરાંત પોરબંદર, જામનગર અને સુરેન્દ્રનગર વિસ્તારમાં છે. સારો કોલસો વિદેશમાંથી આયાત થાય છે. માફિયા જૂથો બંદર પરથી કોલસો ઉદ્યોગોમાં પહોંચાડતી વખતે રસ્તામાં તેમાં ભેળસેળ કરે છે. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર એવા રાજકોટના શખ્સ છે. જે પોલીસ દરોડામાં બહાર આવ્યું હતું. થાઈલેન્ડનો કોલસો રૂા.6 હજાર પ્રતિ ટનના ભાવે 2015માં આવતો હતો અને ગુજરાતનો કોલસો રૂ.500 પ્રતિ ટનની કિંમતે મળતો હતો તે તેમાં ભેળવી દેવામાં આવતો હતો. અગાઉ ડેડાણા ગામમાં આવું કૌભાંડ પકડાયું હતું. રાજુલાના વડ ગામે પણ આવું એક કૌભાંડ ચાલતું હતું. પીપાવાવ બંદરથી નિકળેલો બે નંબરી કોલસો ચોટીલા, સુરેન્દ્રનગર અને ગાંધીધામ વિસ્તારમાં વેચવામાં આવે છે. મોરબીના 800 સિરામિક ઊદ્યોગોમાં પણ આવો કોલસો જાય છે.

લિગ્નાઈટ કોલસો ક્યા મળે

કચ્છ જીલ્લાના નખત્રાણા, માંડવી, લખપત અને રાપર તાલુકાઓમાં, સુરેન્દ્રનગર, મહેસાણા અને ભરૂચ જીલ્લામાં લીગ્નાઈટ મળે છે. 1971થી કચ્છની સૌથી મોટા કોલસા ખાણ પાન્ધ્રો શરૂ થઈ ત્યારે રોજ 20 ટ્રક કોલસો નિકળતો હતો. જે 2005માં રોજની 1500 ટ્રક કોલસો નિકળતો હતો.

કચ્છ બંધ સુરેન્દ્રનગર ચાલુ

2005માં સરકારે પાન્ધ્રો ખાણ અચાનક જ બંધ કરી દેવામાં આવી હતી. પ્રધાને એવી જાહેરાત કરી હતી કે કોલસો અનામત રાખવા માટે ખાણ બંધ કરી છે. પણ ત્યારથી સુરેન્દ્રનગરમાં રોજની 1000 ટ્રક કોલસો ગેરકાયદે કાઢવાનું શરૂ થયું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે CAG દ્વારા તપાસ થાય તો અબજો રૂપિયાનું કોલસા કૌભાંડ રાજ્ય પ્રેરિત છે એવું પ્રસ્થાપિત કરી શકાય તેમ છે. માતાના મઢ પાસે પણ હાલ રોજની 700 ટ્રક માલ કાઢવામાં આવે છે. 2014થી સરકારે ઉમરસર ખાતે એક નવી ખાણ શરૂ કરી છે. જ્યાં 125 ટ્રક કોલસો કાઢવામાં આવે છે. ઓગસ્ટ 2016થી જુલાઈ 2017 સુધી માતાનામઢ ખાણમાં 16.32 લાખ ટન અને 96 હજાર ટ્રકોમાં લિગ્નાઇટ કાઢવામાં આવતો હતો. આજે તે 1 લાખ ટ્રક જેટલો થવા જાય છે. આજ સમય દરમિયાન ઉમરસર ખાણમાં 55 હજાર ટ્રકોમાં 10 લાખ ટન કોલસો ખોદવામાં આવે છે.

 

 

તપાસ ન થઈ

સુરેન્દ્રનગરમાં કેટલો ગેરકાયદે કોલસો ખોદી કાઢવામાં આવ્યો તે ઈસરો, ગુગલ મેપ અને સરકારી સાધનો દ્વારા શોધી કાઢવામાં આવે તો અબજો રૂપિયાનો કોલસા કૌભાંડ બહાર આવે તેમ છે. પણ ગુજરાતની ભાજપ સરકારે 2001થી ચાલતા કૌભાંડની કોઈ તપાસ જ કરી નથી. કરવા માંગતી પણ નથી.

સ્પેશ્યિલ રિપોર્ટ  :  PAWAN MAKAN, CN24NEWS

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments