સૌરાષ્ટ્રમાં વરસાદ : ભાવનગરમાં 2, વાંકાનેરમાં 1.5 ઇંચ, મોરબી અને ગીરગઢડામાં ધીમી ધારે વરસાદ

0
32

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં સવારથી વરસાદનું આગમન થતા ધોધમાર બે ઇંચ વરસાદ નોંધાયો છે. વાંકાનેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ મોરબી અને ગીરગઢડામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં સવારથી જ વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેશોદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગોંડલ તાલુકાના હડમતાળા ગામે એકથી દોઢ ઇંચ વરસાદ પડતા ચેકડેમો ઓવરફ્લો થયા છે.

ભાવનગરમાં વરસાદના પગલે અમુક વિસ્તારોમાં પાણી ભરાયા

ભાવનગરમાં પડેલા વરસાદને કારણે કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદના પાણી શાળામાં ઘૂસી ગયા હતા. જેના કારણે બાળકોને પાણીમાં ચાલવાની ફરજ પડી હતી. શહેરના કાળિયાબીડ, રેલવે સ્ટેશન, શાસ્ત્રીનગર વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખોલી નાખી હોય તેમ ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા હતા. મંગળવારે સવારથી છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ઘોઘામાં 14 મિમી, ભાવનગર શહેરમાં 51 મિમી, તળાજામાં 13 મિમી, શિહોરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે.

ખાંભામાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી

ખાંભામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ભારે ગરમી અને બફારા વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. અચાનક આવેલા વરસાદના પગલે લોકોને ગરમીથી રાહત મળી હતી અને વરસાદના આગમનના લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

અમરેલીમાં મેઘરાજાનું આગમન

અમરેલી અને સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન થયું હતું. સાવરકુંડલા શહેરમાં મધ્યમગતિથી વરસી રહ્યો છે. તાલુકાના વંડા, મેકડા, વાશીયાળી, ભમોદ્રા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા-જેસર પટ્ટી પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. લીલીયાથી લોકા, લોકી, ભેંસવડીનો રસ્તો વરસાદને કારણે બંધ થયો હતો. ગામ નજીક રોડ પર સ્થાનિક નાળામાં પૂર આવતા રસ્તા બંધ થયા હતા.

મોરબીમાં ધીમી ધારે વરસાદ

મોરબીમાં વરસાદનું ધીમી ધારે આગમન થતા લોકોએ થોડો ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે. બપોર સુધીમાં 15 એમએમ વરસાદ નોંધાયો છે. બફારો અને અસહ્ય ઉકળાટ બાદ મોડી રાતથી વાતાવરણમાં અચાનક પલ્ટો આ‌વ્યો છે. મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત રાત્રીથી જ વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતા સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે. તો વરસાદના આગમનને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી અને મહિલાઓ અને બાળકોએ ન્હાવની મજા માણી હતી. માળીયામિયાણા, હળવદ, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના અમી છાંટણા જોવા મળ્યાં હતા. માળિયામિંયાણામાં ભારે પવન ફૂંકાતા મકાનના નળિયા ઉડ્યા અને વૃક્ષોની ડાળીઓ ભાંગીને નીચે પડી હતી