Tuesday, April 16, 2024
Homeસૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂથી 2017 અને 2018માં 174નાં મોત, 2019ના 11 દિવસમાં જ...
Array

સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂથી 2017 અને 2018માં 174નાં મોત, 2019ના 11 દિવસમાં જ 4ના મોત

- Advertisement -

રાજકોટ:  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીના ચમકારાની સાથોસાથ સ્વાઈન ફ્લૂના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2019નાં છેલ્લા 11 દિવસમાં 4 દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. જ્યારે વર્ષ 2017 અને 2018માં કુલ 174 લોકો મોતને ભેટી ચૂક્યા છે. નાયબ આરોગ્ય અધિકારીના પી.પી રાઠોડનાં જણાવ્યા મુજબ લોકોમાં જાગૃતિના અભાવને લઇ આ ફ્લૂ વધુ વકરી રહ્યો છે. જો સમયસર સારવાર લેવામાં આવે તો આ રોગથી બચી શકાય. લોકો શરદી ઉધરસને સામાન્ય રોગ સમજી કાળજી લેતા નથી તે પણ મોટું કારણ છે.

2016-17માં 129, 2018માં 45 અને 2019ના 11 દિવસમાં જ 4ના મોત

2018માં 45ના મોત અને 165 સારવાર લીધી હતી

2019માં 4ના મોત અને 17 દર્દી સારવારમાં

120થી વધુ દર્દીઓ સારવાર લઈ શકે તેવી વ્યવસ્થા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર અર્થે રાજકોટ આવે છે. તેવામાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે સિવિલ હોસ્પિટલમાં 40 બેડ અને 20 ખાનગી હોસ્પિટલમાં 80 બેડ મળી કુલ 120થી વધુ દર્દીને સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામને યોગ્ય સારવાર અને દવા મળી રહે તે માટે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરી છે. 

તંત્રની અપીલ

શરદી, ઉધરસના લક્ષણો જણાય તો તુરંત તબીબનો સંપર્ક કરો

ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ.

પરિવારમાં કોઇને ફ્લૂના લક્ષણ હોય તો અન્ય સભ્યોએ ડોકટરની સલાહ લેવી

2017માં દિલ્હી એઇમ્સની ટીમ દોડી આવી હતી

રાજકોટમાં વર્ષ 16-17માં મૃત્યુ આંક 100ને પાર ગયો હતો. છેલ્લે 2009માં સ્વાઈન ફ્લૂનો રોગચારો સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો અને ગુજરાતમાં 2009ના જુલાઈ માસમાં પ્રથમ કેસ નોંધાયા બાદ 2009 અને 2010માં સતત વધારો જ જોવા મળ્યો છે. જોકે, 2011થી ધીમે ધીમે ઘટાડો નોંધાયો હતો. જો કે 2016-17ના વર્ષમાં રાજકોટમાં સ્વાઇન ફલુનો કહેર એવો જોવા મળ્યો હતો કે રાજય સરકારની ઉંધ ઉડી ગઇ હતી અને સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ આવતા દર્દીનો મૃત્યુ આંક 100ને આંબી ગયો હતો. વર્ષ 2017માં આ આંક 129નો જોવા મળ્યો હતો. 2017માં સ્વાઈન ફ્લૂના વાયરસને અટકાવવા દિલ્હી એઇમ્સની ટીમ પણ રાજકોટ દોડી આવી હતી અને સમીક્ષા કરી હતી અને અટકાવવા દવાનુ પ્રમાણ અને જાગૃતિનુ પ્રમાણ વધારાવા સુચનાઓ આપી હતી.

ઘરેલું ઉપચાર, સ્થાનિક તબીબને બતાવે ત્યાં સુધીમાં તો સ્થિતિ વકરી જાય

રાજકોટ મનપાના નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડના જણાવ્યા પ્રમાણે એવું નથી કે સૌરાષ્ટ્રમાં જ સ્વાઇન ફ્લૂ છે. ઠંડી પડે ત્યાં બધે જ હોય. 10થી વધુ જિલ્લા માટે પાટનગર રાજકોટની સિવિલ કેન્દ્રમાં હોય છે. બીજી તરફ ગામડામાં રહેતો વર્ગ શરદી ઉધરસ થાય તો પહેલા ઘરેલું ઉપચાર કરે પછી સ્થાનિક ડોક્ટરની દવા કરે ત્યારબાદ તે સ્પેશિયાલિસ્ટને બતાવે ત્યારે તેને ખબર પડે છે કે સ્વાઇન ફ્લૂના લક્ષણો છે. આવા દર્દીઓનું પ્રમાણ વધારે છે, જાગૃતિનો અભાવ જોવા મળે છે. જ્યારે આવા દર્દીઓ રાજકોટ પહોંચે ત્યારે તેને સ્વાઇન ફ્લૂનો ચેપ લાગી ગયો હોય છે. આથી મોતનો આંકડા વધી જાય છે.

ગંભીરતાનું મોડું ભાન થાય છેઃ રાજકોટ સિવિલના સુપરિટેન્ડન્ટ

રાજકોટ સિવિલના સુપરિટેન્ડન્ટ મનિષ મહેતાએ જણાવ્યું હતું કે,રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે જેથી જિલ્લા અને તાલુકાભરના દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. મૃત્યુઆંકની સામે આ કેસમા બચી ગયાની સંખ્યા પણ મોટી છે ગામડાના દર્દીઓને આ રોગની ગંભીરતા આવે પછી અહીં પહોંચતા હોય છે. જેથી મૃત્યુંઆક વધતો જોવા મળે છે.

ગામડાઓમા B કેટેગરી સુધી લોકો સામાન્ય દવા લે છે

નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, જો સમયસર સારવાર મળે તો સ્વાઇન ફ્લૂના રોગમાંથી ચેતી શકાય છે. સામાન્ય શરદી ઉધરસ થાય તો તાત્કાલિક યોગ્ય ડોક્ટરને બતાવવું જોઇએ. સામાન્ય રીતે લોકો શરદી અને ઉધરસ છે તેવું માનીને કાળજી લેતા નથી. જેને લઇને આ રોગનો વધારો જોવા મળતો હોય છે. આમાં  A,B અને C એમ ત્રણ કેટેગરી આવે છે. જે માંથી C કેટેગરીમાં લક્ષણ હોય તેનો રિપોર્ટ કરાવી છીએ. સામાન્ય શરદી ઉધરસ હોય તો સામાન્ય દવા આપવામા આવે છે. B કેટેગરમી તાવ અને ગળુ બળે તો ટેમીફલુ આપવામા આવે છે. ગામડાઓમા B કેટેગરી સુધી લોકો સામાન્ય દવા જ લેતા હોય છે. બેભાન થવા જેવો થઇ અને ફેફસામા પાણી ભરાય ત્યારે તે સ્વાઇન ફલુની સારવાર સુધી પહોચતો હોય છે. જેથી ધાર્યા પરિણામો મળતા નથી. હવે તો આ સ્વાઇન ફલુ હવે બારે માસ જોવા મળે છે એકદમ ઠંડી વધે કે ગરમી વધે તો આ રોગની માત્રા વધતી હોય છે. લોકોના રોગ પ્રતિકાર શક્તિ પર આધાર હોય છે કોઇ દર્દી બી કેટગરીમાં હોય તો પણ આ રોગનો સામનો નથી કરી શક્તી અને ધણા સી કેટેગરીમાં પણ આ રોગમાં બચી જતા હોય છે.

સ્વાઈન ફ્લૂના લક્ષણો

– નાક માંથી પાણી પડવું
– ગળામાં દુખાવો થવો
– માથામાં દુખાવો, ચક્કર
– તાવ આવવો
– ઉદરસ થવી
– ઉલ્ટી
– ડાયેરિયા

રોગથી બચવા શું કરવું ?

– સ્વાઈન ફ્લૂના રોગથી બચવા વધુ પાણી પીવુ
– પૂરતી ઊંઘ લેવી
– આરામ કરવો
– વિટામીન ‘સી’યુક્ત ખાટા ફળો ખાવા
– આ રોગથી પીડાતી વ્યક્તિએ ઘરે રહેવું
– મેળા, સભા, સરઘસ, પાર્ટી, શુભ અશુભ, સેન્ટ્રલ એરકંડીશન હોય તેવી જગ્યાએ પણ જવું નહીં
– હાથ મિલાવવાનું ટાળવું
– બહારથી ઘરે જતા સૌ પ્રથમ હાથને સાબૂથી ધોવા જોઈએ.

સ્વાઈન ફ્લૂ હવાથી ફેલાતો ચેપી રોગ

– ચેપગ્રસ્ત દર્દી બોલતી વખતે, ખાંસી કે છિંક ખાય ત્યારે રોગના વિષાણુ વાતાવરણમાં ફેલાય છે.
– વાતાવરણમાં રહેલા વિષાણુ વ્યક્તિની શ્વાસોશ્વાસ પ્રક્રિયા દરમિયાન શરીરમાં દાખલ થાય છે.
– દર્દી સાથે હાથ મિલાવવાથી કે તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુ વાપરવાથી રોગ ફેલાઈ શકે છે.
– સ્વાઈન ફ્લૂના વિષાણુ ચામડી ઉપર 5થી 10 મિનિટ જીવે છે.
– નિર્જીવ વસ્તુઓ જેવી કે પ્લાસ્ટીક, સ્ટીલ, ફોન, લેપટોપ, દરવાજાના નકુચા ઉપર સ્વાઈન ફ્લૂના વિષાણુ દોઢથી 2 દિવસ જીવે છે.                                                                                                                   – સ્વાઈન ફ્લૂના વિષાણુ સગર્ભા સ્ત્રીઓને ગંભીર અસર કરે છે.                                                         – સામાન્ય રીતે 5 વર્ષથી નાની અને 65 વર્ષથી મોટી વ્યક્તિને વધારે અસર કરે છે.
– ઉપરાંત દમ, શ્વસનતંત્રના રોગો, ડાયાબીટીસ, હૃદયરોગ, કીડની, રક્તવિકાર (હિમોગ્લોબીનોપેથી), મગજ અને  મજ્જાતંતુના રોગીઓ.                                                                                                           – એચ.આઈ.વી.ના દર્દીઓને જોખમી પુરવાર થઈ શકે છે.

નવા વિષાણુ ઉત્પન થવાથી ફ્લૂની બીમારી થાય

પશુ, પક્ષી અને મનુષ્યમાં ઈન્ફ્લૂએન્ઝા રોગ માટે જવાબદાર વિષાણુ કોઈ યજમાનમાં સંમિશ્રિત થાય ત્યારે ઈન્ફ્લૂએન્ઝા રોગ માટે જવાબદાર વિષાણુના જનીનીક બંધારણમાં ફેરફાર થાય છે. જેના પરિણામે નવું વિષાણુ ઉત્પન્ન થાય છે. જે નવા વિષાણુથી ફ્લૂની બીમારી થાય છે. આમ જનતામાં આ નવા વિષાણુ પ્રત્યેની રોગ પ્રતિકારક શક્તિ ન હોવાના કારણે ચેપી રોગની જેમ ફેલાતી હોય છે. ઈન્ફ્લૂએન્ઝાને સામાન્ય રીતે ફ્લૂ કે શરદીના નામે ઓળખવામાં આવે છે. 2009માં ફ્લૂના વિષાણુના જનીનીક બંધારણમાં ફેરફાર થવાના કારણે ગુજરાતમાં ફ્લૂની બીમારી જોવા મળી છે. જેનાથી વ્યક્તિગત રીતે ખાસ કાળજી રાખવાથી ચેપગ્રસ્ત થતા બચી શકાય છે.

200 પ્રકારના વિષાણુથી થતી શ્વસન તંત્રની ચેપી બીમારી છે

સ્વાઈન ફ્લૂ 200 પ્રકારના વિષાણુથી થતી શ્વસન તંત્રની ચેપી બીમારી છે. જે દર 10થી 40 વર્ષે મહામારી સ્વરૂપે ફેલાઈ હોવાનો ઈતિહાસ ધરાવે છે, જેમાં 1957, 1968 અને 1977માં અનુક્રમે એશિયા, હોંગકોંગ અને રશિયામાં મહામારી રૂપે નોંધાઈ હતી. સ્વાઈન ફ્લૂની બીમારીનો ઈતિહાસ જોતા પ્રારંભમાં ઈ. સ. 1781 અને 1830માં રશિયા અને એશિયામાં મહામારી રૂપે ફેલાઈ હતી. ઈ. સ. 1918માં સ્પેનમાં આશરે 7થી 8 કરોડ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ 1957, 1968 અને 1977માં એશિયા, હોંગકોંગ અને રશિયાના દેશોમાં ચિંતાજનક રીતે ચેપ ફેલાયો હતો.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular