સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતના આ બે નેતાઓનું ભવિષ્ય નક્કી કરશે

0
1
ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં યોજાનારી ચૂંટણી પહેલા સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બર માસમાં યોજાવાની શક્યતા.
ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં યોજાનારી ચૂંટણી પહેલા સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બર માસમાં યોજાવાની શક્યતા.
  • ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં યોજાનારી ચૂંટણી પહેલા સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બર માસમાં યોજાવાની શક્યતા.

ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું પરિણામ ગુજરાતના મુખ્યપ્રધાન અને પ્રદેશ બીજેપીના પ્રમુખનું ભાવિ નક્કી કરશે. સૂત્રોની વાત માનીએ તો રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપીને ત્રીજી બેઠક જીતવામાં મળેલી સફળતા બાદ પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીને વધુ 6 માસનું એક્સટેન્શન મળ્યું છે.

જોકે, ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં યોજાનારી ચૂંટણી પહેલા સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બર માસમાં યોજાવાની શક્યતા છે. આ ચૂંટણીનું પરિણામ મુખ્યપ્રધાન રૂપાણી અને પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે.

રાજ્યસભાની ચાર બેઠકો માટે બીજેપીના ત્રણ ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબેન બારા ,નરહરિ અમીન અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકીએ ઝંપલાવ્યું હતું. જોકે ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળની દ્રષ્ટિએ બીજેપી અને કોંગ્રેસ બે-બે બેઠકો જીતી શકે તેમ હતું આ નરી વાસ્તવિકતાની વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીની જોડીએ સરકાર અને સંગઠનની સંયુક્ત તાકાત લગાવીને કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામાં અપાવી દઈને બીજેપીના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતાડવામાં સફળતા મેળવી હતી. આ અંગેનો યશ સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને જાય છે. સત્તા અને સંગઠનના તાલમેલ વિના બીજેપી માટે આ શક્ય ન હતુ.

મહત્વપૂર્ણ બાબત એ છે કે વિજય રૂપાણીની વહીવટી ક્ષમતા અને રાજકીય નેતૃત્વ સામે પક્ષની અંદરથી જ આંતરિક રીતે સવાલો ઉભા કરવામાં આવતા હતા કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર પર કોઈ પકડ નથી. અધિકારીઓ તેમને ગાંઠતા નથી. આ પ્રકારનો અપ્રચાર કરીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી જાય છે તેવી વાતોને વેગ અપાતો હતો.

જોકે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીએ સત્તા અને સંગઠનનો તાલમેલ સાધીને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને શિકસ્ત આપવામાં સફળતા હાંસલ કરવાની સાથે જ તેમના રાજકીય વિરોધીઓની બોલતી બંધ થઇ ગઈ છે.

આગામી સમયમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગર પાલિકાઓ અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ ઓક્ટોબર-ડિસેમ્બર માસમાં યોજાનાર છે. કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત બીજેપીનું નેતૃત્વ બદલવાના મૂડમાં ન હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડવાના સંકેતો કેન્દ્રીય નેતાગીરીએ આપી દીધા હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

મહત્ત્વની વાત તો એ છે કે પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીની મુદત પૂર્ણ થઇ ગઈ હતી. આ સાથે જ અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા હતા કે પ્રદેશ બીજેપી પ્રમુખ બદલાશે. જે પ્રકારે રાજ્યસભાની ચૂંટણીમાં વાઘાણી અને રૂપાણી એ કમાલ કરી બતાવી તેની સાથે જ તેમના ટીકાકારોની બોલતી બંધ થઇ ગઈ છે.

હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ ગુજરાતની નેતાગીરીનું ભવિષ્ય નક્કી થશે. ભૂતકાળની વાત કરી એ તો તત્કાલીન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નેતૃત્વમાં વર્ષ 2000માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપીએ અમદાવાદ, રાજકોટ સહીત મહાનગરો ઉપરાંત પંચાયતોમાં સત્તાથી હાથ ધોઈ નાખવા પડ્યા હતા. જેની સાથે જ બીજેપીમાં કેશુભાઈ પટેલની રાજકીય વિરોધી ટોળીએ તેમના વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું હતું અને તેમણે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું.

તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના કાર્યકાળ દરમિયાન વર્ષ 2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાનગરોને બાદ કરતા પંચાયતોમાં બીજેપીની કારમી હાર થઇ હતી. 31 જિલ્લા પંચાયતોમાં બીજેપીએ સત્તા ગુમાવતાની સાથે જ મુખ્યપ્રધાન બદલવાની માંગ મજબૂત બની હતી. સ્થાનિક નેતાગીરીના દબાણ હેઠળ કેન્દ્રીય નેતાગીરીએ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. ત્યાર બાદ ગુજરાતનું સુકાન વિજય રૂપાણીને સોંપાયું હતું. હવે તેમના અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત હાંસલ કરવાનો મોટો પડકાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે.