Wednesday, September 28, 2022
Homeસ્પીડગન દ્વારા સ્પીડમાં દોડતા વાહનોના લેવાતા ફોટામાં નંબર જ નથી વંચાતો...
Array

સ્પીડગન દ્વારા સ્પીડમાં દોડતા વાહનોના લેવાતા ફોટામાં નંબર જ નથી વંચાતો…

- Advertisement -

શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત કરાઈ હોય, પરંતુ પુરઝડપે કાર ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં ટ્રાફિક પોલીસ અને સ્પીડગન લાચાર સાબિત થયાં છે.

વાહનોની સ્પીડ ચેક કરવા ટ્રાફિક પોલીસ સ્પીડગનનો ઉપયોગ કરી રહી છે, પરંતુ સ્પીડગનમાં ઘણી વાર વાહનના નંબર દેખાતા નથી. તેથી વાહનચાલક સામે કાર્યવાહી થઇ શકતી નથી.

ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેની કામગીરીમાં સંકલનના અભાવે સ્પીડ લિમિટનાં બોર્ડ પણ મુકાતાં નથી. ટ્રાફિક વિભાગ આવાં બોર્ડ માટે કોર્પોરેશનને લેખિત રજૂઆત કરીને ફરજ પૂરી કરે છે તો બીજી તરફ કોર્પોરેશન રજૂઆત કરી હોવા છતાં બોર્ડ મૂકવામાં બેદરકારી દાખવી રહ્યું છે.

શહેરના ગીચ અને અતિવ્યસ્ત ટ્રાફિક ધરાવતા  એસજી  હાઇવે પર સૌથી વધુ વાહનો ફુલસ્પીડે જતાં હોવાનું ખુદ વિભાગ પણ સ્વીકારી રહ્યો છે એટલું જ નહીં, સૌથી વધુ માર્ગ અકસ્માત પણ આ રોડ પર થઈ રહ્યા છે.

હાલમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ પાસે પાંચ આધુનિક સ્પીડગન ઉપલબ્ધ છે, જેમાં વાહનનો ફોટો પણ લઇ શકાય છે, જોકે ઘણા ખરા કિસ્સામાં ફોટામાં વાહનનો નંબર જ દેખાતો નથી.

આ અંગે એડિશનલ કમિશનર ઓફ પોલીસ જે.આર. મોથલિયાએ જણાવ્યું હતું કે અમે હજે વધુ સ્પીડગનની જરૂરિયાત શહેર માટે હોઈ સરકાર પાસે માગણી કરી છે. નંબર પ્લેટ ન દેખાવા બાબતે ક્યારેક ટેકનિકલ કારણસર નંબર પ્લેટ ન દેખાય તેવું બની શકે.

સ્પીડ  લિમિટનાં બોર્ડ દરેક રસ્તા પર લગાવવા માટે અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરતાં રહીએ છીએ, જેનું ફોલોઅપ કરવામાં આવશે.

વર્ષ ૨૦૧૫માં અમદાવાદ પોલીસે પાંચ સ્પીડગન વસાવી હતી પણ તેનો ઉપયોગ સાચા અર્થમાં છેક જુલાઈ-૨૦૧૮થી શરૂ કરાયો છે. અત્યારે પણ એક જ સ્પીડગનથી ઈ-મેમો અપાય છે. હાલમાં સાંજના સાત વાગ્યા સુધી જ મોટા ભાગે  ઈ-મેમો અપાય છે.

હવે એસપી રિંગરોડ પર પણ ટુકડીઓ તહેનાત કરાશે. લેસર ટેક્નોલોજીથી ચાલતી સ્પીડગન ડોપ્લર ઈફેક્ટના આધારે કામ કરે છે. કાર પર રેડિયો વેવ ફેંકવામાં આવતાં તે અથડાઈને ગનમાં પાછા આવે છે અને વાહનની ગતિ કેટલી હતી તે બતાવે છે.

સ્પીડગન ગતિથી જતા વાહનના વીડિયોની ચેઈન અને ઈમેજ સ્ટોર કરે છે, જેથી નંબર પ્લેટ સહિત વાહનની ઓળખ થાય છે. સ્પીડગનની રેન્જ ૧૨૦૦ મીટર હોવાનું કહેવાય છે અને ૧૦૦ મીટર સુધી તે વાહનનો ફોટો પાડી શકે છે.

ટુ-વ્હીલર ૪૦ સેન્ટ્રલ મોટર વિહિકલ રૂલ મુજબ કેન્દ્ર સરકાર સ્પીડ અંગે જાહેરનામું નક્કી કરે છે. ચર્ચા માટે બે કમિટી રચવામાં આવે છે. એ પછી રોડ પર એન્જિનિયરની ટીમ નિરીક્ષણ કરી સ્પીડ બાંધે છે. આ સ્પીડમાં ફેરફારની સત્તા માત્ર પોલીસ કમિશનરને છે.

ઈસ્કોન સર્કલ, થલતેજ અંડરપાસ અને પકવાન ચાર રસ્તા પાસે સ્પીડગનથી ૭૦થી વધુની સ્પીડે જતા કારચાલકોને પ્રથમ વખત ઓવરસ્પીડ માટે એક હજાર અને બીજી વખત નિયમનો ભંગ કરે તો બે હજારનો દંડ કરાય છે.

શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિવારવા ટ્રાફિકના નિયમોના પાલન સંદર્ભે શહેર પોલીસ માટે સેપ્ટ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. જેના પ્રથમ સર્વેમાં એવી ચોંકાવનારી બાબત બહાર આવી છે કે, શહેરના કુલ ક્ષેત્રફળમાં ૫૦૦૦ કિ.મી. રોડની દૃષ્ટિએ રાહદારીઓ માટે ચાલવા માટે ફૂટપાથની સંખ્યા માત્ર ૧૬ ટકા જ છે. ૨૦૧૮માં માર્ગ અકસ્માતોમાં ૪૨ ટકા રાહદારીઓનો સમાવેશ થાય છે.

૨૦૧૮માં  કુલ ૩૨૦ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જેમાં ૪૨ ટકા લોકો (૧૩૫) રાહદારીઓ હતા. જયારે ત્રણ ટકા (૧૦) ઓટો રિક્ષાચાલક, છ ટકા (૨૦) નોન મોટરાઈઝ્ડ વાહનોથી, ચાર ટકા (૧૪) કાર, જીપ અને ટેક્સી, ૪૨ ટકા (૧૩૫) ટુ વ્હીલર અને બે ટકા (છ) લોકો ટ્રક, ટેમ્પો અને ટ્રેકટર જેવા આર્ટીકયુલેટેડ વાહનોની ટક્કરથી મૃત્યુ પામ્યા છે. બસ કરતાં કાર વધુ જોખમી હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. કાર દ્વારા મોટાભાગના અકસ્માતો થતા હોય છે. જેનું પ્રમાણ ૨૦.૪ ટકા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular