વડોદરા: ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઈન સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા ઓથોરિટીના અધિકારીને 60 હજાર લેતાં એસીબીની ટીમે ઝડપી લીધા હતા.
વડોદરા એસીબીએ ઉપરી અધિકારીની મંજૂરી મેળવી ગાંધીનગર જઇ ટ્રેપ ગોઠવી
કોન્ટ્રાકટ રિન્યુ કરવા માટે અધિકારીએ લાંચ માગંતા એજન્સી કંપનીના રિજનલ મેનેજરે વડોદરા એસીબીનો સંપર્ક કર્યો હતો. જો કે લાંચ માગનાર અધિકારી ગાંધીનગરના ડો.જીવરાજ મહેતા ભવનના બ્લોક નંબર 9માં બીજા માળે આવેલ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની કચેરીમાં બેસતા હોવાથી વડોદરા એસીબીએ ઉપરી અધિકારીઓ પાસેથી મંજુરી મેળવી હતી અને મંગળવારે લાંચનું છટકું ગોઠવી સંદીપ પંડયાને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા.
એક સ્કૂલ પેટે 1500 સુધીનો ભાવ હતો
એસીબીના સુત્રોએ જણાવ્યું હતું કે કંપની સંચાલકને કોન્ટ્રાકટ ચાલું રાખવો હોય તો એક સ્કુલ દીઠ 1500 રુપીયા માગવામાં આવતા હતા અને ત્યારબાદ 900 રુપીયા નક્કી થયા હતા. અન્ય એજન્સીઓ પાસેથી સ્કુલ દીઠ કેટલી રકમ માગવામાં આવી હતી તથા કેટલા સમયથી આ પ્રકારે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો તેની તપાસ પણ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે.
અન્ય 3 એજન્સી પાસે પણ પૈસા માગ્યાની શંકા
એસીબીના સુત્રોએ જણાવ્યું હતું કે સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સંકુલ તરીકે પસંદગી પામેલ શાળામાં ચાલતા ઇન સ્કુલ પ્રોગ્રામમાં 4 એજન્સીઓને સ્પોર્ટસ ટ્રેનર, સ્પોર્ટસ કીટ અને સ્પોર્ટસ ઓજયુકેશન આપવા ટેન્ડર અપાયા હતા.એસ.વી એજયુ.સ્પોર્ટસ કંપનીને 2018-19ના વર્ષ માટે કોન્ટ્રાક્ટ ચાલું રાખવો હોય તો પૈસાની માંગ ઇન સ્કુલ પ્રોજેકટના ઇન્ચાર્જ સંદીપ પંડયાએ કરી હતી. એસીબીએ આશંકા વ્યકત કરી હતી કે અન્ય 3 એજન્સી પાસેથી પણ આ જ પ્રકારે પૈસાની માગ કરાઇ હશે, જેથી અન્ય એજન્સીના સંચાલકોના પણ આ બાબતે નિવેદન લેવાશે.