- Advertisement -
હળવદ : ચાલુ વર્ષે પોલિયો અભિયાન અંતર્ગત એક માત્ર કાર્યક્રમ તા. 10 માર્ચને રવિવારના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 0 થી 5 વરસના તમામ બાળકોના વાલીઓને આ અભિયાનમાં જોડાઈને પોલિયોને દેશવટો આપવા અનુરોધ કરાયો છે.
હળવદ માં નોંધાયેલા હોય એવા પાંચ વરસની ઉંમરના આશરે 132544 બાળકોને આ અભિયાન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે મોરબી જિલ્લામાં કુલ 571 પોલિયો બુથ ઉભા કરવામાં આવ્યા છે. આ ભગીરથ કાર્યને પહોંચી વળવા જિલ્લાના કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી વર્કર્સ તથા મદદનીશ બહેનો મળીને કુલ 2346 કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ કર્મચારીઓ ઉપર દેખરેખ અને સંકલન માટે 169 સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે.
રવિવારે પોલિયો ટીપા પીવડાવવાથી બાકી રહી ગયેલા બાળકો માટે તા 11 તેમજ 12 માર્ચના બે દિવસો દરમ્યાન 1173 ટિમ દ્વારા ઘેર ઘેર ફરીને ટીપા પીવડાવવામાં આવશે. જ્યારે અંતરિયાળ તેમજ છેવાડાના દુર્ગમ વિસ્તારો માટે 325 મોબાઈલ ટિમો દ્વારા અભિયાનને પૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવવામાં આવી છે. તદુપરાંત આ સમય દરમિયાન જે પરિવારો બાળકો સાથે મુસાફરી કરતા હશે એ બાળકો પણ પલ્સ પોલિયો ટીપા પીવાથી વંચિત ન રહી જાય તે માટે 20 ટ્રાન્ઝિટ ટીમોની ખાસ રચના કરવામાં આવી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ