વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સાથે ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શૉનું પણ આયોજન થયું છે. ટ્રેડ શોમાં ફાર્મ ટુ ડોર નામના સ્ટાર્ટઅપ દ્વારા અનોખી પહલે કરવામાં આવી છે. કંપની હવે તાજાં ફળો લોકોને ઘેર બેઠાં પહોંચાડવાની છે. શેરીના છેવાડા ઉપર પણ તાજાં ફળો જોઈએ તો કંપનીએ તે વિકલ્પ આપ્યો છે. ફ્રૂટ વિતરણની શરૂઆત અમદાવાદમાંથી કરવામાં આવશે અને પછી ભારતના મોટા શહેરોને આવરી લેવાની આ સ્ટાર્ટ અપની યોજના છે.
આ અંગે વધુ વિગતો આપતા ફાર્મ ટુ ડોર ના કો-ફાઉન્ડર મૌલિક મોકરિયા જણાવે છે કે અમે એક અનોખી પહેલ કરી છે. ફળ પકવતા ખેડૂતો સાથે જ સીધું જોડાણ કરીને સસ્તાં ભાવે અમે ગ્રાહકોને આપીશું. આટલું જ નહીં પરંતુ અમારું રિક્ષાની અંદર સેટ કરેલું કાર્ટ ફળોને તરોતાજાં પણ રાખશે. સામાન્ય રીતે ફળો જે લારીમાં વહેંચવામાં આવે છે તે ખુલ્લામાં રાખવામાં આવતા હોય છે. આથી ફળોની ગુણવતા ખરાબ થઈ જાય છે. બીજું ખેડૂતો સાથે સીધી ફળોની ખરીદી હોવાથી ગ્રાહકોને 40થી 50% સુધી સસ્તાં મળશે.’
મૌલિક મોકરિયા મારુતિ કુરિયરના સીઈઓ પણ છે અને તેને જ ફાર્મ ટુ ડોર નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં થોડા દિવસોમાં જ અમદાવાદમાં 10 કાર્ટ ઓફલાઇન દ્વારા વિવિધ વિસ્તારોમાં વહેચાણ માટે મોકલીશું અને બાદમાં અમદાવાદમાં જ 300 કાર્ટ ઉમેરાશે. આગળ જતા ભારતના મોટા શહેરોમાં પણ આ વિચારથી વેચાણ શરૂ થશે.
જે ગ્રાહકોને ઘરે બેઠા ફ્રૂટ જોઈતા હશે તેમને કંપની ઓનલાઇન પણ આપશે. કંપનીએ આ માટે એપ્લિકેશન પણ બનાવી છે અને વધુમાં વધુ સસ્તાં ફળો આપવાનું આયોજન કર્યું છે. ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીએ રાખેલા રિક્ષા મોડેલના કાર્ટ જોવા લોકોમાં ભારે ઉત્સુકતા પણ છે.