હારીજ નગરપાલિકા પ્રમુખ અને અધ્યક્ષની સર્વાનુમતે બિનહરીફ વરણી

0
40

હારીજ: નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષના રાજીનામા બાદ નવા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ચૂંટણી પાલિકાના મિટિંગ હોલ ખાતે પ્રાંત ઓફિસર રીટાબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ચંપાબેન ભુપેન્દ્રભાઈ ઠાકર અને કારોબારી અધ્યક્ષ તરીકે ભાવનાબેન એમ ઠાકોરની સર્વાનુમતે બિનહરીફ વરણી થઈ હતી.

24 બેઠકો પૈકી 17 પર ભાજપનો કબજો છે: હારીજ ખાતે પંદર માસ પહેલા યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 24 બેઠકોમાંથી ભાજપા 17 અને કૉંગ્રેસ 7 બેઠકો પર વિજયી બન્યું હતું. ભાજપા ચૂંટણીમાં બહુમતી સાથે વિજેતા થતા ભાજપાની પાલિકા રચાઇ હતી. જેમાં પ્રમુખની ખુરશી માટે અઢી વર્ષ મહિલા સામાન્ય બેઠક છે. જ્યારે પાછલા અઢી વર્ષ અનુસૂચિત જાતિની બેઠક હોઇ પ્રથમ સામાન્ય સ્ત્રી બેઠક માટે પક્ષ દ્વારા લલિતાબેન ફરશુરામ ઠક્કરને પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં સવા વર્ષ પ્રમુખ તરીકે કામગીરી કર્યા બાદ 9 મેના રોજ પાલિકા ચીફ ઓફિસરને નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હતું. જ્યારે કારોબારી અધ્યક્ષ ચંપાબેન ભુપેન્દ્રભાઈ ઠાકરે પણ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતુ.

24માંથી 21 સદસ્ય હાજર રહ્યાં: નવીન પ્રમુખ અને અધ્યક્ષની ચૂંટણી સોમવારના રોજ પાલિકાના મિટિંગ હોલ ખાતે પ્રાંત ઓફિસર રીટાબેન પંડ્યાના પ્રમુખસ્થાને યોજાઇ હતી. 24માંથી 21 સદસ્ય હાજર રહ્યાં હતાં. ભાજપાના હારીજ પ્રભારી સતિષભાઈ ઠક્કર અને શહેર પ્રમુખ જગદીશભાઈ ઠક્કર પ્રમુખ તરીકે ચંપાબેન ભુપેન્દ્રભાઈ ઠાકર અને અધ્યક્ષ તરીકે ભાવનાબેન એમ ઠાકોરના નામના મેન્ડેડ મુજબ લલિતાબેન ઠક્કરે તેમનાં નામની દરખાસ્ત મૂકી હતી. જેને નીતાબેન જીગરભાઈ મહેતાએ ટેકો આપ્યો હતો અને બંનેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. વિરોધમાં એક પણ ફોર્મ ભરાયું ન હતું. સવા વર્ષ માટે સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તરીકે ચંપાબેન ભુપેન્દ્રભાઈ ઠાકર અને અધ્યક્ષ તરીકે ભાવનાબેન એમ ઠાકોરની વરણી થઈ હતી. પ્રમુખ અને અધ્યક્ષની વરણી થતા ગામના અગ્રણીઓ વેપારીઓ રાજકીય આગેવાનોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here