હાર બાદ શોકમાંથી બહાર આવેલું વિપક્ષ આવતીકાલે કરશે આ કામ

0
14

લોકસભાની ચૂંટણીઓમાં મળેલી આંચકાજનક હારમાંથી બહાર આવેલો વિપક્ષ હવે આગળની રૂપરેખા નક્કી કરશે. એક બાજુ વિપક્ષ પોતાની હારનાં કારણોનું મંથન કરી રહી છે તો બીજી તરફ સંયોજિત રીતે આ મંથન પર કામ કરવાની યોજના છે. ૩૧ મેના રોજ એટલે કે આવતી કાલે વિપક્ષ સંસદ ભવન પરિસરમાં એક મિટિંગ કરશે.

સમાન વિચાર ધારાવાળા પક્ષોને આ મિટિંગમાં બોલાવાયા છે. આ બેઠકને બોલાવવાની પહેલ કોંગ્રેસ તરફથી કરાઈ છે. લોકસભાની ચૂંટણીઓ બાદ આ મિટિંગ એટલે પણ મહત્ત્વની મનાય છે કે આ ચૂંટણીમાં બધા જ વિપક્ષોની હાર થઈ છે. આવામાં વિપક્ષી દળ અરસપરસ એક જૂથ રહે, આગળ જતાં પણ એકબીજાનો સાથ રહે અને રસ્તો સરળ રહે તે માટે આ મિટિંગ બોલાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે જૂનના પહેલા અઠવાડિયાથી ૧૭મી લોકસભાનું નવું સત્ર બેસશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ તરફથી ૧૦ જનપથની અત્યંત નજીક મનાતા એક સિનિયર નેતા અને રણનીતિકાર તરફથી તમામ વિપક્ષો ફોન કરીને મિટિંગ અંગે જણાવાયું છે. આ મુલાકાતનો હેતુ સમાન વિચારધારાવાળા પક્ષો અરસપરસ બેસીને આગળની રણનીતિ નક્કી કરે તે છે.

મિટિંગનો એજન્ડા ચૂંટણીનાં પરિણામો પર ચર્ચાની સાથે સાથે આગામી સંસદ અને તેને લઈને ભાવિ રણનીતિ અંગેનો છે. આ ઉપરાંત ઈવીએમને લઈને વિપક્ષના આગામી વલણ સહિત દેશની સામે રહેલા બીજા મહત્ત્વના મુદ્દાઓ પર પણ ચર્ચાઓ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here