હિમસ્ખલનથી જવાહર ટનલમાં ફસાયા 10 પોલીસકર્મી, દિલ્હીમાં પવનના કારણે 38 ફ્લાઈટના રૂટ બદલાયા

0
26

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે જવાહર ટનલ પાસે આવેલી પોલીસ પોસ્ટ પર હિમસ્ખલન થતાં 10 પોલીસકર્મીઓ ફસાઈ ગયા છે. સેના સ્થાનિક લોકોની મદદથી તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી બાજુ દિલ્હી અને તેમની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ અને કરા પડ્યા હતા. હવામાન ખરાબ હોવાના કારણે સાંજે છ થી રાતના 9.45 સુધી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવનારી 38 ફ્લાઈટના માર્ગ બદલવામાં આવ્યા હતા.

દિલ્હીમાં એરપોર્ટ ઓથિરટીએ જણાવ્યું કે, ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર આવતી-જતી ઘણી ફલાઈટ ઉપર હવામાનની અસર થઈ છે. તેમણે જણાવ્યું કે, ખૂબ ઝડપથી પવન ફૂંકાતો હોવાથી બોમ્બાર્ડિયર અને એટીઆર ફ્લાઈટના માર્ગ બદલવામાં આવ્યા છે.

પંજાબ-હરિયાણાનું તાપમાન અચાનક ઘટ્યું; કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રક બોર્ડના જણાવ્યાનુસાર, વરસાદ અને તેજ પવનના કારણે દિલ્હીનો એર ક્વૉલિટી ઈન્ડેક્સ ગુરુવારે સુધરીને 171એ પહોંચ્યો હતો, જે બુધવારે 349 હતો. હિમાચલપ્રદેશમાં ભારે વરસાદ તેમજ ઉત્તરાખંડમાં નવેસરથી હિમવર્ષાને પગલે દિલ્હી, પંજાબ-હરિયાણાનું તાપમાન અચાનક ઘટ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, હિમાચલપ્રદેશના શિમલામાં બુધવારથી ગુરુવાર સુધીના 24 કલાક સુધી બર્ફીલા પવન સાથે સતત વરસાદ પડ્યો હતો. હિમાચલમાં સૌથી વધુ 47 મિમી વરસાદ ચંબામાં પડ્યો હતો, જ્યારે ધર્મશાલામાં 42.8, પાલમપુરમાં 34, કાંગરામાં 25.7, મનાલીમાં 14 અને ડેલહાઉસીમાં આઠ મિમી પાણી પડ્યું હતું. અહીંના લાહૌલ અને સ્પિટીમાં સૌથી ઓછું માઈનસ 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ; ઉત્તરીય હિમાલયના પવનોને પગલે પંજાબના મોહાલી, અમૃતસર, લુધિયાણા, પતિયાલા, ગુરદાસપુર, પઠાણકોટ, જલંધર તેમજ હરિયાણાના અંબાલા, પંચકુલા અને કરનાલમાં પણ ગુરુવારે સામાન્ય વરસાદ પડતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ઉત્તરાખંડના કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હેમકુંડ સાહિબ તેમજ લોકપ્રિય હિલ સ્ટેશન ઓલી સહિતના પર્વતીય પ્રદેશોમાં નવેસરથી હિમવર્ષા થઈ હતી. હિમવર્ષા પછી ચમોલી, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી અને પિથોરગઢ જેવા અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here