હિમાચલમાં હિમપ્રપાતનું એલર્ટ અપાયુ : ફરી બરફવર્ષાની સંભાવના

0
17

હિમાચલ પ્રદેશમાં ફરીથી મોટા પ્રમાણમાં બરફ વર્ષા થવાના એંધાણ વચ્ચે હિમપ્રપાતનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં શીતલહેર ચાલુ જ છે. કાશ્મીરમાં હાડ થીજાવતી ઠંડી યથાવત છે અહીંના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 14.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, હવામાનઅધિકારીએ જણાવ્યું હતું કે શ્રીનગરના ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન -13 ડિ.સે. નોંધાયું હતુ્ં જ્યારે અહીં દિવસનું તાપમાન પણ શૂન્યથી નીચે -1.8 ડિ.સે. રહ્યું હતું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -1.9 ડિ.સે. નોંધાયું હતું જે ગુરુવારની સરખામણીમાં 1 ડિગ્રી વધુ છે.

દક્ષિણ કાશ્મીરમાં કાઝીગંદ અને કોકરનાગમાં લઘુત્તમ તાપમાન -6.1 ડિ.સે. નોંધાયું હતું. કાશ્મીરમાં અત્યારે 40 દિવસનો ‘ચિલ્લાઈ-કલાં’ સમયગાળો ચાલી રહ્યો છે જે દરમિયાન કડકડતી ઠંડી પડે છે, હિમવર્ષા અવાર નવાર થાય છે અને તાપમાનનો પારો સતત નીચે જાય છે. આ સમયગાળો 21 ડિસેમ્બરથી શરૂ થઈ 31 જાન્યુઆરી સુધી રહે છે. ત્યારબાદ 20 દિવસનો ‘ચિલ્લાઈ-ખુર્દ’ (નાની ઠંડી) અને 10 દિવસનો ‘ચિલ્લાઈ-બચ્ચા’ સમયગાળો રહે છે.

બીજી બાજુ ઉત્તરાખંડના પર્વતીય શહેરોમાં શુક્રવારે હળવો વરસાદ આવ્યો હતો જ્યારે નીચાણવાળા વિસ્તારમાં તાપમાનમાં વધારો થયો હતો. નૈનિતાલ અને મસૂરીમાં સૂર્ય પ્રકાશ રેલાયો હતો જ્યાં પર્યટકો ઓગળી રહેલા બરફની મજા માણી રહ્યા છે. બરફના કારણે બંધ થયેલા ચિન્યાલિસોર, મોરી-સાંકરી અને આરાકોટ-નાકોટ માર્ગો ફરીથી ખુલ્યા હતા. મસૂરીમાં લઘુત્તમ તાપમાન -0.5 ડિ.સે. જ્યારે નૈનિતાલમાં 2 ડિ.સે. અને દેહરાદૂનમાં 4.0 ડિ.સે. નોંધાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here