હીટવેવ : એશિયાનું ગ્રીનેસ્ટ સિટી ગાંધીનગર 45 ડિગ્રીને પાર, રાજ્યમાં ઓરેન્જ એલર્ટ

0
40

અમદાવાદઃ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હીટવેવના કારણે લોકો શેકાઈ ગયા છે. હીટવેવની સ્થિતિએ દેશમાં એક વ્યક્તિનો ભોગ લીધો હતો. ગુજરાત પણ છેલ્લા ત્રણ દિવસથી તપી રહ્યું છે. રવિવારે સુરેન્દ્રનગરમાં 45.3 અને ગાંધીનગરમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. રાજસ્થાનના ચુરુમાં રવિવારે પણ 49 ડિગ્રી તાપમાન રહ્યું હતું અને હવામાન વિભાગ મુજબ હજી બે દિવસ સુધી હીટવેવથી લોકોને રાહત નહીં મળે. એ જ રીતે દેશના અનેક શહેરોમાં 45 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું. રાજસ્થાનમાં ભીષણ ગરમીનો દોર ચાલુ છે. લૂ અને તીવ્ર તડકાથી હવે પાટનગર પણ તપવા લાગ્યું છે.

રવિવારે જયપુરમાં દિવસનો પારો 45.5 ડિગ્રી નોંધાયો હતો. શનિવારે દેશનું સૌથી ગરમ શહેર ચૂરુ રવિવારે પણ રાજસ્થાનનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. પારો 1.9 ડિગ્રી ઘટીને 48.9 ડિગ્રી નોંધાયો. અહીં સનસ્ટ્રોકના કારણે એક ખેડૂતનું મોત નીપજ્યું હતું. રાજસ્થાનમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું હતું. શ્રીગંગાનગરમાં પારો 48.6 ડિગ્રી અને બીકાનેરમાં 48.1 ડિગ્રી નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરીય મેદાની પ્રદેશો અને મધ્ય તથા દક્ષિણના ભાગોમાં બેથી વધુ દિવસ સુુધી હીટવેવની સ્થિતિ રહેશે.

દેશના ઉત્તરીય ભાગ પરથી નીચલા સ્તરે પૂર્વીય પવનો ફુંકાવાના કારણે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહી હતી. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સોમવારે પણ હીટવેવ અનુભવાઈ શકે છે. દિલ્હીમાં સીઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી વધુ 42.5 ડીગ્રી પારો નોંધાયો હતો. ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળો પર હીટવેવ જેવી સ્થિતિ હતી, જેમાં બાંદા 47.4 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગ મુજબ પૂર્વીય ઉત્તર પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં જ્યારે પશ્ચિમ ભાગમાં ‘ગંભીર હીટવેવ’ની સ્થિતિ હતી. જમ્મુમાં પણ મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતમાં ફરી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં પણ ગરમીનો કેર ચાલુ રહેવા પામ્યો છે. આગામી બે દિવસ સુધી સત્તાવાળાઓ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રવિવારે પણ અનેક શહેરોમાં ગરમીનો પારો 44ને પાર જોવા મળતો હતો. સુરેન્દ્રનગરમાં 45.3, ગાંધીનગર 45, રાજકોટ 44.4, અમદાવાદ 44.4 ડિગ્રી ગરમીમાં શેકાતું જોવા મળ્યું હતું.

રાજસ્થાનના 15 શહેરોમાં પારો 45 ડિગ્રીથી ઉપર, ચુરુ 48.9 ડિગ્રી

રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ સતત બીજા દિવસે પણ જળવાઈ રહ્યો છે. રાજ્યના 15 શહેરોમાં પારો 45 ડિગ્રી ઉપર રહ્યો હતો. જેમાં ચૂરુ (48.9), શ્રીગંગાનગર (48.6), ફલોદી (48.2), બીકાનેર (48.1), જેસલમેર (47.8), કોટા (47.5), બાડમેર (47.2), રાજસમંદ (46.8), જોધપુર 46.4), ફતેહપુર (46.2), ભીલવાડા (46.0), જયપુર (45.5), અલવર (45.4) અજમેર (45.2)નો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડમાં વરસાદ, ચમોલીમાં વાદળ ફાટ્યું, 1નું મોત

સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ છે ત્યારે ઉત્તરાખંડમાં રવિવારે સાંજે હવામાન બદલાયું છે. પર્વતીય ક્ષેત્રોમાં વરસાદથી વાતાવરણમાં રાહત થઈ છે. બીજીબાજુ કુમાઉમાં રામગંગા નદી બે કાંઠે હિલોળા લઈ રહી છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાથી લામબગડ (ગેરસૈંણ)માં ભારે નુકસાન થયું છે. ત્યાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું કહેવાય છે. બીજીબાજુ માહિતી છે કે અલમોડાના ચૌખુટિયા ક્ષેત્રના ખીડામાં પણ વાદળ ફાટવાથી અનેક ઘર તણાઈ ગયા છે. જોકે, તંત્રે હજી તેની પૃષ્ટિ કરી નથી. પરંતુ લોકો ઘરના તણાવાને વાદળ ફાટવા સાથે જોડી રહ્યા છે. રામગંગા જોખમી સ્તરે હોવાથી પોલીસ તંત્રે લોકોને ગંગા કિનારે ન જવાની એલર્ટ પણ જાહેર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here