૩૫૦ની કિંમતે વેચાતા એલઇડી બલ્બ રૂા.૪૦-૫૦માં વિતરીત કર્યા : વડાપ્રધાન મોદી

0
24

વડાપ્રધાન બન્યા બાદ સુરતમાં નરેન્દ્ર મોદી ચાર વખત  આવ્યા હતા જેમાં સુરતમાં નરેન્દ્ર મોદી આવે એટલે એરપોર્ટ અને હોસ્પીટલનો અનોખો સંગમ થઈ રહ્યો છે. ચાર વખતમાં બે વાર એરપોર્ટ અને બે વાર હોસ્પીટલના કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ સંજોગ સાથે પાટીદારનો વિરોધ પણ વડા પ્રધાનની મુલાકાત વખતે અનોખો સંગમ કરી રહી છે. મોદી આવ્યા તેમાં બે વાર પાટીદાર દ્વારા કાળા બલુન ઉડાવીને મોદીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વાર એરપોર્ટ આવ્યા ત્યાં જ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરતમાં રોડ શો કરીને રાત્રી રોકાણ કર્યા બાદ સવારે કતારગામની કિરણ હોસ્પીટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ત્રીજી વાર વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે સુરતમાં મેરેથોન દોડનું આયોજન કરવામા આવ્યું છે.

આજે ચોથી વખત મોદી સુરત આવ્યા ત્યારે ફરી એક વખત એરપોર્ટ અને વિનસ હોસ્પીટલનો કાર્યક્રમ યોજાયો છે. બે મોટી હોસ્પીટલ સાથે એરપોર્ટના મહત્વના કાર્યક્રમમાં સુરતમાં વડા પ્રધાનની હાજરી જોવા મળી તે અનોખો સંગમ છે.

આ સંગમ સાથે એક બીજો પણ સંગમ જોવા મળે છે તે છે પાટીદારોનો વિરોધ. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સુરત સહિત ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું છે.  બે વારની નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત વખતે પાટીદાર યુવાનોએ વિરોધ કરવાની ચીમકી આપી હતી.

જોકે, કડક પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કાર્યક્રમ સ્થળે વિરોધ કરવામા સફળતા મળી ન હતી. પરંતુ બન્ને વખત પાટીદાર યુવાનોએ મોઢા પર રૂમાલ બાંધીને કાળા બલુન આકાશમાં ઉડાવીને મોદીનો વિરોધ કર્યો હતો. આ વખતે અજ્ઞાાત સ્થળેથી કાળા બલુન ઉડાવવા સાથે સાથે પાટીદાર બહુમતિવાળા વરાછાના મીની બજારમાં કેટલાક લોકોએ ભેગા થઈને કાળી પટ્ટી સાથે મોદીનો વિરોધ કર્યો હતો. તેઓએ મોદી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરીને પાટીદાર સમાજના ન્યાયની માંગણી કરી હતી.

૩૨ કરોડ એલઇડી બલ્બ વિતરણ કર્યા,૧૬૦૦ કરોડની વિજબીલમાં બચત થઇ

એરપોર્ટ ખાતે સભામાં વડાપ્રધાને જણાવ્યું કે, અગાઉની સરકાર વેળા રૂા.૩૫૦ની કિંમતે વેચાતા હતો તે એલઇડી બલ્બ વર્તમાન સરકારે રૂા.૪૦-૫૦માં વિતરીત કર્યા. કિંમતો વચ્ચે ગાળો ક્યાં ગયો તે હવે મને નહિ પુછશો…

આપણે ૩૨ કરોડ એલઇડી બલ્બનું વિતરણ કરી દીધું છે. જેનાથી લોકોેને વીજબીલમાં રૂા.૧૬૦૦૦ કરોડની બચત થઇ છે. ગરીબ પરિવારોના લોકોને તો વીજબીલમાં ઘણી રાહત થઇ છે.

કેટલાક લોકો અમારા પ્રયાસોની મજાક કરે છે

વડાપ્રધાને દેશમાં ચાલી રહેલી રાજનીતી પર આડકતરી રીતે બોલ્યા હતા કે એકબાજુ અમો નવુ ભારત બનાવવા માટે મથામણ કરી રહયાં છે. અને બીજી તરફ કેટલાક અમારા પ્રયત્નોની મજાક ઉડાડી રહ્યાં છે. આ મજાક ઉડાડનારાઓ બદલાઇ રહેલા ભારતને જોઇ શકતા નથી. નવા ભારતની નવી શકિતને વિકાસના કામોમાં લગાડવા માટે હંમેશા પ્રયત્નશીલ છું.

ઇવેન્ટ કંપનીનો કર્મચારી ઢળી પડતા વડાપ્રધાને ભાષણ અટકાવ્યું

સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ ૩૨ મિનિટ સુધી ભાષણ કર્યુ હતુ. આ ભાષણ દરમ્યાન એક ઇવેન્ટ કંપનીનો કર્મચારી અચનાક ચક્કર ખાઇને ઢળી પડતા ભાષણ કરી રહેલા વડાપ્રધાનનું ધ્યાન તેમના તરફ જતા તુરંત જ ભાષણ થોડી મિનિટો માટે અટકાવી દીધુ હતુ. કિશન જે રામોલીયા નામક આ વ્યક્તિનું સુગર ડાઉન થઇ જતા તે ઢળી પડ્યો હતો. તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.

મધ્યમવર્ગને રૂા.૨૦ લાખની ઘર લોન પર રૂા.૬ લાખ વ્યાજ માફી આપી

પ્રધાનમંત્રી આવાસ યોજનાએ ગરીબ લોકોના જીવનને સમૃધ્ધ કર્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ૧.૩૦ કરોડ ઘરો આપી દેવાયા છે. પહેલાની સરકારે તેમના ૬ દાયકાના શાસનમાં ૨૫ લાખ ઘર બનાવ્યા અણે ચાર વર્ષમાં સવા કરોડથી વધુ ઘરો બનાવ્યા.

મધ્યમવર્ગના લોકોને પણ ઘર માટે લોનના વ્યાજ પર રાહતનું અભિયાન ચલાવાયું છે. રૂા.૨૦ લાખની ઘર લોન ભરપાઇ થઇ જાય ત્યાં સુધીમાં રૂા.૬ લાખની વ્યાજમાં રાહત મળે છે. એરપોર્ટ ખાતે લાભાર્થીઓને આવાસની ચાવી પણ અર્પણ કરાઇ હતી.

એરપોર્ટના સ્ટાફ-પેેસેન્જર માટે નવો રસ્તો બનાવાયો 

સુરત એરપોર્ટ પર જ કાર્યક્રમ હોવાથી એરપોર્ટ સ્ટાફ તેમજ પેસેન્જરને આવવા જવા માટે તકલીફો કે અગવડો ના પડે તે માટે એરપોર્ટના મેઇન ગેટની આગળની દિવાલ તોડીને નવો રસ્તો બનાવીને ત્યાંથી પેસેન્જર તેમજ સ્ટાફની અવરજવર શરૂ કરાઇ હતી. આ કારણે એરપોર્ટની કામગીર સરળ બની હતી. પેસેન્જર તેમજ સ્ટાફ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે નવો રસ્તો પણ બનાવાયો હતો.

લોકોના એક-એક પૈસાનો સવાયો ઉપયોગ થઇ રહ્યો છેઃ વિજય રૂપાણી

ગુજરાતમાં વિકાસના હજારો કરોડોના કામો ચાલી રહ્યા છેઃ સરકારે વાઇબ્રન્ટ ઇવેન્ટમાં દુનિયાના લોકોને જોડ્યા

સુરત એરપોર્ટ ખાતે નવા ટર્મિનલના શિલાન્યાસ અને સુરત મ્યુનિ.ના રૂા.૧૦૫૮ કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સુરતના આંગણે આજે વિકાસનો પર્વ ઉજવાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની શરૂ કરેલી વિકાસયાત્રા આજે હરણફાળ ભરી રહી છે. રાજ્યમાં વિકાસના હજારો કરોડોના કામો ચાલી રહ્યા છે. ઈમાનદારીથી લોકોના એક એક પૈસાનો સવાયો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, સૌથી વધુ ઝડપે વિકસતા સુરતને અને સુરતની જનતાના સપનાઓ અને અપેક્ષા મુજબના કામોને સરકારે સાકાર કર્યા છે. ગુજરાત સરકારે વાઈબ્રન્ટ ઇવેન્ટમાં દુનિયાના લોકોને જોડીને સફળતાપૂર્વક વિકાસની ઇવેન્ટ પૂરી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here