Friday, March 29, 2024
Homeઅદાણી સંચાલિત G K હોસ્પિટલમાં 5 વર્ષમાં 1000થી વધુ નવજાત શિશુના મોતઃ...
Array

અદાણી સંચાલિત G K હોસ્પિટલમાં 5 વર્ષમાં 1000થી વધુ નવજાત શિશુના મોતઃ નીતિન પટેલની કબૂલાત

- Advertisement -

અમદાવાદ/ ભુજ: કચ્છમાં ભુજ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલનું સંચાલન પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ અદાણી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનને સોંપાયું ત્યારબાદ છેલ્લા પાંચ વર્ષમાં આ હોસ્પિટલમાં 1000થી વધુ નવજાત શિશુના મોત થયા છે. ખુદ ગુજરાત સરકારે વિધાનસભામાં આની કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ફક્ત પાંચ મહિનામાં જ ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ નામની આ હોસ્પિટલમાં 111 નવજાત શિશુના મોત બાદ થયેલા ભારે ઉહાપોહને પગલે રાજ્ય સરકારે હોસ્પિટલની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા એક તપાસ સમિતિ રચી હતી.

નીતિન પટેલે ગૃહમાં અદાણી હોસ્પિ.માં બાળકોના મોતની કબૂલાત કરી
સરકારે રચેલી સમિતિના રિપોર્ટ અનુસાર ભૂજની અદાણી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા નવજાત શિશુનો આંક 2014-15માં 188 અને તે પછીના વર્ષે 187 હતો. ત્યારપછીના વર્ષે આ આંક લગભગ વધીને 276 થઈ ગયો હતો. જ્યારે 2018-19માં અત્યાર સુધીમાં અહીં 159 નવજાત શિશુના મોત થયાનું નીતિન પટેલે કોંગ્રેસી ધારાસભ્યના લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. તપાસ સમિતિના મતે અદાણી હોસ્પિટલમાં નવજાત શિશુઓ મોટા ભાગે અધૂરા મહિને જન્મ, ચેપી જીવલેણ રોગો, શ્વસનતંત્રની સમસ્યા, જન્મજાત ખોડખાપણ વગેરે સહિતના કારણે મૃત્યુ પામ્યા હતા. હોસ્પિટલે તો નિર્ધારિત ધારા-ધોરણોનું પાલન જ કર્યું હોવાનો પણ નીતિન પટેલે દાવો કર્યો હતો.
દાખલ થયેલામાંથી 87% નવજાતનો સફળ ઈલાજ કરાયોઃ અદાણી ગ્રુપ
અદાણી ગ્રુપે એક અખબારી યાદી પ્રસિદ્ધ કરીને દાવો કર્યો હતો કે, હોસ્પિટલમાં દાખલ કરાયેલા કુલ નવજાત શિશુ માંથી 87%નો સફળ ઈલાજ કરીને તેમને હેમખેમ રજા આપી દેવાઈ છે. એટલું જ નહીં, અમારી પાસે ક્વોલિફાઈડ તબીબો છે જેઓ અમારી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓને શક્ય તેટલો શ્રેષ્ઠ ઈલાજપૂરો પાડે છે અને અને દર્દીઓ માટેની સુવિધાનું સ્તર ઊંચુ લાવવા અમે સરકાર સાથે કામ કરતા રહીશું. જો કે, કયા વર્ષે કેટલા બાળકો દાખલ થયા અને તેમાંથી કેટલા બાળકોનો સફળતાપૂર્વક ઈલાજ કરાયો તે અંગેના કોઈ ચોક્કસ આંકડા પૂરા પાડવામાં આવ્યા નહોતા.
ગત વર્ષે પાંચ મહિનામાં જ અદાણી હોસ્પિ.માં 111 નવજાતના મોત થયા હતા
અદાણી ફાઉન્ડેશન સંચાલિત જી કે જનરલ હોસ્પિટલ, ભૂજ ખાતે ગત વર્ષના શરૂઆતના પાંચ મહિના એટલે કે જાન્યુઆરીથી મે-2018 દરમિયાન જ 111થી વધુ નવજાત શિશુના મોત થતા હોબાળો મચી ગયો હતો. લોકોને સારી સુવિધા મળશે તેવા દાવા સાથે ભૂજ સિવિલ હોસ્પિટલનું સુકાન અદાણી ગ્રુપને સોંપી દેનારી ગુજરાત સરકાર પણ શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી અને તેથી જ તેણે આ પ્રકરણે તપાસ સમિતિની રચના કરી હતી. તે સમયે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ કહ્યું હતું કે, આ સમિતિનો રિપોર્ટ આવી ગયા બાદ અમે યોગ્ય પગલાં ભરીશું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular