Friday, April 26, 2024
Homeઝિમ્બાબ્વેમાં સરકારનો હિંસક વિરોધ, 200નાં મોત; નાગરિકો પર શિકારી કૂતરા છોડ્યા
Array

ઝિમ્બાબ્વેમાં સરકારનો હિંસક વિરોધ, 200નાં મોત; નાગરિકો પર શિકારી કૂતરા છોડ્યા

- Advertisement -

હરારે (ઝિમ્બાબ્વે): ઝિમ્બાબ્વેના પ્રેસિડન્ટ એમર્સન નાનગાંગ્વાનું નામ આજે દાવોસમાં શરૂ થયેલી વર્લ્ડ લીડર્સની સમિટમાંથી પરત ખેંચવામાં આવ્યું છે. ઝિમ્બાબ્વેમાં પ્રેસિડન્ટનો હિંસક વિરોધ થઇ રહ્યો છે. ક્રોકોડાઇલના નામે ઓળખાતા પ્રેસિડન્ટ નાનગાંગ્વાના રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. જેની સામે હજારો નાગરિકોને હિંસક રીતે માર મારવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે અથવા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પ્રેસિડન્ટ નાનગાંગ્વા અને તેની આર્મીએ સરમુખત્યાર રોબર્ટ મુગાબેને સત્તા પરથી હટાવ્યા બાદ નાગરિકોને નવા ઝિમ્બાબ્વેનું વચન આપ્યું હતું. પરંતુ હવે સત્તામાં આવ્યા બાદ નાનગાંગ્વાએ આખા દેશમાં પેટ્રોલની કિંમતોમાં 200 ટકાનો વધારો કરી દીધો છે. આ રીતે અહીં પેટ્રોલના ભાવમાં 3.31 ડોલર (235.59 રૂ) પ્રતિ લિટર થઇ ગયો છે.

ઇન્ટરનેટ સેવાઓ બંધ, શબઘરોમાં જગ્યા નથી

દાવોસ રદ કરી દેશમાં પરત ફર્યા
  • આજે સોમવારે નાનગાંગ્વા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (દાવોસ)ની મુલાકાત રદ કરી દેશમાં ઇકોનોમિક પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે ઝિમ્બાબ્વે પરત ફર્યા છે.
  • ઝિમ્બાબ્વે આર્મીએ 10 વર્ષના નાના બાળકોને પણ માર માર્યો છે. લોકો સડકો પર સરકાર, પોલીસ અને આર્મી વિરૂદ્ધ દેખાવો કરી રહ્યા છે. હિંસક વિરોધ પ્રદર્શનોને જોતાં દેશમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને વિદેશી મીડિયાકર્મીઓને દેશમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
  • સરકારે પેટ્રોલના ભાવવધારાને પરત લેવાની મનાઇ કરી દીધી છે. સરકાર અનુસાર, આ માત્ર શરૂઆતનો વિરોધ છે જે થોડાં દિવસોમાં શમી જશે.
  • આર્મી અને પોલીસના હુમલા બાદ હજારો લોકો પોતાના ઘરો, હોસ્પિટલ અને કોર્ટમાં આશરો શોધી રહ્યા છે. આર્મીએ લોકો પાછળ શિકારી કૂતરાંઓ છોડ્યા હોવાનો પણ આરોપ છે. બીજી તરફ, ડિપ્લોમેટ્સે અત્યાર સુધી 200 નાગરિકોની હત્યા થઇ હોવાનો રિપોર્ટ પણ રજૂ કર્યો છે.
  • ઝિમ્બાબ્વેના નાગરિકોએ કહ્યું કે, નાનગાંગ્વાએ સત્તામાં આવતા પહેલાં સમૃદ્ધ દેશનો વાયદો કર્યો હતો. પરંતુ હાલમાં જે પ્રકારે હિંસા થઇ રહી છે તે આખા દેશ માટે શરમજનક બાબત છે.
કોણ છે એમર્સન નાનગાંગ્વા?

75 વર્ષીય એમર્સન નાનગાંગ્વા એટલે કે, ક્રોકોડાઇલ પૂર્વ સરમુખત્યાર રોબર્ટ મુગાબેનો અમલદાર હતો. જેણે મુગાબેને સત્તામાં લાવવા માટે ઘણાં ફેરફારો કર્યો હતો. 1980માં ઝિમ્બાબ્વેની આઝાદી બાદ ક્રોકોડાઇલ હાઇ કેબિનેટ મિનિસ્ટર બન્યો હતો. 2014માં તેને ઝિમ્બાબ્વેનો વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યો હતો. નવેમ્બર 2017માં મુગાબેએ નાનગાંગ્વાને પદભ્રષ્ટ કર્યો, ત્યારબાદ તેને દેશ છોડવો પડ્યો હતો. નાનગાંગ્વાએ પોતાના જીવને જોખમ હોવાનું નિવેદન આપી દેશ છોડી દીધો હતો.

નાનગાંગ્વાએ દેશ છોડ્યા બાદ આર્મીએ મુગાબેને તેના જ ઘરમાં નજરકેદ બનાવી દીધો હતો. ત્યારબાદ નાનગાંગ્વા ઝિમ્બાબ્વેમાં પરત ફર્યો. જ્યાં ઝાનુ-પીએફ પાર્ટી અને પાર્લામેન્ટે મતદાન બાદ નાનગાંગ્વાને પ્રેસિડન્ટ બનાવ્યો હતો.

હાલ ઝિમ્બાબ્વેમાં જે પ્રકારે હિંસા થઇ રહી છે તે જોતા ‘પ્રેસિડન્ટ પોતાની સત્તાને બચાવવા માટે નિર્દોષ નાગરિકોના લોહી વહાવી રહ્યો છે’ તેવા આરોપો કરવામાં આવ્યા છે.

રાજધાની હરારેની સૌથી મોટી હોસ્પિટલે કહ્યું કે, હવે શબઘરમાં પણ જગ્યા બચી નથી. જ્યારે પ્રેસિડન્ટના પ્રવક્તા જ્યોર્જ ચારાંમ્બાએ આ હિંસા માટે વિરોધ પક્ષ મૂવમેન્ટ ફોર ડેમોક્રેટિક ચેન્જ (MDC)ને જવાબદાર ઠેરવ્યો છે.

ચારાંમ્બાએ કહ્યું કે, એમડીસીના લીડર્સ સતત ગત વર્ષના મતદાન રિઝલ્ટને નકારી સડકો પર હિંસાત્મક વિરોધની ધમકી આપતા રહ્યા છે.

લોકો પર શિકારી કૂતરાંઓ છોડવામાં આવ્યા

ઝિમ્બાબ્વેની હ્યુમન રાઇટ્સ એનજીઓ ફોરમના રિપોર્ટ અનુસાર, દેશમાં 844 ધારાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઉપરાંત દેશમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને જામીન નથી આપવામાં આવતા.

ઝિમ્બાબ્વે એસોસિએશનના હ્યુમન રાઇટ્સના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, 172 લોકોનાં ઇલાજ કરવામાં આવ્યા છે, જેમાંથી 68 લોકોને ગોળી વાગવાથી ઇજા થઇ હતી. અન્ય ઇજાઓમાં પોલીસ કસ્ટડીમાં લોકોને કૂતરાંએ બચકાં ભર્યા હોવાથી ઉંડા ઘા થયા હતા. અન્ય લોકોને લાકડીઓ અને ચામડાનાં ચાબૂકથી માર મારવામાં આવ્યો હતો.

સરકારની આ કાર્યવાહીમાં જાણીતા પાદરી અને એક્ટિવિસ્ટ ઇવાન માવારીરની પણ ધરપકડ કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે, છેલ્લાં 20 વર્ષથી તેઓ સરકારના ‘આતંકવાદ’નો શિકાર બની રહ્યા છે.

નાગરિકોનો રોષ એવા સમયે વધી ગયો જ્યારે આર્મીએ 22 વર્ષીય કેલ્વિન તિનાશ નામના કિશોરને પહેલાં ઢોર માર મારી, માથામાં ગોળી મારી હતી. તેના મૃતદેહને પોલીસ સ્ટેશનની બહાર ફેંકી દીધો હતો.

ટોપ ડિપ્લોમેટ્સે સરકાર અને નાગરિકો વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી હતી. પરંતુ સરકારે નાગરિકો સામે થતાં અત્યાચારના સવાલો બાદ ડિપ્લોમેટ્સ ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

મુગાબે કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ

ઝિમ્બાબ્વે નવેમ્બર 2017થી રોબર્ટ મુગાબેની હાર બાદ નવા અને શ્રેષ્ઠ દેશની રાહ જોઇ રહ્યું છે. રોબર્ટ મુગાબેના 37 વર્ષના તાનાશાહી દરમિયાન અહીં ભૂખમરાંની સ્થિતિ હતી. નાનગાંગ્વા સત્તામાં આવ્યા બાદ પણ અહીં સ્થિતિ હજુ પણ એવી જ છે.

મૂવમેન્ટ ફોર ડેમોક્રેટિક ચેન્જના લીડર નેલ્સન ચમિશાના જણાવ્યા અનુસાર, હાલ ઝિમ્બાબ્વેની સ્થિતિ મુગાબેના સમય કરતાં પણ ખરાબ છે. નાનગાંગ્વા નવા કપડાંમાં જૂના શિયાળ છે. તેઓ હ્યુમન રાઇટ્સનો દુરૂપયોગ અને આતંરિક વિસ્થાપનાના એ જ જૂના નિયમોનું અમલીકરણ કરી રહ્યા છે. તેઓ વિશ્વને એવું કહી રહ્યા છે કે, હવે ઝિમ્બાબ્વે વેપાર માટે તૈયાર છે, પરંતુ તેઓ ડમી વસ્તુઓનું જ વેચાણ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular