ટેલિવિઝન ડેસ્કઃ ‘ધ કપિલ શર્મા શો’ના મેકર્સ આ વખતે શોને સુપરહિટ કરવા અથાગ મહેનત કરી રહ્યા છે. શોના વિવિધ એપિસોડમાં સારા કન્ટેન્ટ સાથે તેઓ દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મહેમાન તરીકે પણ બોલાવી રહ્યા છે. આ શોમાં આવતા મહેમાનોના લિસ્ટમાં હવે ત્રણ નવાં નામ ઉમેરાઈ ગયાં છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન આ શોમાં એકસાથે જોવા મળશે અને તેઓ કપિલ અને તેની ટીમ સાથે મળીને પ્રેક્ષકોનું મનોરંજન કરશે. જો કે, આ સદાબહાર અભિનેત્રીઓનો આ એપિસોડ ક્યારે ટેલિકાસ્ટ થશે તેની જાહેરાત થઈ નથી.
કૃષ્ણા અભિષેકે શેર કર્યો ફોટો
શોમાં ‘સપના’નો રોલ ભજવતા કૃષ્ણા અભિષેકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘આજે પણ અમે આ ત્રણ અભિનેત્રીઓ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. આ એપિસોડમાં અમે બહુ ધમાલ મચાવી છે અને તેમને જે ટ્રિબ્યુટ આપી છે તે શ્રેષ્ઠ છે.’
https://www.instagram.com/p/Bva6AN8HCn1/?utm_source=ig_embed
આ એપિસોડમાં વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન તેમના જીવનના ઘણાં પાસાઓ પ્રેક્ષકો સાથે શેર કરશે. આટલું જ નહીં, આ ત્રણેયને ટ્રિબ્યુટ આપવા માટે કૃષ્ણા, ભારતી અને સુમોના આ અભિનેત્રીઓના ફિલ્મી ગેટઅપમાં જોવા મળશે.
શોમાં આવ્યા છે અનેક કલાકારો
આ વખતે કપિલના શોમાં 1983ની વિશ્વકપ વિજેતા ટીમ પણ જોવા મળી હતી. આ સિવાય, લેખક સલીમ ખાન, પ્રાદેશિક ફિલ્મોના હીરો, ગાયક પણ શોમાં દેખાયા છે. કપિલના શોએ લાંબા સમય પછી કમબેક કર્યું છે અને આ શો અત્યાર સુધી પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં સફળ પણ રહ્યો છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે બોલિવૂડની આ ત્રણ સદાબહાર અભિનેત્રીઓએ કપિલના શો પર આવીને કેટલી ધમાલ મચાવી છે.