ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકા નજીકના ભવિષ્યમાં ભારતને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર પ્રસ્તાવ મુકી શકે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની વચ્ચે રશિયાની S-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદવા પર સમજૂતી થઇ હતી. તેની સામે નારાજગી વ્યક્ત કરતા અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી હતી. જો કે, હવે અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે પોતાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને રશિયાના S-400ના વિકલ્પ તરીકે રજૂ કરી છે.
પ્રતિબંધ દુર્ભાગ્યપૂર્ણ હશેઃ અમેરિકા
અમેરિકાના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર રેન્ડલ શ્રાઇવરે બુધવારે પાર્લામેન્ટરી કમિટીની સામે જણાવ્યું કે, અમેરિકા ભારત પર કોઇ પણ પ્રકારના પ્રતિબંધ લગાવવા નથી ઇચ્છતું. પ્રતિબંધ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હશે, કારણ કે ભારત મોટાંપાયે અમેરિકાના સહયોગી દેશી તરીકે સામે આવી રહ્યું છે. રેન્ડલ અનુસાર, આ સ્થિતિને પહોંચી વળવા માટે ભારતે રશિયન S-400ના વિકલ્પ તરીકે અમેરિકન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો પ્રસ્તાવ મુકીશું.
ઇન્ડો-પેસિફિક કમાન્ડમાં તહેનાત કમાન્ડર એડમિરલ ફિલિપ ડેવિડસને પણ ભારત-અમેરિકાની વચ્ચે ડિફેન્સ ખરીદી પર ભાર મુક્યો હતો. તેઓએ કહ્યું કે, હું હંમેશાથી એ પક્ષ મુકતો આવ્યો છું કે, અમેરિકા ટેક્નિકલ ખરીદીથી ભારત સાથે અમારી પરસ્પર સક્રિયતા અને અનુકૂળતા સતત વધશે.
શું છે કાટ્સા કાયદો?
હકીકતમાં, અમેરિકા કાટ્સા કાયદા હેઠળ પોતાના દુશ્મનથી હથિયાર ખરીદનારા દેશો પર પ્રતિબંધ લગાવી શકે છે. આ હિસાબે ભારત પણ રશિયા પાસેથી હથિયાર ખરીદવા માટે પ્રતિબંધોના દાયરામાં આવી શકે છે. પરંતુ અમેરિકા અને ભારતની વચ્ચે ડિફેન્સ ખરીદી ઘણી વધી છે. જેના કારણે તેઓ ભારતને પ્રતિબંધ લગાવવાથી બચાવવા ઇચ્છે છે.
રશિયા પાસેથી સબમરિન લીઝ પર લેશે
હિંદ મહાસાગરમાં ચીનના વધતા જતા હસ્તક્ષેપને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ સતત પોતાનું વર્ચસ્વ અને તાકાત વધારી રહ્યું છે. આ મહિને ભારત અને રશિયાની વચ્ચે 21 હજાર કરોડ રૂપિયાની પરમાણુ શક્તિવાળી સબમરિનની લીઝ ડીલ સાઇન થઇ છે. જે હેઠળ રશિયા 2025 સુધી ભારતને એક પરમાણુ શક્તિ સંપન્ન સબમરિન આપશે. 10 વર્ષની લીઝ પર મળનારી આ સબમરિનને ચક્ર-3 નામ આપવામાં આવ્યું છે.
ચીનના કારણે ભારતના નેતૃત્વનું સમર્થન
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ચીનની વધતી ગતિવિધિઓના કારણે પોતાની હિંદ-પ્રશાંત નીતિમાં ભારતને વધારે મહત્વ આપવાનું શરૂર કર્યુ છે. પેન્ટાગન રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, હિંદ મહાસાગર અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષા માટે અમેરિકા ભારત સાથે સહયોગ વધારશે. અમેરિકા આ ક્ષેત્રમાં દરેક પ્રકાર ભારતના નેતૃત્વનું સમર્થન કરશે.