Friday, April 26, 2024
Homeલોકસભા 2019 : વિપક્ષના વિરોધ વચ્ચે ECનો ખુલાસો, આખો રમઝાન મહિનો ચૂંટણી...
Array

લોકસભા 2019 : વિપક્ષના વિરોધ વચ્ચે ECનો ખુલાસો, આખો રમઝાન મહિનો ચૂંટણી ટાળી ન શકીએ

- Advertisement -

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી જાહેરાત થતાં જ પક્ષ-વિપક્ષની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. અમુક વિપક્ષે હાલ જનતા પર કેન્દ્ર સરકારનો પ્રભાવ હોવાથી આ સમયે લોકસભા ચૂંટણી તારીખો જાહેર થઈ હોવાનો આરોપ લગાવી રહી છે જ્યારે અમુક પક્ષ દ્વારા પવિત્ર મહિના રમઝાન દરમિયાન વોટિંગ કરીને તેને રાજકીય કાવતરુ ગણાવી રહી છે. તેનું એક કારણ એવું છે કે, કુલ 543માંથી 169 લોકસભા સીટ પર રમઝાન દરમિયાન વોટિંગ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીની મોટાભાગની સીટો પર છેલ્લાં ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. આ વિશે વિપક્ષના સતત હોબાળા વચ્ચે ચૂંટણી પંચે ખુલાસો કરવો પડ્યો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, રમઝાન તો આખો મહિનો હોય છે. આ સંજોગોમાં એક મહિના સુધી ચૂંટણી ન ટાળી શકીએ. તેથી ચૂંટણીની તારીખો નક્કી કરતી વખતે ઈદનો તહેવાર અને જુમ્માને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

રમઝાનમાં થશે વધારે મતદાન- ઓવૈસી

બીજી બાજુ એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, રમઝાન દરમિયાન મુસ્લિમો બાકી અન્ય કામ પણ કરતાં જ હોય છે. તેવી જ રીતે તેઓ ચૂંટણીમાં પણ ભાગ લેશે અને આ પવિત્ર મહિનામાં વધારે મતદાન થશે.

ઈસ્લામિક સ્કોલરે વિરોધ નોંધાવ્યો
  • ઈસ્લામિક સ્કોલર અને લખનઉ ઈદગાહના ઈમામ અને શહરકાઝી મૌલાના ખાલિદ રશીદ ફિરંગીએ 6 મેથી 19મે દરમિયાન થનારી ચૂંટણી વિશે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, 5 મેથી મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો છે. જો ચાંદ દેખાઈ જશે તો 6 મેથી રોઝા શરૂ થઈ ગયા છે. તેમણે કહ્યું છે કે, રોઝા દરમિયાન દેશમાં 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થવાનું છે. જેનાથી દેશના કરોડો રોઝા રાખનાર લોકો પરેશાન થશે. જોકે ચૂંટણીની તારીખો જાહેર કરતાં સીઈએ સુનીલ અરોરાએ કહ્યું હતું કે, પર્વ-તહેવારોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવે છે.
  • મૌલાના ખાલિદ રશીદ ફિરંગીએ એવું પણ કહ્યું છે કે, ચૂંટણી પંચે દેશના મુસ્લિમોને ધ્યાનમાં રાખીને ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરવો જોઈએ. તેમણે ઈલેક્શન કમિશન પાસે માંગણી કરી છે કે તેઓ 6,12 અને 19મેના રોજ થનારા મતદાનની તારીખ બદલવાનો વિચાર કરે.
ચૂંટણી પર શું અસર થઈ શકે છે
માનવામાં આવે છે કે, દેશના ત્રણ મોટા રાજ્યો યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં રમઝાન દરમિયાન વોટિંગમાં ખૂબ માઠી અસર જોવા મળશે. આ ત્રણ રાજ્યમાં મુસ્લિમોની સંખ્યા વધારે હોવાની સાથે સાથે તે વર્ગ નિર્ણાયક ભૂમિકામાં પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ ત્રણેય રાજ્યોમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે.
ત્રણ મોટા રાજ્યોમાં રમઝાન દરમિયાન મતદાન
  • ઉત્તર પ્રદેશમાં 6મેના રોજ પાંચમા તબક્કે કુલ 14 સીટ પર, 12મેના રોજ છઠ્ઠા તબક્કામાં 14 સીટ અને 19મેના રોજ સાતમાં તબક્કામાં 13 સીટ પર મતદાન રાખવામાં આવ્યું છે. આમ રમઝાન દરમિયાન કુલ 41 સીટ પર મતદાન રાખવામાં આવ્યું છે.
  • બિહારમાં 21 સીટ પર રમઝાન દરમિયાન મતદાન રાખવામાં આવ્યું છે. 6 મેના રોજ 5 સીટ માટે, 12 મેના રોજ 8 સીટ માટે અને 19 મેના રોજ 8 સીટ પર મતદાન રાખવામાં આવ્યું છે. આમ બિહારમાં 40માંથી 21 સીટ પર રમઝાન મહિના દરમિયાન મતદાન રાખવામાં આવ્યું છે.
  • પશ્ચિમ બંગાળમાં કુલ 42 લોકસભા સીટ છે. અહીં 6 મેના રોજ 7 સીટ માટે, 12 મેના રોજ 8 સીટ માટે અને 19 મેના રોજ9 સીટ પર મતદાન રાખવામાં આવ્યું છે. આમ, 24 સીટ પર રમઝાન દરમિયાન મતદાન રાખવામાં આવ્યું છે. આ સિવાય દિલ્હીમાં દરેક સાત સીટ પર 12 મેના રોજ મતદાન થવાનું છે.
ત્રણ રાજ્યોનું રાજકીય સમીકરણ
  • નોંધનીય છે કે, બિહારમાં 17 ટકા મુસ્લિમ છે, યુપીમાં 20 ટકા અને પશ્ચિમ બંગાળમાં 27 ટકા વસતી મુસ્લિમની છે. આ ત્રણેય રાજ્યોના રાજકીય સમીકરણ જોવામાં આવે તો યુપીમાં 2014 લોકસભા ચૂંટણીમાં એક તરફી 71 સીટ પર જીત મળી હતી. જ્યારે આ ચૂંટણીમાં સંજોગો અલગ છે. સપા-બસપા એક સાથે આવી ગયા છે. તેથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, બીજેપી વિરુદ્ધ દલિત અને મુસ્લિમ-યાદવ મતદારો એક જૂથ થઈ શકે છે.
  • બિહારમાં પણ લાલુ પ્રસાદ યાદવની આરજેડીએ કોંગ્રેસ, આરએલએસપી અને જીતનરામ માંઝીને એક જૂથ કરી દીધા છે. જેથી બીજેપી-જેડીયુ ગઠબંધન માટે પડકાર વધી ગયો છે. પશ્ચિમ બંગાળમાં તૃમણૂલ કોંગ્રેસ નેતા મમતા બેનરજીનું એક હથ્થુ શાસન છે. 2014માં મોદી લહેર હોવા છતાં ટીએમસીએ અહીં 42માંથી 34 સીટ જીતી હતી.
ટીએમસી નેતાએ સવાલ ઉઠાવ્યા
કોલકાતાના મેયર અને ટીએમસી નેતા ફરહાદ હકીમે કહ્યું કે, બિહાર, યુપી અને બંગાળમાં સાત તબક્કામાં મતદાન થાવનું છે અને આ ત્રણ રાજ્યોમાં અલ્પ સંખ્યકોની વસતી ખૂબ વધારે છે. તેમણે કહ્યું કે રોઝા દરમિયાન મતદાન રાખવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ વિશે ધ્યાન રાખવું જોઈએ. ફરહાદ હકીમે એવો પણ આરોપ લગાવ્યો છે કે, બીજેપી નથી ઈચ્છતી કે અલ્પ સંખ્યક મતદાન કરે.
AAP ધારાસભ્યએ કહ્યું- BJPને થશે ફાયદો
મુસ્લિમ ધર્મગુરુ સિવાય દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અને ઓખલા વિધાનસભા સીટના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને પણ રમઝાન દરમિયાન મતદાન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, આનો સીધો ફાયદો બીજેપીને થશે. અમાનતુલ્લાહે આ વિશે ટ્વિટ કરીને કહ્યું છે કે, 12 મેનો દિવસ હશે, દિલ્હીમાં રમઝાન હશે, મુસ્લિમો મતદાન ઓછું કરશે તેનો સીધો ફાયદો બીજેપીને થશે.
આ રાજ્યોમાં પણ રમઝાન દરમિયાન થશે મતદાન
રસપ્રદ વાત એ છે કે, ત્રણ મોટા રાજ્યો યુપી, બિહાર અને બંગાળની અડધા કરતા વધારે સીટો પર છેલ્લા ત્રણ તબક્કામાં રમઝાન દરમિયાન મતદાન થવાનું છે. તે સિવાય રાજસ્થાનની 12 સીટ, મધ્યપ્રદેશની 23, ઝારખંડની 11, હરિયાણાની 10 સીટ, જમ્મુ-કાશ્મીરની 2, પંજાબની 13, ચંદીગઢ અને હિમાચલની 4 સીટ ઉપર પણ રમઝાન દરમિયાન મતદાન થવાનું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular