Friday, March 29, 2024
Homeવડોદરામાં 112 ક્લાસ સીલ, વીજ કનેક્શન કપાયાં
Array

વડોદરામાં 112 ક્લાસ સીલ, વીજ કનેક્શન કપાયાં

- Advertisement -

વડોદરા : શહેરના ફાયર બ્રિગેડ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શનિવારે પાંચ ટીમ બનાવી સવારથી ટ્યૂશન ક્લાસનું આકસ્મિક ચેકિંગ હાથ ધરી ફાયર NOC વગરના 112 ક્લાસને સીલ મારવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ સાથે MGVCLની મદદથી તમામ ક્લાસનાં વીજ જોડાણ કાપ્યાં હતાં.

ધો. 12 કોમર્સના રિઝલ્ટને દિવસે વિદ્યાર્થીઓ એડમિશન માટે લાઇન લગાવતા હોય છે.પરંતુ આજે આથી વિપરીત ટ્યૂશન ક્લાસસંચાલકો બદામડી બાગ ફાયર NOC માટે ફોર્મ ભરવા લાઇન લગાવેલા નજરે પડ્યા હતા. અગાઉ 152 ટ્યૂશન ક્લાસને માત્ર નોટિસ આપી સંતોષ માનનાર ફાયર બ્રિગેડે આજે વીજજોડાણ કાપતાં હડકંપ મચ્યો હતો.

પોલીસની ગાડી જોઇને ગુનેગાર ભાગે તેમ ફાયર બ્રિગેડની ગાડી જોઇને ટ્યૂશન ક્લાસ સંચાલકો શટર પાડીને ભાગતા હતા. જે પકડાયા તેમનાં ફાયર સાધનો ચેક કરાયાં હતાં.ફાયર સાધનો હોવા છતાં NOC ના લીધી હોય તેમને વીજજોડાણ કાપી NOC લેવા સૂચન કરાયાં હતાં. જ્યારે કેટલાક સંચાલકો તાળાં મારી રવાના થઇ જતાં દીવાલ પર નોટિસ લગાવી હતી. આ સાથે ક્લાસ રૂમ જો સાંકડો હોય અને વેન્ટિલેશન યોગ્ય ન હોય તો જરૂરી ફેરફાર કરવા આદેશ કરાયો હતો.

SSGમાં જોવા મળેલી 3 મુખ્ય ક્ષતિ
બિલ્ડિંગમાં ઉપરના માળે પાણી જ પહોંચતું નથી, આગ બુઝાવવા કોઈ વ્યવસ્થા જ નથી
ફાયર એલાર્મ ન હોવાના કારણે લોકોને દુર્ઘટના અંગે જાણ કરી શકાય નહીં
જૂની બિલ્ડિંગમાં વેન્ટિલેશન ન હોવાના કારણે આગ લાગે તો ધુમાડા બહાર ન નિકળે તો લોકો ગુંગળાઈ જાય

તો સુરત કરતાં પણ મોટી દુર્ઘટના SSGમાં સર્જાઈ શકે
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી બાબતે તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવાતાં બિલ્ડિંગમાં જો આગની ઘટના બને તો સુરત કરતાં પણ વધુ ખતરનાક દુર્ઘટના સર્જાઇ શકે તેમ છે. આ બાબતની તમામ જાણકારી સરકારી તંત્ર પાસે છે પરંતુ અગમ્ય કારણસર તેના તરફ કોઇ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી અને સુરતની ઘટના બાદ સફાળા જાગેલા કોર્પોરેશને આજે સયાજી હોસ્પિટલને ચાર દિવસમાં ફાયર સેફ્ટીની કાર્યવાહી પૂરી કરવા મહેતલ આપી હતી.

બે વર્ષ પહેલાં હોસ્પિટલ દ્વારા ફાયર NOCની માંગણી કરવામાં આવી હતી પરંતુ ફાયર સેફ્ટીના નિયમોનું હોસ્પિટલમાં પાલન કરવામાં આવ્યું ન હોવાના કારણે ફાયર બ્રિગેડ દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી હતી. અરજી નામંજૂર થતાં હોસ્પિટલ દ્વારા જે તે સમયે પ્રોવિઝનલ NOC મેળવવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં ફાયર સેફ્ટીના નોર્મ્સ પૂરા કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

પરંતુ ત્યાર બાદ હોસ્પિટલ દ્વારા ફાયર સેફ્ટી બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે હોસ્પિટલમાં હજારો દર્દીઓ અને તેમનાં સગાં સબંધીઓના જીવન સાથે ગંભીર ચેડાંઓ થઇ રહ્યાં હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સયાજી હોસ્પિટલમાં અંદાજે 800થી વધુ ઇન્ડોર પેશન્ટ હોય છે અને બે હજારથી વધુ આઉટડોર પેશન્ટ આવે છે. દર્દીનાં સગાં સંબંધીઓની વાત કરીએ તો કેમ્પસમાં રોજ સાત હજારથી વધુ લોકોની સતત અવરજવર રહે છે.જો તંત્ર દ્વારા ફાયર સેફ્ટી બાબતે ધ્યાન આપવામાં નહીં આવે અને આગ જેવી દુર્ઘટના સર્જાય શકે તેમ છે.

મ્યુ. કમિશનરની આરોગ્ય વિભાગને ચીમકી, તાત્કાલિક SSGમાં કાર્યવાહી કરો

સયાજી હોસ્પિટલમાં ગંભીર સ્થિતિ સર્જાઇ શકે તેમ હોવાના કારણે મ્યુ.કમિશનર અજય ભાદુએ આજે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓને ફોન કરી જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ફાયર સેફ્ટી બાબતે જે ક્ષતિઓ છે તે ચાર દિવસમાં પૂરી કરો. જો તમારા તરફથી કાર્યવાહી નહીં થાય તો પછી હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટ્યૂશન ક્લાસ, દવાખાનાં અને રેસ્ટોરામાં NOC ના હોય તો વીજજોડાણ કાપો: જિલ્લા કલેક્ટર
બીજી તરફ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે શનિવારના રોજ શહેર અને જિલ્લામાં ફાયર સેફ્ટિ મામલે કલેક્ટર કચેરીમાં બેઠક બોલાવી હતી. જિલ્લા કલેક્ટરેએ શહેર- જિલ્લામાં તાત્કાલિક ટ્યૂશન ક્લાસીસ,દવાખાનાંઓ અને રેસ્ટોરાં જેવી સંસ્થાઓમાં અગ્નિ શમન સુરક્ષાની વ્યવસ્થાઓની ચકાસણી કરવા સૂચના આપી હતી.

આ દરમિયાન ફાયર સેફ્ટિની વ્યવસ્થાઓનો અભાવ કે ખામી જણાય તેમજ યોગ્ય NOC લેવામાં ના આવી હોય તો વીજજોડાણ કાપવા સહિતનાં જરૂરી પગલાં લેવાના આદેશ પણ આપ્યા હતા. કલેક્ટર દ્વારા શહેર-જિલ્લામાં બિનઅધિકૃત બાંધકામોની ઓળખ કરી તેની સામે પણ જરૂરી કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

જાહેરનામાનો ભંગ થાય તો FIR કરવા ચીમકી

વડોદરા. 25 મેથી 23 જુલાઇ સુધી તમામ ટ્યૂશન ક્લાસીસ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવાયો છે. મકરપુરા અને માંજલપુર પોલીસે ટયુશન ક્લાસના સંચાલકોની મિટીંગ બોલાવી જાણકારી પણ આપી હતી કે જે સંસ્થા ફાયર સેફ્ટીના પુરાવા રજૂ કરશે અને સાધનો વસાવશે તેમને જ મંજૂરી આપવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનારા ટ્યૂશન ક્લાસના સંચાલકો સામે એફઆઇઆર કરાશે.

ક્લાસ સંચાલકો સાથે પોલીસે બેઠક યોજી
વડોદરા શહેરના 350થી વધુ ખાનગી કોચિંગ કલાસીસના સંગઠન બરોડા એકેડેમિક એસોસિયેશન દ્વારા તમામ ખાનગી કોચિંગ ક્લાસીસ સીલ કરવાના શરુ થતા તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિ. કમિશ્નરને મળીને 23 જુલાઈ સુધી તમામ ક્લાસીસ બંધ રાખવાના જાહેરનામાને લઈને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેમ હોઈ અન્ય કોઈ રસ્તો શોધવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

વીજકંપનીને તાકીદ: ટ્રાન્સફોર્મર ડીપીનો રિપોર્ટ 15 દિવસમાં આપો

સુરતની ગોઝારી ઘટનાનું પુનરાવર્તન વડોદરામાં ના બને તે માટે ઇલેક્ટ્રિક ઇન્સ્પેકટરની કચેરીએ વીજપુરવઠાનું વિતરણ કરતી ડીસ્કોમ અને એમજીવીસીએલ કંપનીને પંદર દિવસમાં ટ્રાન્સફોર્મર અને ડીપીની સ્થિતિનો રિપોર્ટ રજૂ કરવાની લેખિતમાં તાકીદ કરી છે.

નડતરરૂપ, ભીડને ભાડવાળા વિસ્તારને પ્રાધાન્યતા
વડોદરા શહેરમાં જ 7900 ડીપી આવેલા છે અને તેની ફરતે ફેન્સિંગ કરવાની કવાયત હવે કરવામાં આવશે અને તેના માટે રાજ્યના ઉર્જા વિભાગે વીજકંપનીને જાણ પણ કરી છે. મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાની જવાબદારી સંભાળતા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર વિજય પુરોહિતે સૌથી વધુ અવરજવરવાળા,ભીડભાડવાળા,શાકમાર્કેટ,મોલ,મલ્ટિપ્લેકસ,થિયેટર,સ્કૂલની નજીક આવેલા ડીપી-ટ્રાન્સફોર્મર સુરક્ષિત છે કે તેની ચકાસણી કરી રિપોર્ટ આપવા માટે ડીસ્કોમ-એમજીવીસીએલના ચીફ એન્જિનિયરને લેખિતમાં સૂચના આપી છે. જેમાં, કયા ટ્રાન્સફોર્મરમાંથી ક્ષમતા કરતાં વધુ વીજભાર છે અને જો હોય તો શું પગલાં લીધાં ? એલટીબી ખુલ્લા હોય તો તેની ફરતે ફેન્સિંગ કરાયું છે કે કેમ ? સહિતની કાર્યવાહી સત્વરે કરવાની પણ ટકોર કરવામાં આવી છે.

ફાયર ફાઇટિંગ ! 3 નિર્ણય લેવાયા

1 ફાયરના અધિકારીને હવે બઢતી અપાશે
વડોદરા ફાયર બ્રિગેડમાં હાલ ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ ઇન્ચાર્જ અધિકારી દ્વારા ચાલે છે . તેમજ નવા ફાયર ઓફિસરની ભરતી માટે અધિકારીઓમાં કચવાટ જોવાય છે. ફાયર બ્રિગેડમાં હાલ સક્ષમ અને અનુભવી ફાયર ઓફિસર છે. પરંતુ તેમને કેટલાય સમયથી પ્રમોશન અપાયાં નથી. જેથી મ્યુ. કમિશ્નર અજય ભાદુએ એક સપ્તાહમાં ડે. ફાયર ઓફિસર તરીકે સ્ટાફના અધિકારીને બઢતી આપવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરવાનું જણાવ્યું હતું.

2 સિટી ફાયર ઓડિટ રિપોર્ટ મુજબ પગલાં લેશે
દિલ્હીની એજન્સી દ્વારા સમગ્ર શહેરનુ ફાયર સર્વે કરવામાં આવશે. જે અંગે મ્યુ.કમિશ્નરના જણાવ્યા મુજબ આગામી દોઢ મહિનામાં રિપોર્ટ આવી જશે. સર્વેમાં શહેરમાં કેટલા ફાયર સ્ટેશનની જરૂરત છે સહિતના રિપોર્ટ બાદ નવુ આયોજન થશે. સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ મહેકમ પણ ભરાશે.
હાલ 17 ફાયર સ્ટેશન જરૂરી છે, હાલ સાત છે. નવા ત્રણ બની રહ્યા છે. આવતા વર્ષે બીજા બનાવવા આયોજન છે. ખુટતી વસ્તુ ની પૂર્તતા કરવા પ્રયાસ હાથ ધરાશે. નવા ટેન્ડર થશે

3 હવે માત્ર એક જ દિવસમાં NOC આપશે
ટ્યુશન ક્લાસ સંચાલકો દ્વારા ફાયર બ્રીગેડ સમય બગાડતા હોવાની અને વારંવાર ધક્કા ખાવા છતા NOC નહી આપ્યા હોવાની કલાસના સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.પાણીગેટના ક્લાસ સંચાલકોએ પોતે દોઢ વર્ષથી એપ્લાય કર્યુ હોવા છતા NOC નથી આપી તેઓ આક્ષેપ કર્યો હતો. જે અંગેફાયર બ્રીગેડ દ્વારા હવેથી માત્ર એક દિવસ માં ફાયર NOC અપાસે અને રવિવારે પણ ઓફિસ કાર્યરત રાખવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

90 મીટરની હાઇડ્રોલિક એલિવેટેડ લેડર જોઈશે
શહેરમાં 23 માળની ઇમારત બનાવવા મંજુરી અપાઇ છે. શહેરમાં હાલમાં 14 માળથી વધુ ઉંચી ઇમારતો નથી અને તેમાં આગ સહિતની દુર્ઘટનાને પહોંચી વળવા 30 અને 44 મીટરની ઉંચાઇની સ્નોરકેલ પાલિકા પાસે છે. ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખી 90 મીટરની સ્નોરકેલ વસાવવી પડશે. ફાયર બ્રિગેડમાં હાલ 196 જગા ખાલી પડી છે.

બેઝમેન્ટ અને રૂફટોપ હોટલ રેસ્ટોરન્ટ બંધ
પાલિકા દ્વારા સોમવારથી બેઝમેન્ટના અને રૂફટોપ પર બનાવેલા અનઅધિકૃત તમામ રેસ્ટોરન્સ બંધ કરાવાશે. સાથે પેકીંગ ગોડાઉન, દવાખાના અને અન્ય ફાયર સેન્સીટીવ સ્થળના ચેકીંગ કરાશે. આગામી બે દિવસમાં શહેરના ખાનગી દવાખાના સંચાલકોની બેઠક બોલાવી તેમને નિયમ મુજબ ફાયર સેફ્ટી અને વેન્ટિલેશન અંગે સુચના અપાશે.

સ્માર્ટ સિટીના ફાયર બ્રિગેડ પાસે ટાંચા સાધનો
શહેરમાં જો ફાયરની બે મોટી ઘટના બને તો વડોદરા ફાયર બ્રીગેડ વામણું પુરવાર થાય તેવા સંજોગો છે. ફાયર બ્રીગેડ પાસે મહેમક, સાધનો અને સ્ટેશનની કમી છે. 170 સ્કેવર કિ.મી.માં ફેલાયેલા શહેરમાં ફાયર બ્રીગેડ પાસે જરૂરી 17 ફાયર સ્ટેશન નથી. તેમજ મહેકમ માત્ર 267 છે. ફાયરના 70 ટકા સાધનો ખખડધજ હાલતમાં છે.

પ્રિ-પ્રાઇમરી સ્કૂલો માટે પણ ગાઇડલાઇન બનાવો
મકરપુરાના ફેડરેશન ઓફ વડોદરા રેસિડન્ટ્સ એસોસિયેશન દ્વારા કલેક્ટરને આવેદન આપી પ્લે-સેન્ટરો તેમજ પ્રિ-પ્રાઇમરી સ્કૂલો માટે પણ ફાયર સેફ્ટિ,પીવાના પાણી, યોગ્ય એર વેન્ટિલેશન સહિતની સુવિધા માટે ગાઇડલાઇન્સ બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular