યુટિલિટી ડેસ્કઃ 1 મે, 2019થી બેન્કિંગ ક્ષેત્રે ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે, જે તમારા રોજિંદા જીવન પર મોટી અસર કરશે. સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) બચત ખાતા સાથે જોડાયેલ નવા નિયમો રજૂ કરવા જઈ રહી છે. જ્યારે પંજાબ નેશનલ બેંક (PNB) પણ તેની ત્રણ વર્ષની જૂની સર્વિસ બંધ કરવા જઈ રહી છે. આ ઉપરાંત LPGની નવી કિંમતો 1લી મેના દિવસે જાહેર કરવામાં આવશે. તો ચાલો આ ફેરફારો વિશે વિસ્તૃતમાં જાણકારી મેળવી લઇએ.
SBI
નવા નાણાકીય વર્ષ 2019-20નો પ્રથમ મહીનો એટલે કે એપ્રિલ પૂરો થવા જઈ રહ્યો છે. SBI મે મહિનામાં એક મોટો નિયમ અમલમાં મૂકવા જઈ રહી છે. મે મહિનાથી આ બેંકની ડિપોઝીટ અને લોનનું વ્યાજ દર RBIના બેન્ચમાર્ક દર સાથે જોડવામાં આવશે. એટલે કે હવે RBIના રેપો રેટના દરમાં ફેરફાર થવાથી બેંકની થાપણો અને લોનના દરમાં પણ ફેરફાર લાવશે. આ નિયમ અમલમાં આવ્યા બાદ ગ્રાહકોને અગાઉની તુલનામાં સેવિંગ અકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે. 1 લાખ રૂપિયાથી વધુ ડિપોઝીટ અને લોનના વ્યાજદરો પર આ નિયમ લાગુ પડશે.
PNB
પંજાબ નેશનલ બેંક પોતાનું ડિજિટલ વોલેટ PNB Kitty 1લી મેથી બંધ કરવા જઈ રહી છે. આ બેંકે પોતાના ગ્રાહકોને જણાવી દીધું છે કે કિટીમાં પડેલા પૈસા 30 એપ્રિલ સુધી ક્યાં તો ખર્ચી નાખો અથવા તો IMPS દ્વારા પોતાના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લો. 1 મેથી તમારે PNB Kittyને બદલે કોઈ અન્ય વિકલ્પ અથવા વોલેટનો ઉપયોગ કરવો પડશે.
રેલવે
રેલવેમાં મુસાફરી કરનાર યાત્રીઓને 1લી મેથી નવી સુવિધા મળવાની છે. ટ્રેનનો ચાર્ટ બનવાના 4 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશન બદલી શકાશે. અત્યારે બોર્ટિંગ સ્ટેશન 24 કલાક પહેલાં જ બદલી શકાતું હતું. પરંતુ હવે તમે ટિકિટ બુક કરાવતા સમયે જે બોર્ડિંગ સ્ટેશન પસંદ કર્યું છે તે બદલવા માગો છો તો 4 કલાક પહેલાં પણ સરળતાથી બદલી શકાશે. જોકે, આ માટે એક શરત છે. જો બોર્ડિંગ સ્ટેશન બદલ્યું તો ટિકિટ કેન્સલેશન પર રિફંડ મેળવી શકાશે નહીં.
એર ઈન્ડિયા
એર ઈન્ડિયા 1લી મેથી ટિકિટ કેન્સલેશન પર કોઈ ફી વસૂલશે નહીં. ટિકિટ બુક કર્યાના 24 કલાકની અંદર તેમાં બદલાવ કરવા પર કે કેન્સલ કરવા પર કોઈ ચાર્જ નહીં વસૂલવાનો નિર્ણય એર ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યો છે. આ સેવા 1લી મેથી શરૂ થશે.
એલપીજી દર
દર મહિનાની જેમ 1લી મેથી રસોઈ ગેસ સિલિન્ડરની નવી કિંમત જાહેર થશે. અગાઉ 1 એપ્રિલના રોજ આ કિંમતમાં વધારો થયો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ વગર સબસિડીવાળા ગેસમાં 5 રૂપિયા પ્રતિ સિલેન્ડર વધાર્યા હતા. સબસિડીવાળા સિલેન્ડરની કિંમતમાં પણ 25 પૈસાનો વધારો નોંધાયો હતો.