અમરેલીના પ્રાઇમરી ટીચર પાસેથી 1.26 કરોડ, સાવરકુંડલા પાલિકાના ક્લાર્ક પાસેથી 1.33 કરોડની બેનામી સંપત્તિ મળી

0
0

પ્રાથમિક શાળાના શિક્ષક સહિત ચાર સરકારી કર્મચારીઓ પાસેથી કરોડોની અપ્રમાણસર મિલકતો એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ને મળી આવી છે. એસીબીની તપાસમાં અમરેલી જિલ્લાના બાલાની વાવ સરકારી પ્રાથમિક શાળાના વર્ગ-3ના શિક્ષક પાસેથી 1.26 કરોડની અપ્રમાણસર મિલકત મળી છે. સાવરકુંડલાની નગરપાલિકાના વર્ગ-3 ક્લાર્ક પાસેથી રૂ. 1.33 કરોડ, સેનેટરી ઇન્સ્પેક્ટર પાસેથી 1.85 કરોડની બેનામી સંપત્તિ ઉપરાંત જમીન વિકાસ નિગમના નિવૃત્ત અધિકારી પાસેથી પણ 1.15 કરોડની અપ્રમાણસર મિલકત મળી છે.

શીબાભાઈ વળિયા નિવૃત્ત ફિલ્ડ ઓફિસર, GLDC, (બેનામી સંપત્તિ 1.15 કરોડ)

ભાવનગરના રહેવાસી અને જમીન વિકાસ નિગમ (ભરૂચ)માંથી નિવૃત્ત ફિલ્ડ ઓફિસર શીબાભાઈએ 95.19 ટકા વધુ બેનામી સંપત્તિ ભેગી કરી છે. તેમની પાસેથી 1.15 કરોડની બેનામી મિલકત મળી છે.

રોહિતભાઈ શેખવા સેનેટરી ઇન્સ્પે., સાવરકુંડલા (બેનામી સંપત્તિ 1.85 કરોડ)

સાવરકુંડલાના સેનેટરી ઇન્સ્પેક્ટર રોહિત શેખવાએ આવક કરતાં 61.73 ટકા વધુ રકમનાં સાધનો અને મિલકતો વસાવી હોવાનું બહાર આવતાં તેમની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે.

કિશોરભાઈ શેખવા ક્લાર્ક, સાવરકુંડલા ન.પા. (બેનામી સંપત્તિ 1.33 કરોડ)

કિશોર શેખવા પાસેથી આવક કરતાં 49.73 ટકા વધુ બેનામી સંપત્તિ મળી છે. રાજ્ય સેવક તરીકે ગેરકાયદે કરોડોની જમીનો, મિલકતો અને સાધનો પોતાનાં તેમજ પરિવારજનોના નામે ખરીદ્યાં હતાં.

ભાભલુભાઈ વરુ સરકારી શિક્ષક, અમરેલી (બેનામી સંપત્તિ 1.26 કરોડ)

અમરેલીના બાલાનીવાવ ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાભલુ વરુએ આવક કરતાં 147.8% વધુ બેનામી મિલકત વસાવી છે. તેમની પાસેથી 1.26 કરોડની બેનામી મિલકત મળી છે.

આ વર્ષે 16 લોકો ઝપેટમાં આવ્યા

રાજ્યની લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની વિવિધ ટીમોએ ચાલુ વર્ષે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મળી કુલ 16 લોકો પાસેથી કુલ રૂ. 22 કરોડ 86 લાખ 95 હજારની અપ્રમાણસર મિલકતો ઝડપી છે. આ સાથે એસીબીએ અપ્રમાણસર મિલકત વિશે ટોલ ફ્રી નંબર 1064 અથવા 079-22866772 ફોન નંબરથી માહિતી આપવા પણ નાગરિકોને અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here