1.35 લાખની લાંચ લેતા દહેજ સ્પે. ઇકોનોમિક ઝોનના 2 અધિકારી સહિત 4 આરોપી ACBના હાથે ઝડપાયા

0
58
વડોદરા: સ્ક્રેપની કંપનીના માલિક પાસેથી ટેક્ષ ભરવા માટે બીલ ઓફ એન્ટ્રી કરવા માટે રૂપિયા 1.35 લાખની લાંચ લેતા દહેજ સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના બે અધિકારી અને બે વચેટીયાઓને વડોદરા એ.સી.બી.એ ઝડપી પાડ્યા છે. જ્યારે એક અધિકારી ફરાર થઇ જતાં તેની તપાસ શરૂ કરી છે.
ટેગા કંપનીમાંથી 150 ટન સ્ક્રેપની ખરીદી શરૂ કરાઇ હતી
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આદિત્ય એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીના માલિકો વિવિધ કંપનીઓમાંથી સ્ક્રેપ ખરીદીને વેચાણ કરે છે. આ કંપની દ્વારા પહેલી નવેમ્બર, 2018થી દહેજમાં આવેલી ટેગા કંપનીમાંથી 150 ટન સ્ક્રેપની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જે સ્ક્રેપ કંપનીમાંથી લઇ જવા માટે દહેજ સ્થિત સ્પે ઇકોનોમિક ઝોન (સેઝ)ની કચેરીમાંથી તમામ ટેક્ષ ભરવા માટે ટેક્ષ બિલ ઓફ એન્ટ્રી કરાવવાની હોય છે.
સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના અધિકારીઓએ લાંચની માંગણી કરી
સ્ક્રેપ લઇ જનાર કંપનીના માલિક પાસે સેઝના વર્ગ-2ના અધિકારી ગીતેષ હિરાભાઇ પરીખે (રહે. 328, કલ્પના સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા)  બીલ ઓફ એન્ટ્રી કરાવવા માટે 1 કિલો સ્ક્રેપના 90 પૈસા લેખે રૂપિયા 1,35,000 લાંચની માંગણી કરી હતી. તેમની સાથે તેઓના સાગરીત દિનેશકુમાર સુરીલકુમાર અગ્નીહોત્રી (રહે. બી-28, અંબિકાનગર, શક્તિનાથ સોસાયટી, ભરૂચ) પણ તેમની સાથે સંકળાયેલા હતા.
અધિકારીઓએ સ્ક્રેપની ગાડીઓ અટકાવી દીધી
અધિકારી ગીતેષ પરીખે કંપનીના માલિક પાસે લાંચની રકમ રૂપિયા 1.35 લાખ લેવા માટે સેઝમાં જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા રાકેશ સીતારા પ્રસાદ (રહે. એફ-703-ઘ, આર.કે. હેબીડેટ, ઝાડેશ્વર) અને સેન્ટ્રલ સ્પે ઇકોનોમિક ઝોન-2, દહેજમાં ફરજ બજાવતા મહેશકુમાર ઝા દ્વારા લાંચની રકમનો વ્યવહાર કરી જવા માટે અવાર-નવાર ફોન કરાવતો હતો. અને તેઓની સ્ક્રેપની ગાડીઓ અટકાવી દીધી હતી.
ફરાર સેન્ટ્રલ સેઝના અધિકારી મુકેશકુમાર ઝાની શોધખોળ શરૂ
સેઝના અધિકારીઓ અને તેમના વચેટીયાઓ દ્વારા લાંચની રકમની અવાર-નવાર કરવામાં આવી રહેલી ઉઘરાણીથી ત્રાસી ગયેલા કંપની માલિકે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે એ.સી.બી. વડોદરાના મદદનીશ નિયામક પી.એમ. પરમારના માર્ગદર્શન હેઠળ પી.આઇ. આર.એન. દવેએ સ્ટાફની મદદ લઇ વિકાસ આયુક્ત કાર્યલય, વાગરા ખાતે છટકું ગોઠવી સેઝના બે અધિકારીઓ ગીતેષ પરીખ, લાંચ સ્વીકારનાર રાકેશ પ્રસાદ તેમજ લાંચની રકમ લઇ ફરાર થઇ જનાર ખાનગી વ્યક્તિ મોહિત રામવિલાસ મિશ્રા (રહે. બી-28, અંબિકાનગર, શક્તિનાથ સોસાયટી, ભરૂચ) અને ખાનગી વ્યક્તિ દિનેશ અગ્નીહોત્રીની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થઇ ગયેલા સેન્ટ્રલ સેઝના અધિકારી મુકેશકુમાર ઝાની એ.સી.બી.એ શોધખોળ શરૂ કરી છે.
લાંચમાં વિલંબથી સ્ક્રેપની ગાડીઓ અટકાવતા હતા
વેપારી પાસે ઓથોરાઇઝ ઓફિસર સહિત ત્રિપુટીએ લાંચની ઉઘરાણી કર્યા બાદ નાણા આપવામાં વિલંબ થતાં વેપારીની સ્ક્રેપની ગાડીઓ અટકાવી દીધી હતી અને સતત લાંચની માગણી કરતા હતાં. વેપારીએ એસીબીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરતાં વડોદરા એસીબી પીઆઇ દવેએ છટકુ ગોઠવ્યું હતું.
વડોદરા અને ભરૂચમાં બંનેના ઘરે એસીબીની સર્ચ
લાંચના ગુનામાં પકડાયેલા ગિતેશ પરીખના વાઘોડિયા રોડ સ્થિત ઘરે એસીબીએ સર્ચ કરતાં ફર્નિચર, કાર સહિત રૂા. 14 લાખની અસ્કયામતો મળી હતી. આ ઉપરાંત રાકેશ પ્રસાદના ઝાડેશ્વર સ્થિત ઘરે સર્ચ કર્યું હતું. એસીબીની ટીમે ચારે આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે નામંજૂર કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here