મેઘરાજાની તોફાની બેટિંગ : સૌરાષ્ટ્રમાં 1થી 7 ઈંચ વરસાદ, વેરાવળમાં કેડસમા પાણી ભરાયા, આંબળાશ અને ડાભોર ગામ બેટમાં ફેરવાયું

0
0

ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી નદીઓ બેકાંઠે વહી રહી છે. જિલ્લાના અનેક ગામો અને શહેરની સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ગીર ઉપરવાસમાં ભારે વરસાદથી તાલાલાનું આંબળાશ ગામ બેટમાં ફેરવાયું છે. દેવકા નદીમાં ભારે પૂરના કારણે વેરાવળ શહેરની નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. વેરાવળની બિહારીનગર, શક્તિનગર, ગીતાનગર, વિઠ્ઠલવાડી સહિતની સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયા છે. તેમજ દેવકા અને ડાભોર ગામ પણ બેટમાં ફેરવાયું છે. રાજકોટ જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જસદણ પંથકમાં ધોધમાર વરસાદથી આલણસાગર ડેમ ઓવરફલો થતા ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આટકોટમાં વહેલી સવારે 3 ઈંચ જેટલો વરાસદ વરસ્યો હતો. તેમજ ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના વાસાવડમાં 3 ઈંચ વરસાદ વરસતા વાસાવડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. મોટા દડવાની ચારણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સૌરાષ્ટ્રમાં એક ઈંચથી 7 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જુનાગઢ જિલ્લામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે.

વેરાવળના ડાભોર ગામે કેડસમા પાણી ભરાયા
(વેરાવળના ડાભોર ગામે કેડસમા પાણી ભરાયા)

 

સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું

પ્રાચી તીર્થ સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા વેરાવળના ડાભોર રોડ, ધીવાલા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. તેમજ બીજ ગામના નીચાણવાળા ઘરોમાં પાણી ફરી વળ્યા છે. વેરાવળ શહેરમાં દેવકા નદીના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વેરાવળની ભાગોળે પસાર થતી દેવકા નદી બેકાંઠે વહી રહી છે. વેરાવળની બિહારીનગર, રઘુનંદન, શિક્ષક કોલોની. જીવનજ્યોત સહિતની સોસાયટીમાં ગોઠણડૂબથી કેડસમા પાણી ભરાયા છે. આ સોસાયટીમાં રહેતા લોકો આખી રાત ભયના ઓથાર હેઠળ રહ્યા હતા.

વેરાવળમાં ભારે વરસાદથી સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા
(વેરાવળમાં ભારે વરસાદથી સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા)

 

વેરાવળ નજીક ડાભોર ગામ બેટમાં ફેરવાયું

ગીર જંગલમાં ભારે વરસાદને લઈને ગીરના મોટાભાગના ડેમો ઓવરફલો થઈ રહ્યા છે. ત્યારે પાણીની આવક વધતા કોડીનારની શીંગવડા નદી પર જામવાળા ખાતે આવેલો શિંગોડા ડેમના 3 દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જામવાળા, ઘાટવડ, સુગાળા, છાછર, રોણાજ, કોડીનાર, મૂળ દ્વારકા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વેરાવળ નજીકનું ડાભોર ગામ બેટમાં ફેરવાયું છે. દેવકા નદીનું પાણી ગામમાં ફરી વળ્યું છે.

મોડીરાતથી ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી વેરાવળમાં પાણી ઘૂસ્યા
(મોડીરાતથી ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી વેરાવળમાં પાણી ઘૂસ્યા)

 

અમરેલી જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલા, બગસરા, લાઠી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બગસરાના લુંઘીયા, સુડાવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ, રાજુલા અને ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ખેડૂતોમાં ચિંતિત બન્યા છે.

2015 બાદ પહેલીવાર શેત્રુંજી ડેમના તમામ દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા
(2015 બાદ પહેલીવાર શેત્રુંજી ડેમના તમામ દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા)

 

શત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાતા 17 ગામોને એલર્ટ કરાયા

શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. 2 ફૂટ સુધી તમામ દરવાજા ખોલાતા 15340 ક્યુસેક પાણી છોડાયું છે. 2015 બાદ 2020માં ફરી ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી 15340 ક્યુસેક પાણી આવક છે. આથઈ નીચાણવાળા વિસ્તારના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વેરાવળના શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા
(વેરાવળના શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા)

 

બાબરા પંથકમાં ધોધમાર વરસાદથી નદી-નાળામાં પૂર

બાબરા પંથકમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. સતત વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. કાળુભાર નદીમાં પાણીની ભારે આવક થઈ રહી છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે પાણીની આવક થઈ રહી છે. નદીના પાણી જોવા લોકો ઉમટી રહ્યા છે.

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા
(અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા)

 

અમરેલી જિલ્લામાં સાંજે 6થી સવારના 8 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા (MMમાં)

અમરેલી- 30
ખાંભા-05
ધારી- 08
બગસરા- 09
બાબરા- 09
રાજુલા- 05
લાઠી-20
વડીયા-20 મી.મી
લીલીયા- 03
સાવરકુંડલા- 05

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here