Sunday, November 28, 2021
Home10મી મેરેજ એનિવર્સરીની મધરાતે જ સેનાએ ગદ્દાર યાસિન મલિકને ઊઠાવી લીધો
Array

10મી મેરેજ એનિવર્સરીની મધરાતે જ સેનાએ ગદ્દાર યાસિન મલિકને ઊઠાવી લીધો

નવી દિલ્હીઃ કુખ્યાત અલગતાવાદી યાસિન મલિકની ગત મધરાતે ધરપકડ કરવામાં આવી હતી એ યોગાનુયોગે મલિકની 10મી લગ્નતિથિ હતી. સવારે યાસિનની બેહદ ખૂબસૂરત પત્ની મિશાલ મલિકે આ અંગે ટ્વિટ કર્યું હતું. તેણે લગ્ન સમયનો ફોટોગ્રાફ પોસ્ટ કરીને યાસિનને શુભકામનાઓ આપતાં લખ્યું હતું કે, ‘જન્નતના દરવાજા સુધી આપણો સંબંધ અતૂટ રહેશે. ઈન્શાલ્લાહ! 10મી લગ્નતિથિની શુભકામનાઓ, યાસિન’. જોકે, એ જ દિવસે મધરાતે યાસિનને જેલના દરવાજા જોવાનો વારો આવ્યો હતો.

યાસિનને જેલવાસની નવાઈ નથી
કાશ્મીરમાં કાર્યરત પાકિસ્તાન તરફી અલગાવવાદીઓમાં સૌથી વધુ આક્રમક ગણાતો યાસિન મલિક અગાઉ આઠ વખત જેલમાં જઈ આવ્યો છે. કહેવા પૂરતી સ્નાતકની ડીગ્રી ધરાવતો યાસિન 52 વર્ષની ઉંમરમાં કુલ 12 વર્ષ વિવિધ ગુનાઓ સર જેલમાં રહી ચૂક્યો છે. આક્રમક વક્તા તરીકે કાશ્મીરી અવામમાં આબાદ ભૂરકી છાંટી જાણતો યાસિન મશહુર શાયર અલ્લામા ઈકબાલનો ભારે પ્રશસંક છે અને તેના ભાષણોમાં પણ ઈકબાલની શેરોશાયરી ટાંકતો રહે છે.
16 વર્ષ નાની પાકિસ્તાની યુવતી સાથે લગ્ન
પાકિસ્તાનના પ્રવાસો દરમિયાન તે પાક. કબજા હેઠળના કાશ્મીરમાં વસતાં અને કાશ્મીરમાં આતંકવાદના હિમાયતી નિયાઝ મલિકના ઘરે જ ઉતરતો. નિયાઝ મલિકની દીકરી મિશાલ યાસિનના ભાષણોમાં છલકાતી આક્રમકતાથી અંજાઈને તેના પ્રેમમાં પડી હતી. યાસિન 16 વર્ષ મોટો હતો, ખાસ ભણેલો ન હતો અને અલગતાવાદી તરીકે તેની જિંદગી સતત દાવ પર રહેવાની હતી. જ્યારે મિશાલ લંડનની વિખ્યાત સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણી હતી, બેહદ ખૂબસૂરત છે અને અવ્વલ ચિત્રકાર પણ છે.
તેમ છતાં તેણે યાસિનથી પ્રભાવિત થઈને તેની સાથે લગ્ન કર્યા હતા. પાકિસ્તાનમાં યોજાયેલા બંનેના લગ્નમાં કુખ્યાત હાફિઝ સઈદ, હિઝબુલ મુઝાહિદ્દિનના કમાન્ડર સૈયદ સલાહુદ્દિન, કુખ્યાત પાક. જાસુસી સંસ્થા આઈએસઆઈના તત્કાલીન વડા હમિદ ગુલ સહિતના ભારતવિરોધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આતંકવાદી મકબૂલ બટ્ટ યાસિનનો આદર્શ
એંશીના દાયકામાં ફાંસીએ ચડાવી દેવાયેલ આતંકવાદી મકબૂલ બટ્ટથી યાસિન અત્યંત પ્રભાવિત છે. બાળપણમાં તેણે મકબૂલ બટ્ટનો કરિશ્મા નજરે જોયો હોવાથી તે બટ્ટથી ભારે અંજાયેલો હતો અને કાચી વયથી જ અલગતાવાદની માનસિકતામાં પલોટાઈ ગયો હતો. મકબૂલ બટ્ટ પછી જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના નેતા અમાનુલ્લાખાનનું અવસાન થયું ત્યારે યાસિને સુકાન સંભાળ્યું હતું.
આતંકવાદી પ્રવૃત્તિનો મુખ્ય સંયોજક
વિદ્યાર્થી અવસ્થામાં યાસિને સ્ટુડન્ટ લિગના નામે વિદ્યાર્થીઓમાં અલગતાવાદનો પ્રસાર કર્યો હતો. 1987માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં મહંમદ યુસુફશાહ નામના નેતા માટે યાસિને ભારે પરિશ્રમ કર્યો હતો. એ ચૂંટણીમાં મહંમદ યુસુફશાહે નેશનલ કોન્ફરન્સના ગુલામ મોઈયુદ્દિન શાહ સામે વિજય મેળવ્યો એ જ દિવસે યુસુફશાહ ઉપરાંત યાસિનની પણ ધરપકડ થઈ હતી. લગભગ એક વર્ષ સુધી બંને શ્રીનગર અને અનંતનાગ જેલમાં કેદ રહ્યા હતા. એ પછી યુસુફશાહે પાક. કબજા હેઠળના કાશ્મીરમાં જઈને સૈયદ સલાહુદ્દિન નામ ધારણ કર્યું અને હિઝબુલ મુજાહિદ્દિન નામે આતંકવાદી જૂથની સ્થાપના વડે ભારત સાથે સીધા યુદ્ધના મંડાણ કર્યા.
જ્યારે યાસિન મલિકે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (સ્થાપક મકબૂલ બટ્ટ)નું સુકાન સંભાળ્યું. ત્યારથી સૈયદ સલાહુદ્દિન મારફત યાસિન હાફિઝ સઈદ અને અઝહર મસૂદના સંપર્કમાં આવ્યો અને ભારતમાં રહીને આતંકવાદી પ્રવૃત્તિઓના સંયોજક તરીકેની કામગીરી કરવા લાગ્યો.
હાફિઝ સાથેની નિકટતા જ ધરપકડનું મુખ્ય કારણ
પુલવામા હુમલા પછી ભારતીય સૈન્યએ ખીણ વિસ્તારમાં ભારે કડકાઈ દાખવવા માંડી અને કેન્દ્ર સરકારે પણ અલગતાવાદીઓને મળતી સુરક્ષા બંધ કરી દીધી. એ પછી શુક્રવારે મધરાતે ભારે ચૂપકીદીપૂર્વક યાસિનની ધરપકડ કરવામાં આવી. તમામ અલગાવવાદીઓમાં ફક્ત યાસિનની ધરપકડ થઈ તેનું કારણ એ છે કે તે કુખ્યાત હાફિઝ સઈદ સાથે અત્યંત નિકટના સંબંધો ધરાવે છે. અમેરિકાએ જે પ્રકારે ઓસામા બિન લાદેનને ખતમ કર્યો એવા કોઈ છાપામાર હુમલાનું ભારત આયોજન કરી રહ્યું હોવાની શંકા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વ્યક્ત કરી ચૂક્યા છે. એ સંજોગોમાં યાસિનની ધરપકડને બહુ સૂચક માનવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments