આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવા પર પ્રતિબંધ મૂકવા દાખલ થયેલી જનહિતની અરજી અંગે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ આપી છે. કોર્ટે આ વ્યવસ્થા પર તત્કાલ પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે સરકારને આ અંગે નોટિસ ઈશ્યૂ કરી જવાબ માંગ્યો છે. કોર્ટે તત્કાલ પ્રતિબંધનો ઈનકાર કરી કહ્યું કે તેઓ આ મુદ્દે પોતાના સ્તરે ચકાસણી કરશે. કોર્ટ આ મુદ્દે દાખલ થયેલી અરજીઓ અંગે ચાર સપ્તાહમાં સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટમાં બંધારણીય સુધારા દ્વારા આર્થિક આધારે 10 ટકા અનામત પર પ્રતિબંધ મૂકવા માટે એક અરજી કરાઈ હતી. અરજીમાં તત્કાલ પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે તેનો ઈનકાર કરી દીધો હતો. પણ કેન્દ્ર સરકારને નોટિસ આપીને જવાબ આપવા જણાવ્યું છે. આ અંગે અન્ય એક પણ અરજી દાખલ કરવામાં આવી છે. તહેસીન પુનાવાલા તરફથી દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે આ બંધારણની મૌલિક ભાવના સાથે છેડછાડ છે. હવે કેન્દ્ર સરકારે ચાર સપ્તાહમાં આ મુદ્દે પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. અરજીકર્તાએ કહ્યું છે કે અનામતની મહત્તમ મર્યાદા 50 ટકા નક્કી કરાઈ છે તેનું આ ઉલ્લંઘન છે. આ મામલે પહેલા પણ એક એનજીઓ તરફથી તથા ડો. કૌશલકાન્ત મિશ્રા તરફથી પણ અરજી કરાઈ છે. પુનાવાલાએ કરેલી અરજીમાં ભારત સરકાર અને અન્યને પ્રતિવાદી બનાવાયા છે.
10 ટકા આર્થિક અનામત મુદ્દે કરાયેલી અરજીમાં કહેવાયું છે કે બંધારણની કલમ-16માં સામાજિક પછાતપણાના આધારે અનામત આપવાની વાત છે. કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને તેમાં આર્થિક આધારનો પણ ઉમેરો કર્યો છે. જ્યારે આર્થિક આધાર પર અનામતની બંધારણમાં કોઈ જોગવાઈ જ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઈન્દિરા સહાની જજમેન્ટમાં એવું જણાવ્યું હતું કે, 50 ટકાથી વધુ અનામત આપી શકાય નહીં અને હાલના કાયદા હેઠળ અપાયેલી અનામત 10 ટકા વધુ છે. તેને લાગુ કરવાથી 50 ટકાની મર્યાદા વટી જશે. આથી એવી દલીલ કરાઈ છેકે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચના ચુકાદાની વિરુદ્ધ આ કાયદો પસાર કરાયો છે. આથી આ સુધારો રદ થવો જોઈએ.