વર્લ્ડ કપમાં ભારત સેમિફાઈનલની એકદમ નજીક પહોંચી ગયું છે. અત્યાર સુધીનું ટીમ ઈન્ડિયાનું પર્ફોર્મન્સ એકદમ શાનદાર રહ્યું છે. ભારતે અત્યાર સુધી 5 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે, જ્યારે એક મેચ વરસાદની ભેટ ચઢી ગયું હતું. વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં હાલ ભારતના 9 અંક છે. આગમી 10 દિવસમાં ભારત 4 મેચો રમશે. અને આ ચાર મેચોમાં ભારતીય ખેલાડીઓની પ્રતિભાની અસલી ટેસ્ટ થશે. સાથે જ વિપક્ષી ટીમોને માત આપવાની તેની રણનીતિની પણ પરીક્ષા થશે.
ભારતીય ટીમ પહેલાં 27 જૂને વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. જે બાદ 30 જૂને ઈંગ્લેન્ડ, પછી 2 જુલાઈએ બાંગ્લાદેશ અને અંતિમ લીગ મેચ 6 જુલાઈએ શ્રીલંકા સામે રમશે.
અફઘાનિસ્તાન સામેની મેચને બાકાત રાખીએ તો, વર્લ્ડ કપમાં ભારતની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. પણ વર્લ્ડ કપમાં ગમે તે ઘડીએ કાંઈ પણ થઈ શકે છે. ભારતને આગામી ચાર મેચોમાં અલગ અલગ પડકારોનો સામનો કરવો પડશે. ટીમ ઈન્ડિયાની પહેલી ટક્કર દુનિયાની સૌથી આક્રમક ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે થશે.
વેસ્ટ ઈન્ડિઝ ટીમને હળવાશમાં લેવી ભારે પડશે
વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં એવા ખેલાડીઓ સામેલ છે, જે એકલાં પોતાના દમ પર જ ગમે ત્યારે મેચનું પરિણામ બદલી શકે છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન જેવી દિગ્ગજ ટીમોને માત આપી હોય. પણ અફઘાનિસ્તાન સામેની મેચ બાદ ટીમને જરૂર પોતાના પર્ફોર્મન્સ પર વિચાર આવ્યો હશે.
અફઘાનિસ્તાન પાસેથી મળી આ શીખ
અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમના મિડલ ઓર્ડરનું પર્ફોર્મન્સ સારું રહ્યું ન હતું. તો લોકેશ રાહુલ પણ ઓપનિંગમાં હજુ પોતાની પકડ જમાવી શક્યો નથી. અને અફઘાનિસ્તાન ટીમે ભારતીય ટીમને જે ટક્કર આપી હતી, તેવામાં ટીમને પોતાની રણનીતિ બદલવા અને કોઈપણ ટીમને હળવાશમાં ન લેવા માટેની શીખ આપી હતી.