તૃણમૂલના શુભેંદુ સાથે 10 ધારાસભ્ય ભાજપમાં આવ્યા, શાહે કહ્યું- ચૂંટણી સુધીમાં તો દીદી એકલા રહી જશે

0
16

બે દિવસના બંગાળના પ્રવાસે પહોંચેલા અમિત શાહ રેલી માટે મિદનાપુર પહોંચી ગયા છે. અહીં સ્ટેજ પર TMC છોડી ચૂકેલા અને મમતાના ખાસ રહેલા શુભેંદુ અધિકારી પણ હાજર છે. આ દરમિયાન તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે. શુભેંદુ અધિકારીએ બે દિવસ પહેલાં જ પાર્ટી અને તે પહેલાં ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારથી તેઓ ભાજપમાં જશે તેવી અટકળો ચાલતી હતી.

મિદનાપુરથી અમિત શાહનો હુંકાર
શુભેંદુ અધિકારી પછી બીજેપી નેતા અમિત શાહે રેલીને સંબોધન કર્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, આજે દરેક પક્ષના સારા લોકો બીજેપીમાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આજે 1 MP અને 9 MLA સહિત ઘણાં નેતા ભાજપમાં જોડાયા છે. અમિત શાહે કહ્યું કે, હજી તો શરૂઆત થઈ છે. ચૂંટણી આવશે ત્યારે મમતા દીદી તમે એકલા રહી જશો.

પોતાના ભાષણમાં શાહે મમતા બેનરજીને ટાર્ગેટ કર્યા હતા. આ સિવાય તેમણે કહ્યું કે, આ મહાન ભૂમિને પ્રણામ કરું છું, જ્યાં શિક્ષા શાસ્ત્રી ઈશ્વરચંદ વિદ્યાસાગર અને શહીદ ખુદીરામ બોઝનો જન્મ થયો છે. 18 વર્ષનો છોકરો હાથમાં ગીતા લઈને હસતા હસતા ફાંસી પર ચડી ગયો હતો. તેમની શહીદી પછી લોકોમાં ખુદીરામની ધોતી પહેરવાનો ક્રેઝ વધી ગયો હતો.

બીજી પાર્ટીના સારા લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે
શાહે કહ્યું કે, શુભેંદુની આગેવાનીમાં આજે ઘણાં સારા લોકો ભાજપ સાથે જોડાયા છે. દીદી કહે છે કે, ભાજપ પક્ષ પલટો કરાવે છે. દીદી જ્યારે કોંગ્રેસ છોડીને તૃણમૂલમાં આવ્યા એ શું હતું. ચૂંટણી આવતા આવતાં તૃણમૂલ ખાલી થઈ જશે. જેઓ અમારી સાથે આવ્યા છે તેઓ માં-માટી-માનુષના નારા સાથે નીકળ્યા હતાં.

તમને 10 કરોડ બંગાળીઓનું ભવિષ્ય નથી દેખાતું. હું બંગાળના લોકોને પૂછવા માંગુ છું કે, મોદીજી જે દર મહિને 6,000 રૂપિયા ખેડૂતોને આપે છે તે તમને કેમ નથી મળતાં. મોદીજી લોકોને આયુષ્માન ભારત યોજના આપી રહ્યા છે. મમતાના કારણે અહીંના લોકોને આ લાભ નથી મળતો. જ્યાં સુધી તમે તૃણમૂલને ઉખાડીને નહીં ફેંકી દો ત્યાં સુધી તમને આ લાભ નહીં મળે. મોદીજી જે આપવા માંગે છે તે તમને નથી મળતું.

મમતાને ટાર્ગેટ, સોનાર બાંગ્લા બનાવવાનો વાયદો
અમિત શાહે કહ્યું મમતા દીદી, આ વખતે ચૂંટણી આવશે તો જોઈ લેજો ભાજપ 200 કરતાં વધારે સીટો જીતશે. બંગાળમાં ટોલબાજી વધી ગઈ છે. ગુંડાઓને શરણ આપવામાં આવી રહી છે. મોદીજીએ જે અમ્ફાન વાવાઝોડું આવ્યા પછી જે પૈસા મોકલ્યા હતા તે ગુંડાઓ પાસે જતા રહ્યા છે. તાજેતરમાં જ અમારા પાર્ટી અધ્યક્ષ નડ્ડાજીની ગાડી પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો.

દીદી આખું બંગાળ તમને હટાવવા માટે તૈયાર છે. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે, બંગાળમાં મજૂરો, ખેડૂતો, યુવકોની સમસ્યાઓનું સમાધાન માત્ર મોદી સરકાર જ કરી શકે એમ છે. તમે ત્રણ દાયકા કોંગ્રેસને મોકો આપ્યો છે. કોમ્યુનિસ્ટોને 27 વર્ષ આપ્યા. મમતાને 10 વર્ષ આપ્યા. હવે અમને એક મોકો આપો, બંગાળને સોનાર બાંગ્લા બનાવી દઈશું.

આ ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા
તાપસી મંડલ, અશોક ડિંડા, સુદીપ મુખરજી, સૈકત પાંજા, શીલભદ્ર દત્તા, દિપાલી બિસ્વાસ, શુક્ર મુંડા, શ્યાંપદા મુખરજી, બિસ્વજીત કુંડૂ અને બાનાશ્રી મૈતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here