લોકોને શારીરિક સમસ્યાની તાકીદની સારવાર માટે 108 એમ્બ્યુલન્સની સેવા ખૂબ ઉપયોગી સાબિત થતી હોય છે, ખાસ કરીને સગર્ભા મહિલાઓને પ્રસૂતાની પીડા વખતે 108 અકસીર સાબિત થાય છે. આજ પ્રકારની તાકીદની સારવારની જરૂર ઉભી થતા ભચાઉ તાલુકાના આધોઇ પાસેની પ્રસૂતાને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા યોગ્ય સારવાર આપી સફળ પ્રસુતિ કરી હતી. પરિજનોએ મહિલાને નબજીવન આપવા નિમિત્ત બનેલી 108ની ટીમનો આભાર માની ધન્યવાદ પાઠવ્યા હતા.
ભચાઉ તાલુકા આધોઇ પાસેના કાંકરિયા વિસ્તારની વાડીમાં રહેતાં મંજુબેન કોળીને પ્રુસુતીની પીડા ઉપડતા આશાવર્કર શિલ્પાબેને તુરંત 108ને કોલ કર્યો હતો.જે કોલ સમાખીયાળી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટિમને મળતા ફરજ પર હાજર ઇમટી ગણપત ઠાકોર અને પાઈલોટ પ્રવીણ કાપડી તાત્કાલિક 108 સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. ત્યાંથી દર્દીને ભચાઉ સરકારી હોસ્પીટલ ખસેડવા નીકળ્યા હતા.
દરમિયાન આધોઇ માર્ગે રસ્તામાંજ સગર્ભાને પ્રસુતિની ગંભીર પીડા માલુમ પડતા રસ્તા વચ્ચે ડિલિવરી કરાવવી જરૂરી બની હતી. માટે અમદાવાદ ખાતે 108ના ઇમરર્જન્સી ercp ડૉક્ટર જેડી પટેલ ને કોલ કરી નિષ્ણાતની સલાહ લીધી હતી અને 108માં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો, તથા ટેકનીકનો ઊપયોગ કરીને રસ્તામાંજ સફળ પ્રસુતિ કરાવાઈ હતી. મહિલાએ લક્ષ્મીરૂપી બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં વધુ સારવારર્થે માતા અને બાળકીને આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રસંગે પરિવારે ખુશી વ્યક્ત કરી હતી. પ્રોગ્રામ મેનેજર સુજીત માલવિયા અને EME હરેશ વાણીયા દ્રારા આ કામગીરી બદલ 108 ટીમની સરાહના કરવામાં આવી હતી.